News of Thursday, 21st May 2026
ચોમાસુ નજીક હોય શહેર-જીલ્લાની ભયજનક- જર્જરીત બિલ્ડીંગો અંગે કલેકટરના આદેશોઃ ૮ દિ'માં રીપોર્ટ આપો
આવી બીલ્ડીંગો તોડી પાડો અથવા તો મરામત કરાવી લોઃ ૧ લી જુનથી તમામ કન્ટ્રોલરૂમ શરૂ થશે

રાજકોટ તા.૨૧: ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજકોટ વહીવટી તંત્રે ધડાધડ પગલાઓ લેવાનુ શરૂ કર્યું છે. વરસાદ, પૂર અને સંભવિત આપત્તિઓનો સામનો કરવા માટે વિવિધ વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે અને તાલુકા સ્તરે મામલતદારો તેમજ પ્રાંતને શહેર-જિલ્લામાં જોખમી બિલ્ડીંગનો સર્વે કરી આઠ દિવસમાં રિપોર્ટ આપવા સૂચનાઓ આપવામાં આવી છે.
૧ જૂનથી શહેર-જિલ્લા અને તાલુકા સ્તરે ૨૪ કલાક કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરવાનું આયોજન છે. ભારે વરસાદની ચેતવણી મળતાની સાથે જ તમામ સ્ટાફને તેમના કાર્યસ્થળે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
પાણીના વહેણમાં અવરોધ ઊભો કરી શકે તેવી વસ્તુઓ તાત્કાલિક દૂર કરવાની સૂચના છે. અગાઉ પાણી ભરાયેલા વિસ્તારોનો અભ્યાસ કરીને કાયમી ઉકેલ શોધવા માટે પણ કહેવામાં આવ્યું છે.ડેમ અને કેનાલની તપાસ, નદીપટ્ટી અને વોકળાની સફાઈ, જૂના ઇમારતો પર ચેતવણી બોર્ડ લગાવવા, સરકારી અનાજની સુરક્ષા જેવા કાર્યો પર ભાર મૂકવામાં આવ્યો છે.કલેકટરે ઉમેર્યુ હતું કે શહેર-જીલ્લામાં જે કોઇ ભયજનક- જર્જરીત બિલ્ડીંગો હોય તે તોડી પાડવા અથવા તો મરામત કરી લેવાય તે અંગે કાર્યવાહી કરવા સૂચના અપાઇછે.
(2:31 PM IST)










