<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

૬.૧૮ કરોડની ઠગાઇમાં ગરનાળાની કામ્‍યા ટેક્ષટાઇલના સંચાલક દંપતિ પોલીસના સકંજામાં

રણછોડનગરમાં રહેતાં રૈયારાજ એન્‍ડ કંપનીના માલિક દ્વારા બી-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવાઇ હતી : નાના મવા રોડ પર રહેતાં દિવ્‍યેશ સાવાલીયા અને તેના પત્‍નિ નિલમબેને પોતાની પેઢીમાં રોકાણ પર ૨ થી ૩ ટકા વળતર અને શેરની લાલચ આપી છેતરપીંડી કર્યાનો આરોપ હતોઃ તાજેતરમાં આગોતરા અરજી રદ થઇ હતીઃ પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં વિશેષ કાર્યવાહી

રાજકોટ તા. ૮: શેહરના પેડક રોડ પર રહેતાં રૈયારાજ એન્‍ડ કંપનીના નામે પ્‍લાસ્‍ટીકના દાણાનો વેપાર કરતી પેઢીના સંચાલક અને તેમના મિત્રો સાથે કરોડોની ઠગાઇ કરવાના ગુનામાં આરોપી દંપતિ બી-ડિવીઝન પોલીસના સકંજામાં આવતાં ધરપકડની તજવીજ કરવામાં આવી છે. જાણવા મળ્‍યા મુજબ આ પતિ-પત્‍નિને પોલીસે ગાંધીનગરથી શોધી કાઢયા છે. તાજેતરમાં જ આ કેસમાં રાજકોટ અને હાઇકોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ થયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ચાર મહિના પહેલા ગત.તા.૫/૬/૨૬ના રણછોડનગર વિસ્‍તારમાં રહેતાં વેપારી જીતેન્‍દ્રભાઇ રૈયાણીના ધર્મપત્‍નિ જલ્‍પાબેન જીતેન્‍દ્રભાઈ રૈયાણીએ બી ડીવીઝન પોલીસમાં નાના મવા મેઈન રોડ પર દ્વારકેશ એપાર્ટમેન્‍ટમાં રહેતા કામ્‍યા ટેક્‍સટાઇલ્‍સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્‍ટર દિવ્‍યેશભાઈ ધીરજલાલ સાવલીયા અને તેમના પત્‍નિ નિલમબેન દિવ્‍યેશભાઈ સાવલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્‍યું હતું કે ગોંડલના ગરનાળા ગામની સીમમાં કામ્‍યા ટેક્‍સટાઈલ્‍સ નામની પેઢી ધરાવતા દિવ્‍યેશને પોતાના ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણે રૈયાણી પરિવારને પોતાની કંપનીમાં રોકાણ કરવા પર ૨ થી ૩ ટકા વળતર આપવાની બાહેંધરી આપી હતી.

આથી તેમણે રૂ.૪૫ લાખનું રોકાણ કર્યુ હતું.બાદ આરોપીએ તેણીના પતિ તેમજ તેના મિત્ર અલ્‍તાફ પાસેથી કંપનીના શેર આપવાના કાગળ પર લખાણ કરી આપીને રૂ.૪ કરોડ રોકડા મેળવ્‍યા હતા, જેમાં પતિને વચન આપેલા ૪૦ ટકા શેર કયારેય ટ્રાન્‍સફર કર્યા નહોતા. આ ઉપરાંત તેણીના સગા રાજેશભાઈ દિનેશભાઈ લીંબાસીયા પાસેથી પણ ૨.૦૫ કરોડ લઈ માત્ર  ૯૨ લાખ વળતર તરીકે આપી બાકીના રૂ.૧.૪૩ કરોડના બદલામાં શેર આપવાનું કહી આપ્‍યા ન હતા. તેમજ અન્‍ય એક મિત્ર કલ્‍પેશભાઈ માલકીયા પાસેથી પણ વધુ નાની લાલચ આપી પેઢીના ખાતામાં રૂ.૩૦ લાખ લીધા હતા. આરોપી ડિરેક્‍ટર દંપતીએ કુલ રૂ.૬.૧૮ કરોડ મેળવી લઈ વળતર કે નફો ન આપી ઠગાઈ આચરી હોવાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્‍યો હતો.

આ ગુનો દાખલ થયા બાદ  દંપતિએ ધરપકડથી બચવા રાજકોટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. પરંતુ કોર્ટે નામંજૂર કરતો હુકમ કર્યો હતો. દરમિયાન બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ જી. આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન. આર. ડોબરીયા, હીરાભાઇ રબારી સહિતના સ્‍ટાફને બાતમી મળી કે છેતરપિંડીના ગુનામાં ચાર માસથી ફરાર દંપતિ ગાંધીનગર તરફ છે. તેના આધારે તેને સકંજામાં લેવા તજવીજ કરી હતી.

(2:44 PM IST)