News of Monday, 13th July 2026
પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં લવજેહાદની ફરિયાદ નોંધાવવા મામલે બનેલી ઘટનામાં તપાસની માંગણી
વિહિપ-બજરંગદળના આગેવાનો-કાર્યકરોએ કહ્યું-પોલીસનો હમેંશા આવા કેસમાં સહકાર મળ્યો છે ત્યારે આ પોલીસ સ્ટેશન દ્વારા શા માટે આવુ વર્તન કરાયું? ઉચ્ચ પોલીસ અધિકારી તપાસ કરી ન્યાય અપાવે તેવી માંગણી

રાજકોટઃ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં બજરંગદળના કાર્યકર સાથે પોલીસે કરેલા દમન અંગે યોગ્ય તપાસ કરવાની માંગણી બજરંગદળ દ્વારા કરવામાં આવી છે અને અને લવજેહાદની પિડીતાની ફરિયાદ અન્ય પોલીસ સ્ટેશન દ્વારા નોંધીને ન્યાય અપાવવા માંગણી કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લા મંત્રી વિનયભાઇ કારીયા અને આગેવાનો, કાર્યકરોએ કોન્ફરન્સ યોજીને વિગતો રજૂ કરી ન્યાયી તપાસની માંગણી કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે લવજેહાદમાં પિડીતાની સાથે બજરંગદળના મહિલા કાર્યકરો તેમજ રેલનગરમાં રહેતાં કાર્યકર હર્ષભાઇ ગયા હતાં. અગાઉ ૨/૭/૨૬ના રોજ પોલીસ કમિશનરના કહેવાથી પ્ર.નગર પોલીસ સ્ટેશશનેથી ફોન આવ્યા બાદ ત્યાં નિવેદન લખાવાયુ હતું. એ પછી ફરિયાદી બહેન સાથે ધમકી ભર્યુ વર્તન કરાયું હતું અને નિવેદન બદલવા દબાણ કરાયું હતું.
રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે બાદમાં તા. ૬/૭/૨૬ના રોજ ફરિયાદ નહિ લેવાતાં ફરીથી પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવતાં ડીસીપી ઝોન-૨ને તપાસ સોંપાશે તેવું તેમણે કહ્યું હતું. એ પછી ૯/૭ના રોજ પ્ર.નગર પોલીસ સ્ટેશને ફરીથી પીડીતાને બોલાવાતાં બજરંગદળના કાર્યકરોની સાથે ફરિયાદીને મોકલ્યા હતાં. જેમાં વિહીપના બે બહેનો પણ હતાં. તે વખતે આરોપી, સાગરીતો પોલીસની ચેમ્બરમાં પોલીસ સાથે ચા પાણી પીતાં જોવા મળ્યા હતાં. બાદમાં પિડીતા સાથે ફરી ધમકી ભર્યા અવાજમાં વાત કરાઇ હતી. એ પછી બજરંગ દળના કાર્યકર હર્ષભાઇએ ફરિયાદી પર દબાણ નહિ લાવવા રજૂઆત કરતાં તેને બહાર કાઢી મુકાયેલ અને બાદમાં બજરંગ દળનો ખેંસ ખેંચી લઇ ઉપરના રૂમમાં લઇ જઇ મારકુટ કરાઇ હતી. પિડીતા ચેમ્બરમાં હતાં ત્યારે આરોપીને પણ ત્યાં બોલાવાયો હતો જે યોગ્ય નથી. બજરંગદળના કાર્યકર હર્ષભાઇ પાસે માફી નામામાં સહી લઇ સાંજે ૬:૩૦ કલાકે છોડી મુકાયેલ, પછી પાછળથી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો. ૮:૩૦ કલાકે તે સિવિલમાં દાખલ હતાં ત્યારે ફરજ રૂકાવટ કઇ રીતે કરી શકે? આ ઘટનાની સત્યતા બહાર લાવવા તા. ૯/૭ના સીસીટીવી ફુટેજ જાહેર કરવામાં આવે તેવી માંગણી વિહીપ દ્વારા કરવામાં આવી છે.
વિહીપ દ્વારા થયેલી રજૂઆતમાં આગળ જણાવાયું છે કે લવજેહાદથી પિડીત દિકરીઓને ન્યાય અપાવવામાં સરકાર, ગૃહમંત્રી, પોલીસ કમિશનર, ડીસીપી સહિત તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા હમેંશા સહકાર મળતો રહ્યો છે. ત્યારે આ કિસ્સામાં પ્ર.નગર પોલીસ દ્વારા લવ જેહાદની ફરિયાદ લેવામાં આનાકાની કરી બજરંગદળના કાર્યકરને મારકુટ કરી સરકાર-પ્રસાશન બદનામ થાય તેવુ વર્તન કરવા પાછળ કોઇનું દબાણ છે કે શું? આ બનાવની તપાસ નિષ્પક્ષ અધિકારીને સોંપવામાં આવે અને તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી અમારી વિનંતી છે. તસ્વીરમાં વિહીપ, બજરંગદળના આગેવાનો, કાર્યકરો નજરે પડે છે.
(3:38 PM IST)










