News of Wednesday, 4th November 2026
દેવપરા વિસ્તારમાંથી હેરોઈન સાથે પકડાયેલ દંપતી અને મુખ્ય સપ્લાયરને શંકાનો લાભ આપી છોડી મૂકવા કોર્ટનો આદેશ

રાજકોટ, તા.૪: રાજકોટ એસઓજી પોલીસ દ્વારા દેવપરામાંથી પકડાયેલા ૨૨૩.૭૦ ગ્રામ હેરોઈનના ચકચારી કેસમાં રાજકોટના બેલીમ દંપતિ તથા રાજસ્થાનના સપ્લાયર વગેરે ત્રણેય આરોપીઓને સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકયા છે. આ કેસની હકીકત મુજબ તા.૧૧/ ૦૩/૧૯ના રોજ એસોઓજી સ્ટાફે બાતમીના આધારે દેવપરા પાસે રેડ કરી રફીક ઈબ્રાહિમભાઈ બેલીમ અને તેની પત્ની જુબેદાબેન બેલીમ પાસેથી ૨૨૩.૭૦ ગ્રામ હેરોઈન ઝડપ્યું હતું. પૂછપરછમાં આ જથ્થો રાજસ્થાનના સપ્લાયર સમીરખાન ઉર્ફે સમશેર મહમદ સલીમખાન પઠાણ (રહે.નૌગાવ, તા. અરનોદ, જિ.પ્રતાપગઢ)એ વેચાણ માટે આપ્યાની કબૂલાત મળતા તેની પણ અટકાયત કરી ત્રણેય સામે ચાર્જશીટ કરાઈ હતી. આ કેસ ચાલવા ઉપર આવતા પ્રોસિકયુશને ૬ સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
આ કામે બચાવ પક્ષે વકીલોએ દલીલ કરી હતી કે સેક્શન ૫૦ મુજબ ગેઝેટેડ ઓફિસર પાસે તપાસ હોવી જોઈએ આ કેસમાં તેનો ભંગ થયો છે, કયા આરોપી પાસેથી મુદ્દામાલ મળ્યો તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી, એફઆઇઆરમાં મુદામાલનો રંગ પીળો દર્શાવાયો છે, જ્યારે એફએસએલમાં મોકલાયેલા મુદ્દામાલમાં રંગ બદામી દર્શાવાયો છે. મદદગારીના આરોપીને માત્ર સહઆરોપીની કબૂલાતના આધારે પકડવામાં આવેલ, જે કાયદા મુજબ ગ્રાહ્ય નથી. મદદગારીનો કોઈ પુરાવો રેકોર્ડ પર નથી. ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકી કરેલી દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે પ્રોસિકયુશન કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયાનું નોંધી પુરાવાના અભાવે દંપતી સહિતના ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકયા છે.
આ કેસમાં મુખ્ય આરોપી દંપતી વતી એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, મિલન જોષી, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, ધવલ પુરોહિત, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, યશ ખેર, જય અકબરી, સહદેવસિંહ રાઠોડ, રોકાયા હતા આરોપી સપ્લાયર વતી એડવોકેટ રોહીત ઘીયા, હર્ષ ઘીયા, રિદ્ધિબેન ખંઢેડીયા અને મીતલબેન ધોકીયા રોકાયા હતા.
ભગીરથસિંહ ડોડીયા
દંપતીના વકીલ
રોહિત ઘીયા, હર્ષ ઘીયા સપ્લાયરના વકીલો
(2:37 PM IST)










