<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

બાબાસાહેબ આંબેડકરને કોંગ્રેસે યોગ્‍ય સન્‍માન ન આપ્‍યું, મોદી સરકારે બંધારણના ઘડવૈયાને રાષ્‍ટ્રીય ગૌરવના કેન્‍દ્રમાં સ્‍થાપિત કર્યાઃ પ્રશાંત કોરાટ

રાજકોટ ભાજપ દ્વારા ૨૬ નવેમ્‍બરે ‘સંવિધાન ગૌરવ દિવસ'ની ઉજવણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇઃ બાબાસાહેબના જીવન સાથે જોડાયેલા પાંચ સ્‍થળોનો ‘પંચતીર્થ' તરીકે વિકાસઃ કોંગ્રેસ પર આકરા રાજકીય પ્રહારો કરતા પ્રદેશ મહામંત્રી

રાજકોટઃ  ભારતીય બંધારણ અને તેના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના સન્‍માન માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૫થી ૨૬ નવેમ્‍બરને ‘સંવિધાન ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની શરૂઆત કરાવી છે. કોંગ્રેસ આજે હાથમાં બંધારણની નકલ લઈને લોકશાહી અને બંધારણના રક્ષણની મોટી મોટી વાતો કરે છે, પરંતુ આ જ કોંગ્રેસે વર્ષ ૧૯૭૫માં દેશમાં કટોકટી લાદીને લોકશાહીની હત્‍યા કરી હતી. બંધારણ અને બાબાસાહેબના નામે રાજકીય સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરતી કોંગ્રેસનો અસલી ચહેરો દેશની જનતા ઓળખી ચૂકી છે, તેમ ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું.

વધુમાં પત્રકાર પરિષદને સંબોધતા પ્રશાંત કોરાટે જણાવ્‍યુ હતુ કે, આગામી ૨૬ નવેમ્‍બરના ‘સંવિધાન ગૌરવ દિવસ'ની ઉજવણીના સંદર્ભમાં રાજકોટ શહેર ભાજપ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના ઐતિહાસિક યોગદાન, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં તેમને આપવામાં આવેલા સન્‍માન અને કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્‍તળત માહિતી આપી હતી.

પ્રશાંત કોરાટે જણાવ્‍યું હતું કે, ૨૬ નવેમ્‍બર, ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ સ્‍વીકાર્યું હતું. આ દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં અત્‍યંત ગૌરવપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૫માં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્‍મજયંતીની ઉજવણીના ભાગરૂપે આ દિવસને વિશેષ મહત્ત્વ આપીને ‘સંવિધાન ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં સમાનતા, સ્‍વતંત્રતા, ન્‍યાય અને બંધુતાના મૂલ્‍યોને સ્‍થાન આપીને દેશના દરેક નાગરિકના અધિકારોના રક્ષણ માટે ઐતિહાસિક યોગદાન આપ્‍યું છે. મહિલાઓના અધિકારો, શ્રમિકોના હિતો, સામાજિક ન્‍યાય, શિક્ષણ અને વંચિત વર્ગોના ઉત્‍થાન માટે બાબાસાહેબે કરેલું કાર્ય અવિસ્‍મરણીય છે. તેમના વિચારો કોઈ એક સમાજ કે વર્ગ પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.

કોંગ્રેસના શાસનમાં બાબાસાહેબની ઉપેક્ષા

કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરતાં પ્રશાંત કોરાટે જણાવ્‍યું હતું કે, આજે કોંગ્રેસના નેતાઓ બંધારણ બચાવવાની વાતો કરે છે, પરંતુ ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ તત્‍કાલીન વડાપ્રધાન ઇન્‍દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી. કટોકટીના ૨૧ મહિના દરમિયાન નાગરિક સ્‍વતંત્રતાઓ પર ગંભીર નિયંત્રણો મૂકવામાં આવ્‍યા હતા, વિરોધીઓને જેલમાં ધકેલવામાં આવ્‍યા હતા અને અખબારો ઉપર સેન્‍સરશિપ લાદવામાં આવી હતી.

તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસે વર્ષો સુધી સત્તામાં રહેવા છતાં ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને સામાજિક ન્‍યાયના મુદ્દાઓને જોઈએ તેટલું રાષ્‍ટ્રીય મહત્ત્વ આપ્‍યું નહોતું. બાબાસાહેબ સાથે કોંગ્રેસના રાજકીય અને વૈચારિક મતભેદો રહ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં બાબાસાહેબની સામે ઉમેદવાર ઊભા રાખીને તેમને હરાવવાના પ્રયાસો થયા હતા. આજે એ જ કોંગ્રેસ બાબાસાહેબના નામે રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

મોદી સરકારની યોજનાઓમાં બાબાસાહેબના આદર્શોનું પ્રતિબિંબ

પ્રશાંત કોરાટે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં કેન્‍દ્ર સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ'ના મંત્ર સાથે આગળ વધી રહી છે. જનધન યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્‍માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્‍વચ્‍છ ભારત અભિયાન જેવી યોજનાઓ દ્વારા ગરીબ, વંચિત, શોષિત અને પછાત વર્ગોના સશક્‍તિકરણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં ગુજરાત સરકાર પણ સામાજિક સમરસતા અને સર્વસમાવેશક વિકાસની દિશામાં કાર્યરત હોવાનું તેમણે જણાવ્‍યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, બંધારણ દેશની એકતા, અખંડિતતા અને લોકશાહીની મજબૂત આધારશિલા છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ બાબાસાહેબના વિચારોને માત્ર સ્‍મારકો પૂરતા મર્યાદિત રાખવાને બદલે વિકાસની નીતિઓ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.

આ પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, મેયર નેહલ શુક્‍લા, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા તથા રાજુભાઇ ધ્રુવ, શહેર ભાજપ મહામંત્રી યોગેન્‍દ્રસિંહ જાડેજા, લલિતભાઈ તેમજ હાર્દિક બોરડ સહિત ભાજપના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અશોક બગથરીયા)

બાબાસાહેબના પાંચ પવિત્ર સ્‍થળોનો ‘પંચતીર્થ'  તરીકે વિકાસાવવાની પહેલ કરાઇ છે

રાજકોટઃ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં બાબાસાહેબના જીવન સાથે સંકળાયેલા પાંચ મહત્ત્વપૂર્ણ સ્‍થળોને ‘પંચતીર્થ' તરીકે વિકસાવવાની પહેલ કરવામાં આવી છે. જેમાં મધ્‍યપ્રદેશના મહૂ ખાતેની જન્‍મભૂમિ, લંડનની શિક્ષણભૂમિ, નાગપુરની દીક્ષાભૂમિ, દિલ્‍હીની મહાપરિનિર્વાણ ભૂમિ અને મુંબઈની ચૈત્‍યભૂમિનો સમાવેશ થાય છે.

દિલ્‍હીના ૨૬, અલીપુર રોડ ખાતે બાબાસાહેબના મહાપરિનિર્વાણ સ્‍થળે ભવ્‍ય રાષ્‍ટ્રીય સ્‍મારક વિકસાવવામાં આવ્‍યું છે. ઉપરાંત ડો. આંબેડકર ઇન્‍ટરનેશનલ સેન્‍ટરની સ્‍થાપના દ્વારા તેમના વિચારો અને સંશોધનને નવી પેઢી સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્‍યા છે. ડિજિટલ પેમેન્‍ટ એપનું નામ ‘BHIM' રાખીને પણ બાબાસાહેબને વિશેષ સન્‍માન આપવામાં આવ્‍યું હોવાનું તેમણે જણાવ્‍યું હતું

(3:40 PM IST)