તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
કોર્પોરેશનના ‘સૂફી' કાર્યક્રમનો ઘેરો વિવાદઃ પ્રજાના ટેક્સના રૂપિયાથી ‘મિત્રોની મહેફિલ'?
સ્થાપના દિવસની ઉજવણીના નામે નિરાશાજનક અને ફિક્કો કાર્યક્રમઃ ખુરશીઓ ખાલીખમ, છતાં આયોજન પાછળ ખર્ચ શા માટે? સવાલોનો મારો

રાજકોટ, તા. ૨૦: મહાનગરપાલિકાના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા કથિત ‘સૂફી' સંગીત કાર્યક્રમને લઈને વિવાદનો વંટોળ ઊભો થયો છે. પ્રજાના ટેક્સના રૂપિયાથી યોજાતા કાર્યક્રમો ખરેખર શહેરજનો માટે હોય છે કે પછી સત્તાધીશો અને તેમના નજીકના વર્તુળની મોજશોખ માટે? તેવો સણસણતો સવાલ ઊભો થયો છે. સ્થાપના દિવસની ઉજવણીના નામે યોજાયેલા સંગીત કાર્યક્રમમાં ખાલીખમ ખુરશીઓની તસવીરો સામે આવતાં આયોજનની સફળતા સામે પણ સવાલો ઊઠ્યા છે. શહેરજનોને જોડવાના બદલે માત્ર સ્ટાફ અને ખાસ કાર્યકર્તાઓ પૂરતો કાર્યક્રમ સીમિત રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે કાર્યક્રમની પસંદગીથી માંડીને તેમાં લોકોની હાજરી સુધીના મુદ્દાઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
કાર્યક્રમમાં રજૂ થયેલા સંગીતના સ્વરૂપને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોર્પોરેશનના સ્થાપના દિવસની ઉજવણીમાં સંગીતકાર ભાવિન શાષાીનો કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ આ કાર્યક્રમને ‘સૂફી' સંગીત તરીકે રજૂ કરવાના મુદ્દે વિવાદ સર્જાયો છે.
સૂફી સંગીત અને સલાહ આધારિત સંગીત વચ્ચે મૂળભૂત તફાવત હોવાની દલીલ સાથે કાર્યક્રમની પસંદગી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
આયોજન કરનારાઓએ કાર્યક્રમનું સ્વરૂપ અને શહેરજનોની રુચિ અંગે યોગ્ય વિચારણા કરી હતી કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
આયોજન અંગે એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે કાર્યક્રમ શહેરજનો માટે કોઈ વિશેષ જાહેર આયોજન બનવાને બદલે મહાનગરપાલિકાના સ્ટાફ અને ખાસ કાર્યકર્તાઓ પૂરતો સીમિત રહ્યો હતો.
જો પ્રજાના નાણાંમાંથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય તો તેનો લાભ વધુમાં વધુ શહેરજનોને મળે તે જોવાની જવાબદારી શાસકો અને વહીવટી તંત્રની છે.
મહાનગરપાલિકાના સ્થાપના દિવસની ઉજવણીમાં નાગરિકોની વ્યાપક ભાગીદારી સુનિヘતિ કરવા શું પ્રયાસો કરવામાં આવ્યા હતા તે સવાલનો જવાબ પણ તંત્રએ આપવો જોઈએ. તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
ઓડિટોરિયમમાં ખાલી ખુરશીઓએ આયોજનની પોલ ખોલી?
રાજકોટઃ કાર્યક્રમ અંગે સામે આવેલી તસવીરોમાં ઓડિટોરિયમની મોટી સંખ્યામાં ખુરશીઓ ખાલી જોવા મળે છે. આ તસવીરોને આધારે કાર્યક્રમમાં લોકોની હાજરી અને આયોજનની સફળતા સામે સવાલો ઊભા થયા છે. જોકે તસવીરો કયા સમયે લેવામાં આવી હતી અને કાર્યક્રમ દરમિયાન કુલ કેટલી હાજરી રહી હતી તેની સત્તાવાર વિગતો સામે આવી નથી. તેમ છતાં સ્થાપના દિવસ જેવા પ્રસંગે શહેરજનોની ભાગીદારી કેટલી રહી અને કાર્યક્રમનો પ્રચાર કેટલો કરવામાં આવ્યો તે અંગે મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરવી જરૂરી બની છે.
(4:15 PM IST)










