News of Wednesday, 24th June 2026
રામકૃષ્ણનગરના વેપારી પ્રવિણસિંહના ખાતામાંથી સાયબર ગઠીયાઓએ રૂપિયા ૬ લાખ ઉસેડી લીધા
બેંકિંગ ઓળખ સંબંધીત માહિતીનો દુરૂપયોગ કરી ફ્રોડ આચર્યુ : બે દિવસમાં દસ ટ્રાન્જેક્શન કર્યાઃ સાયબર ક્રાઇમ પીઆઇ એસ. ડી. ફુલતરીયાએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૪: શહેરમાં ઓનલાઇન આર્થિક છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વેપારીના પંજાબ નેશનલ બેંકના ખાતામાંથી તેમની જાણ બહાર રૂા. ૬,૦૨,૮૦૦ની રકમ ઉપાડી લઈ છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે ભોગ બનનાર વેપારીએ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે રામકૃષ્ણનગર-૫ આશીર્વાદ મકાન ખાતે રહેતાં પ્રવિણચંદ્ર અમરસિંહ જાડેજા (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ પ્રવિણસિંહ પંજાબ નેશનલ બેંકમાં ખાતુ ધરાવે છે. ગત તારીખ ૧૫/૦૬/૨૦૨૬ ના રોજ બેંક તરફથી તેમને જાણવા મળ્યું હતું કે તેમના ખાતામાં કોઈ બેલેન્સ બચ્યું નથી. આ સાંભળીને તેઓ ચોંકી ગયા હતાં અને તાત્કાલિક પોતાની બેંકનું સ્ટેટમેન્ટ ચેક કરાવ્યું હતું. સ્ટેટમેન્ટ જોતા માલૂમ પડ્યું કે કોઈ અજાણી વ્યક્તિએ તેમના બેંક ખાતાના ક્રિડેન્શિયલ્સ એટલે કે બેંકીંગ ઓળખ સંબંધિત માહિતીનો દુરૂપયોગ કરી ખાતામાં અનધિકળત રીતે પ્રવેશ મેળવી અલગ-અલગ ૧૦ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂપિયા ૬,૦૨,૮૦૦ની રકમ ઉપાડી લીધી હતી.
અજાણ્યા સાયબર ગઠિયાએ માત્ર બે જ દિવસમાં કટકે-કટકે આ મોટી રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. સ્ટેટમેન્ટ મુજબ થયેલા ટ્રાન્ઝેક્શનમાં ૧૨/૫/૨૬ના રોજ રૂા. ૯,૦૦૦, ૩૩,૦૦૦, ૩૫,૦૦૦, ૪૦,૦૦૦, ૪૬,૦૦૦, ૯૦,૦૦૦ અને ૯૯,૫૦૦ના ટ્રાન્ઝેક્શન થયા હતા. તેમજ તા. ૧૩/૫ના રોજ રૂા. ૫૧,૦૦૦, ૯૯,૫૦૦ અને ૯૯,૮૦૦ના ટ્રાન્ઝેક્શન કરીને ખાતું સાફ કરી દેવાયું હતું.ખાતામાંથી ગેરકાયદેસર રીતે નાણાં ઉપડી જતાં વેપારી પ્રવિણસિંહે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. એએસઆઇ વી. એન. કુછડીયાએ ગુનો દાખલ કરતાં પીઆઇ એસ. ડી. ફુલતરીયાએ બેંક ખાતાની વિગતો અને ટ્રાન્ઝેક્શન આઈડીના આધારે અજાણ્યા આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
(2:44 PM IST)










