<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

આજી-૧ અને ન્‍યારી-૧ ડેમ છલોછલ છતાં શહેરમાં પાણીનો પોકારઃ ૭૦ દિ'માં પાણીની ૩ હજારથી વધુ ફરિયાદો

ઓછા ફોર્સ, ઓછા સમય અને ટેન્‍કર વિલંબથી નાગરિકો પરેશાનઃ કાળઝાળ ગરમીમાં ભારે ઉકળાટ

રાજકોટ,તા.૯: શહેરમાં મુખ્‍ય જળષાોત આજી-૧ ડેમ અને ન્‍યારી-૧ ડેમમાં પુરતો જળજથ્‍થો ઉપલબ્‍ધ હોવા છતાં શહેરના અનેક વિસ્‍તારોમાં પાણી વિતરણ અંગે વ્‍યાપક ફરિયાદો ઉઠી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્‍ચે યલો એલર્ટની સ્‍થિતિમાં પાણીની માંગ વધતાં અનેક વિસ્‍તારોમાં માત્ર ૨૦ મિનિટથી ઓછો સમય પાણી મળતું હોવાની, ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની તેમજ પુરતો જથ્‍થો ન મળતો હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

સૂત્રોના જણાવ્‍યા મુજબ રાજકોટ મહાપાલિકાના કોલ સેન્‍ટરમાં તા. ૧ માર્ચથી તા. ૯ મે સુધીના ૭૦ દિવસમાં પાણી સંબંધિત ૩૦૦૦થી વધુ ફરિયાદો નોંધાઈ છે. જોકે મહાપાલિકા તંત્ર આ આંકડા જાહેર કરવાની જગ્‍યાએ ફરિયાદોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

શહેરના નવા ભળેલા વિસ્‍તારો અને જ્‍યાં હજુ પાઈપલાઈન નેટવર્ક પહોંચ્‍યું નથી તેવા વિસ્‍તારોમાં ટેન્‍કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ ટેન્‍કર મોડા આવવા અને પૂરતું પાણી ન મળવાની ફરિયાદો વધી રહી છે. ગરમીને કારણે વધતી જળ માંગ વચ્‍ચે વધુ ટેન્‍કરો ફાળવવાની માંગ પણ ઉઠી છે.

મ્‍યુનિસિપલ ઇજનેરી સૂત્રોના જણાવ્‍યા મુજબ આજી-૧ ડેમમાં હાલ ૫૯૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે અને દરરોજ આશરે ૬ એમસીએફટી પાણી રાજકોટ માટે ઉપાડવામાં આવે છે. જ્‍યારે ન્‍યારી-૧ ડેમમાં પણ આગામી ૩૦ જૂન સુધી ચાલે તેટલો જળજથ્‍થો ઉપલબ્‍ધ હોવાનું જણાવાયું છે.

આ તરફ, દર ઉનાળે કરવામાં આવતું ભૂતિયા નળ જોડાણો અને ઇલેક્‍ટ્રિક મોટર વડે થતા ડાયરેક્‍ટ પમ્‍પિંગ સામેનું ચેકિંગ આ વર્ષે બંધ કરી દેવાયું હોવાનું જાણવા મળે છે. પાણીચોરીના કારણે સામાન્‍ય ગ્રાહકો સુધી ઓછા દબાણથી પાણી પહોંચતું હોવાની વાસ્‍તવિકતા સામે આવી રહી છે, છતાં મહાપાલિકા દ્વારા કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. 

(3:37 PM IST)