News of Wednesday, 4th November 2026
નવેમ્બરની ૨૬-૨૭‘‘લોઠડા''માં કલેકટરનું મહાઓપરેશન ૮૫ કોમર્શીયલ બાંધકામો તોડી પડાશેઃ૨૦૦ કરોડની જમીન ખૂલ્લી થશે
બે રહેઠાણનો પણ સમાવેશઃ તાલૂકા મામલતદારની સૂચના બાદ નાયબ મામલતદાર ભૂમી લાવડીયા અને જોષી દ્વારા આજ સવારથી કલમ ૨૦૨ હેઠળની આખરી નોટીસ આપવાનું શરૂ

રાજકોટ, તા.૪: રાજકોટ તાલૂકાના ખોખડદળ થી આગળ જતા લોઠડા ગામમાં સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ કલેકટર બહુ મોટુ ઓપરેશન કરવાના મૂડમાં હોવાનું બહાર આવ્યું છે.લોઠડા સર્વે નંબર ૧૬૭ પૈકી રોડની બંને બાજુએ સરકારી જમીન પર ચા-પાનના ગલ્લા તેમજ કેટલાક કારખાનેદારો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો અને અન્ય કોર્મશીયલ બાંધકામો સામે આજે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તાલુકા મામલતદાર દ્વારા કલમ ૨૦૨ અંતર્ગત આખરી નોટિસો ફટકારવામાં આવી છે. આ મહત્વપૂર્ણ કાર્યવાહીમાં નાયબ મામલતદાર ભૂમી લાવડીયા જોષી અને સહિતની અધિકારીઓની ટીમ સક્રિય રીતે જોડાઈ હતી અને સ્થળ પર જઈને નોટિસો ફટકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, લોઠડા વિસ્તારમાં આવેલી સરકારી જમીનનું બજાર કિંમત અંદાજે ૨૦૦ કરોડ રૂપિયા જેટલું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આટલી મોટી કિંમતની સરકારી જમીન પર લાંબા સમયથી ચા-પાનની કેબિન અને કારખાનેદારો દ્વારા શેડ તથા અન્ય પાકા-કાચા બાંધકામો કરીને ગેરકાયદેસર કબજો જમાવવામાં આવ્યો હતો. અગાઉ પણ વહીવટી તંત્ર દ્વારા આ દબાણકર્તાઓને ખાલી કરવા માટે નોટિસો આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં ગેરકાયદેસર કબજેદારો દ્વારા જમીન ખાલી કરવામાં આવી ન હતી. તંત્રની વારંવારની સૂચનાઓની અવગણના થતાં આખરે તંત્રએ કાયદાકીય રાહે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. તંત્ર કેસો ચલાવ્યા હતા. તમામ દબાણ કારો કેસ હારી ગયા બાદ હવે આજે કલમ ૨૦૨ હેઠળ આખરી નોટીસો અપાઇ છે.
તંત્ર દ્વારા આપવામાં આવેલી આખરી નોટિસમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી તારીખ ૨૬ અને ૨૭ નવેમ્બરના રોજ આ તમામ ગેરકાયદેસર બાંધકામો સામે મોટા પાયે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નિર્ધારિત તારીખ સુધીમાં જો ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ જાતે જ દબાણો દૂર નહીં કરે, તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી અને ટ્રેક્ટર જેવા સાધનોની મદદથી બુલડોઝર ફેરવીને તમામ ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. આ માટે સધન પોલીસ બંદોબસ્ત માંગી લેવાયો છે.
આ મેગા ડિમોલેશનને લઈને લોઠડા વિસ્તારના દબાણકર્તાઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી સરકારી જમીનો પર ગેરકાયદે કબજો કરીને બેઠેલા ભૂમાફિયાઓ અને અનધિકળત બાંધકામ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આગામી ૨૬ અને ૨૭ નવેમ્બરે યોજાનારૂ આ ડિમોલેશન વહીવટી તંત્રની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીઓમાંની એક સાબિત થશે. (૩.૧૬)
(2:53 PM IST)










