News of Wednesday, 21st October 2026
ડિલીવરી બોયનો ‘શોર્ટ-કટ': મિત્રોના નામે મોંઘા ફોન, વસ્તુઓ મંગાવી સગેવગે કર્યા અંતે ઝડપાયો
૧ર લાખની વસ્તુઓ ચોરી પણ ‘સ્ક્રીનકેર' ન ભૂલ્યોઃ ચોરીના મુદામાલમાં મોંઘાઘાટ ફોન અને વસ્તુ ઉપરાંત ‘ફેસવોશ' પણ હતી! : યુનિવર્સિટી પીઆઇ કે.કે. ગોહીલ, પીએસઆઇ એસ.એન. શ્યોરા અને એલસીબી ઝોન-ર ના પીએસઆઇ એસ.વી. ચુડાસમાની ટીમની કાર્યવાહી

રાજકોટ, તા. ર૧: શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં દાખલ ફલીપકાર્ટના પાર્સલ ચોરી કરવાના ગુનાનો ભેદ યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-ર ની ટીમે ઉકેલી નાખી મુળ ભાવનગરના અને હાલ રાજકોટમાં રહેતા ડિલીવરી બોયને ઝડપી લઇ રૂા. ૧ર.૦પ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
યુનિવર્સિટી પોલીસ મથકમાં ફલીપકાર્ટના પાર્સલની ચોરી મામલે ગુનો દાખલ થયો હતો. જે ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડવાની શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ઝોન-ર રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના અને માર્ગદર્શન હેઠ યુનિવર્સિટી પોલીસના પીઆઇ કે.કે. ગોહીલ, પીએસઆઇ એસ.એન. શ્યોરા તેમજ એલસીબી ઝોન-ર ની ટીમના પીએસઆઇ એસ.વી. ચુડાસમાની ટીમે ગુનાનો ભેદ ઉકેલી બાતમીના આધારે ન્યુ ૧પ૦ ફુટ રીંગ રોડ પર અટલસરોવર પાસેથી મીહીર રમેશભાઇ વાઘેલા (ઉ.વ. ર૪ રહે. હાલ ડો. યાજ્ઞિક રોડ, કોલેજ વાડી શેરી નં. ૧ ની સામે પી.જી.મા, મુળ વડવા તલાવડી, ભાવગનર) ને પકડી લઇ અલગ અલગ મોંઘા મોબાઇલ, વોચ, ટ્રીમર, સુઝ, ફેઇસવોસ વગેરે મળી રૂા. ૧ર.૦પ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે જણાવ્યુ કે, આરોપી ભાવનગરથી રાજકોટ આવી ઇ-કાર્ટમાં ડિલીવરી બોય તરીકે નોકરીમાં રહી ડિલેવરીનો રૂટ જોઇ લેતો હતો. બાદમાં ફલીપ કાર્ટમાં મોંઘા ફોન અને અન્ય વસ્તુઓ પોતાના મિત્રોના નામે મંગાવવા માટે જે સ્થળે ડિલીવરી આપવાની થતી હોય તે સ્થળનું સરનામુ જોઇ ફોન અને અન્ય વસ્તુ પોતાની પાસે આવે તે રીતે ફલીપકાર્ટમાં સરનામુ નાખી વસ્તુઓ મંગાવી ફોન અને વસ્તુઓની ચોરી કરતો હોવાની આરોપીએ પૂછતાછમાં કબુલાત આપી છે.
આ કામગીરી યુનિવર્સિટી પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. એસ.એન. શ્યોરા તથા એ.એસ.આઇ. જગમાલભાઇ ખટાણા તથા પો.હેડ.કોન્સ. દિવ્યરાજસિંહ સાવજુભા જાડેજા, દિવ્યરાજસિંહ કાળુભા જાડેજા, પ્રતાપસિંહ દાદભા મોયા, જયંતીભાઇ રવજીભાઇ રાઠોડ તથા પો.કોન્સ. કળષ્ણસિંહ સુજાનસિંહ ગોહીલ, દિવ્યરાજસિંહ ટેમભા જાડેજા, વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, પ્રાદિત્યસિંહ હરદેવસિંહ ઝાલા, પ્રવિણભાઇ જતાપરા તેમજ એલસીબી ઝોન-રના પો.સબ.ઇન્સ. એસ.વી.ચુડાસમા તથા એ.એસ.આઇ. જયંતીભાઇ ગોહીલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા તથા પો.હેડ.કોન્સ. હેમેન્દ્રભાઈ વાધિયા, શક્તિસિંહ ગોહીલ, સત્યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, તથા પો.કોન્સ. કુલદિપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહીલ, મૈસુરભાઈ કુંભારવાડીયાએ કરી હતી.
(3:26 PM IST)










