News of Thursday, 22nd October 2026
આજી-ન્યારી ડેમમાં ઘટતું જળસ્તર ચિંતાનો વિષય : પાણીચોરી અટકાવવા સહિત મુદ્દે તંત્ર દ્વારા દરોડા પાડશે
શહેરમાં પાણીની તંગી વચ્ચે કમિશનર કાલે ઇજનેરો સાથે બેઠક યોજશે લાઇન લોસ ઘટાડવા અને દૈનિક મોનિટરિંગ માટે તંત્રની કવાયત

રાજકોટ, તા. રર : રાજકોટ શહેરને સૌની યોજના મારફત મળતું નર્મદાનીર છેલ્લા ૨૦ દિવસથી બંધ થતાં આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. આ સ્થિતિને પગલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આવતીકાલે ઝોનલ સિટી ઇજનેરો અને વોર્ડના ડેપ્યુટી ઇજનેરો સાથે બેઠક યોજી પાણી વિતરણના કડક મોનિટરિંગ માટે આદેશો જારી કરશે તેમ જાણવા મળે છે.
શહેરમાં ભૂતિયા નળ જોડાણો અને ઇલેક્ટ્રિક મોટરથી ડાયરેક્ટ પમ્પિંગ દ્વારા થતી પાણીચોરી અટકાવવા ફરી દરોડા શરૂ કરાશે. ઉપરાંત લાઇન લોસ ઘટાડવા વર્ષભર ચેકિંગ ડ્રાઇવ ચાલુ રાખવા અને પાણી પુરવઠાનો દૈનિક અહેવાલ કમિશનર સમક્ષ રજૂ કરવાની વ્યવસ્થા ગોઠવાશે.
પાણી પુરવઠાની સ્થિતિ અંગે રાજકોટ મહાપાલિકા ઉપરાંત ગાંધીનગરમાં પણ બેઠક યોજાનાર હોવાનું જાણવા મળે છે. દરમિયાન કમિશનર તુષાર સુમેરા આગામી દિવસોમાં આજી-ન્યારી ડેમ, ફિલ્ટર પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશનોની સ્થળ મુલાકાત લઈ પાણી વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરશે.
(3:39 PM IST)










