News of Thursday, 18th June 2026
વારસો નામથી નહીં, મહેનતથી મળે છે : જેમી લીવર
કોમેડી કિગ જોની લીવરની દીકરી જેમી લીવર ૨૦ જૂને રાજકોટમાં : હેમુ ગઢવી ઓડિટોરિયમમાં ‘ધ જેમી લીવર શો' લંડનની નોકરીથી લઈને કોમેડી સુધીની સફર

રાજકોટ : ગુજરાતી ભોજન દાળઢોકળી અને ફાફડાની શોખીન જેમી લીવરનો. ‘ફેમિલી ક્લબ' અને 'એઝલ એન્ટરટેઇનમેન્ટ' દ્વારા આગામી ૨૦ જૂન ૨૦૨૬ ના રોજ રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે ‘ધ જેમી લીવર શો' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું સંસ્થાએ જણાવ્યું છે. સપરિવાર મોજ માણવાની આ તક ચૂકવા જેવી નથી.
બોલિવૂડના ‘કોમેડી કિગ' જોની લીવર અને સુજાતા જાનુમાલાની પુત્રી જેમી લીવરે ઇન્ડસ્ટ્રીમાં પોતાની મહેનતથી આગવી ઓળખ ઊભી કરી છે. લંડનની યુનિવર્સિટીમાંથી માર્કેટિગમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ, વર્ષ ૨૦૧૨ માં 'વિઝનગેન' કંપનીમાં કામ કરતી જેમીએ તેના ગુજરાતી સહકર્મીઓ સાથે કામ કરતી વખતે પોતાના દિલનો અવાજ સાંભળીને લક્ઝુરિયસ જોબ છોડી દીધી હતી. કોમેડી તેના લોહીમાં હોવાથી તેણે ભારત પરત ફરીને પોતાની સફર શરૂ કરી.
પિતા જોની લીવરનો કડક સ્વભાવ અને મિમિક્રી : જેમીના જણાવ્યા અનુસાર, સ્ક્રીન પર હસાવતા તેના પિતા ઘરમાં ખૂબ જ શિસ્તબદ્ધ અને પ્રોટેક્ટિવ રહ્યા છે, પરંતુ તેના મતે તેના દાદી પિતા કરતાં પણ વધુ રમૂજી છે. જેમી ની મિમિક્રી ફરાહ ખાન, મલાઈકા અરોરા અને ઉષા ઉત્થપને પણ ખૂબ પસંદ છે. ૪૦ વર્ષના અનુભવી પિતા સાથે પોતાની સરખામણીને તે પ્રેક્ટિકલ રહીને અયોગ્ય માને છે. બોલિવૂડમાં તેને હંમેશા સન્માન મળ્યું છે, પરંતુ તેણે ઓડિશનના નામે 'બોલ્ડ સીન'ની માંગણી કરતા એક વિદેશી ડિરેક્ટરના ટ્રેપનો પણ સમજદારીથી સામનો કર્યો હતો.
માર્કેટિગથી મનોરંજન સુધીની સફર અને બહુમુખી પ્રતિભાઃ ૧૯ ઓક્ટોબર ૧૯૮૭ ના રોજ જન્મેલી અને જેસી નામનો નાનો ભાઈ ધરાવતી જેમીએ લંડનની વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાંથી ‘માસ્ટર ઓફ માર્કેટિગ કોમ્યુનિકેશન્સ' ની ડિગ્રી મેળવી હતી. કોમેડી તેનો પહેલો પ્રેમ હોવા છતાં, તે માત્ર એક કોમેડિયન જ નહીં પરંતુ ગાયન, નૃત્ય અને અભિનયમાં પણ નિપુણ એવી બહુમુખી પ્રતિભા ધરાવે છે. લોકડાઉન દરમિયાન તેણે પોતાના સોશિયલ મીડિયા પર સ્કેચ અને વિવિધ પાત્રો સાથે પ્રયોગો શરૂ કર્યા હતા, જેને લોકોનો અઢળક પ્રેમ મળ્યો અને તે ભારતમાં સૌથી ઝડપથી ઉભરી રહેલી સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર્સમાંની એક બની ગઈ. હાલમાં તે એક ફિક્શન ડ્રામા-કોમેડી પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે.
‘મટકા કિગ' માં ગંભીર પાત્રનો પડકાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ : હંમેશા હસાવતી જેમીએ તાજેતરમાં ‘સૈરાટ' ફેમ દિગ્દર્શક નાગરાજ મંજુલેની વેબ સિરીઝ ‘મટકા કિગ' માં 'સુલભા રાવ' નો એક ગંભીર રોલ ભજવ્યો હતો.
આ રોલ તેના માટે અત્યંત પડકારજનક હતો, જેને ન્યાય આપવા તેણે પોતાની આન્ટીઓ સાથે વાતચીત કરીને તે સમયના જૂના માહોલને સમજ્યો હતો. ભારત પૂરતું સીમિત ન રહેતા, વર્ષ ૨૦૧૪ થી તેણે વિશ્વભરમાં પ્રવાસ ખેડ્યો છે.
‘જોની લીવર લાઈવ' ટૂરના ભાગરૂપે તેણે ૧૬૦ થી વધુ હાઉસફુલ શો કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની કોમેડીનો ડંકો વગાડ્યો છે. વધુ માહિતી માટે જયેશભાઈ ઓઝાનો સંપર્ક મોબાઈલ નંબર ૯૪૨૯૦ ૪૫૨૧૪ પર કરી શકાશે.
(3:07 PM IST)










