News of Tuesday, 26th May 2026
રાજકોટના સરદાર પટેલ ભવનથી મા ખોડલના રથનું પ્રસ્થાનઃ મનસુખભાઈ માંડવિયા, અનારબેન પટેલ બાદ પુરુષોત્તમ પીપળીયાએ પણ સમાજને એક મતે એકજૂટ બની ઉમટી પડવા હાકલ કરી

રાજકોટઃ કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના દશાબ્દી મહોત્સવ પૂર્વે પાટીદાર સમાજને એકતાના સૂત્રે બાંધવાનો સંદેશ ગુંજ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી ઓગણીસથી એકવીસ જાન્યુઆરી, બે હજાર સત્તાવીસ દરમિયાન દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવનું ગામડે-ગામડે આમંત્રણ આપવા માટે મા ખોડલના ત્રણ વિશેષ રથ તૈયાર કરાયા છે અને રાજકોટના સરદાર પટેલ ભવનથી આ રથોને પ્રસ્થાન કરાવવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, અનારબેન પટેલ સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મનસુખભાઈ માંડવિયાએ સમાજમાં ચાલતા મતભેદો અને જૂના વિવાદો ભૂલી ફરી એક થવાની સૂચક અપીલ કરી હતી. તેમના સંદેશને પાટીદાર સમાજમાં એકતા જાળવવા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.
શ્રી અનારબેન પટેલે પણ મંચ પરથી સમાજને નાની-નાની વાતોમાં દુઃખી કે અલગ ન થવાની અપીલ કરી હતી. તેમણે એકતાને ખોડલધામની સાચી શક્તિ ગણાવી હતી. ખોડલધામ ટ્રસ્ટના જણાવ્યા મુજબ આ રથો એકસો એંસીથી વધુ દિવસો સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ભ્રમણ કરી લેઉવા પટેલ સમાજની વસતી ધરાવતા અંદાજે ત્રણ હજાર પાંચસોથી વધુ ગામોમાં દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપશે.
આમ ખોડલધામ દશાબ્દી મહોત્સવ પૂર્વે રાજકોટથી મા ખોડલના રથનું પ્રસ્થાન થયું. મનસુખભાઈ માંડવિયા અને અનારબેન પટેલ સાથે પુરુષોત્તમ પીપળીયાએ પણ પાટીદાર સમાજને તાતણે નહી પણ રાંઢવે એક થવાની હાકલ કરી.
જાણીતા પાટીદાર અગ્રણી અને આરસીસી બેંકના સીઈઓ કાયદે આઝમ પુરુષોત્તમ પીપળીયાએ જણાવ્યું હતું કે દશ વર્ષ બાદ ફરી પાટીદાર સમાજ એકત્ર થવાનો સમય આવ્યો છે અને આવા પવિત્ર પ્રસંગે, સંગઠનનો સંદેશ જવો જોઈએ.
પીપળીયાએ ખોડલધામનો મૂળ હેતુ સમાજની એકતા અને સમાજના નબળા વર્ગને મજબુત કરવાના હોવાનું કહી એકામતે એકાજુથે સહીયારા પ્રયાસો કરવા ભાર મૂકયો.
શ્રી પુરુષોત્તમ પીપળીયાની વાતનો સાર એવો હતો કે, સુરતના બીજા ખોડલધામને લઈને ચાલતી ચર્ચા હોય કે સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજની અન્ય સંસ્થાઓ કાર્યરત હોય, ખોડલધામ દરેક સંસ્થાને સમાજ સેવા કરવાની સ્વતંત્રા અને અધિકાર છે તેવુ સ્પષ્ટ માને છે. પછી તે કોઈપણ સમાજસેવી સંસ્થા હોય તેની સેવાઓ કરવાની ભાવનાને આવકારે છે તેવુ નરેશભાઈ પટેલ તરફથી સમયાંતરે આપવામાં આવેલ નિવેદનના આધારે ફલીત થાય છે તેથી હરેક સમાજસેવી સંસ્થાને સમાજસેવા કરવાનો પૂરો અધિકાર તેમાં ખોડલાધામ સંસ્થા હકારાત્મક અભિગમ ધરાવે છે તેવુ સ્પષ્ટ ફલીત થાય છે.મા ખોડલનો રથ માત્ર ધાર્મિક આમંત્રણ માટે નહીં, પરંતુ ખોડલધામની પ્રવળત્તિને નવી યુવા પેઢી સમક્ષ ઉજાગર કરી સમાજ સેવાના આવનાર પ્રકલ્પોને કાર્યરત કરી યુવાનોના વિશાળ સમુહ દ્વારા સેવાના પ્રકલ્પોને સમાજના નીચલા સ્તર સુધી લઈ જવાના સંકલ્પ સાથે ગામે-ગામ જશે તેવો ઉદેશ હોવાનુ ઉજાગર થાય છે.
મનસુખભાઇ માંડવીયા
નરેશભાઇ પટેલ
અનારબેન પટેલ
પુરૂષોત્તમ પીપળીયા
(2:09 PM IST)










