<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

રાજકોટને સ્‍વચ્‍છતામાં અગ્રેસર બનાવવા કોર્પોરેટરો પાઠ ભણશેઃ કાલે વર્કશોપ

વિશ્વપર્યાવરણ દિવસ અતંર્ગત પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે મનપા દ્વારા આયોજન

રાજકોટઃ તા.૪, કાલે ૦૫ જૂન, ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ'' નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરશ્રીઓ માટે સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અધિનિયમ અંગે વિશેષ કાર્યશાળાનું આયોજન પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે મેયર નેહલભાઇ શુકલ અધ્‍યક્ષ સ્‍થાને કરવામાં આવ્‍યું છે.

આ અંગે   મહાનગરપાલિકાના મેયર  ડો. નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર  દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  પરેશભાઈ પીપળીયા, ઇ. ચા. મ્‍યુનિસિપલ કમિશનર અનંદુ સુરેશ ગોવિંદ, શાસક પક્ષના નેતા  ડો. હિરેનભાઈ ખીમાણિયા અને શાસક પક્ષના દંડક  સંજયસિંહ રાણા સંયુક્‍ત યાદીમાં જણાવે છે કે, આવતીકાલ તા.૦૫-૦૬-૨૦૨૬ ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ'' નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્‍વચ્‍છ, હરિત અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ બનાવવા માટે મહત્‍વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત કોર્પોરેટરઓને સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ સંબંધિત નિયમો, જવાબદારીઓ અને જનજાગૃતિના વિવિધ પાસાઓ અંગે માહિતગાર કરવા માટે વિશેષ કાર્યશાળા (વર્કશોપ)નું આયોજન કરવામાં આવ્‍યું છે.

કાર્યશાળાનો મુખ્‍ય ઉદ્દેશ નવનિયુક્‍ત કોર્પોરેટરઓને નામદાર સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા તેમજ સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ નિયમો-૨૦૨૬ના અમલીકરણ અંગે વિસ્‍તૃત માહિતી આપવાનો છે. શહેરમાં કચરા વ્‍યવસ્‍થાપનને વધુ અસરકારક બનાવવા માટે કોર્પોરેટરોની ભૂમિકા અત્‍યંત મહત્‍વપૂર્ણ છે. તેઓ પોતાના વોર્ડ અને વિસ્‍તારના નાગરિકો સુધી સ્‍વચ્‍છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પહોંચાડી શકે તે માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.

કાર્યશાળામાં સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટના વિવિધ મહત્‍વપૂર્ણ વિષયો પર વિસ્‍તૃત ચર્ચા કરવામાં આવશે. જેમાં ઘરઆંગણે કચરાનુંસ્ત્રોત પર જ વિભાજન, ભીના, સૂકા, દ્યરેલુ જોખમી તથા સેનિટરી કચરાના ચાર પ્રકારના વિભાજનની પ્રક્રિયા, કચરાના વૈજ્ઞાનિક નિકાલની પદ્ધતિઓ, રિસાયકલિંગ અને રિયુઝની સંભાવનાઓ તેમજ પર્યાવરણ પર થતી સકારાત્‍મક અસરો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

આ ઉપરાંત, શહેરમાં કાર્યરત બલ્‍ક વેસ્‍ટ જનરેટર્સમાટેના નિયમો, જવાબદારીઓ અને કચરા વ્‍યવસ્‍થાપન માટેની જરૂરી વ્‍યવસ્‍થાઓ અંગે પણ માહિતી આપવામાં આવશે. રહેણાંક સોસાયટીઓ, શૈક્ષણિક સંસ્‍થાઓ, વ્‍યાવસાયિક સંકુલો અને મોટા પ્રમાણમાં કચરો ઉત્‍પન્ન કરતા એકમો દ્વારા કઈ રીતે નિયમોનું પાલન કરવું તે અંગે વિશેષ સમજણ આપવામાં આવશે.

કાર્યશાળામાં જનજાગૃતિના વિવિધ માધ્‍યમો અને અભિયાનોમાં કોર્પોરેટર ઓની સક્રિય ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. નાગરિકોમાં સ્‍વચ્‍છતા પ્રત્‍યેની જવાબદારી, પ્‍લાસ્‍ટિક મુક્‍ત જીવનશૈલી, કચરાનું યોગ્‍ય વિભાજન અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ કેળવવા માટે કોર્પોરેટરઓ કેવી રીતે અસરકારક માધ્‍યમ બની શકે તે અંગે માર્ગદર્શન અપાશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્‍વચ્‍છતા સર્વેક્ષણમાં અગ્રેસર બનાવવા તેમજ સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટના તમામ માપદંડોનું અસરકારક પાલન સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યશાળા તે દિશામાં એક મહત્‍વપૂર્ણ પગલું સાબિત થશે, જેમાં કોર્પોરેટરઓ અને નાગરિકો વચ્‍ચે સ્‍વચ્‍છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે વધુ સશક્‍ત સંકલન ઉભું થશે.

(3:19 PM IST)