<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

જલારામ બાપાના જયઘોષથી રાજકોટ ગુંજી ઉઠયું: વિશાળ શોભાયાત્રા

દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ, તરણે કો બે હાથ ભલા, ભજને કો શ્રી રામ :ભક્‍તિનો મહાકુંભ છલકાયોઃ ધર્મધ્‍વજ, ફલોટસ અને ‘જય જલારામ'ના નાદ સાથે રાજમાર્ગો પર ભવ્‍ય શોભાયાત્રા નિકળી

રાજકોટના ઐતિહાસિક જલારામ પ્રાર્થના મંદિરે દર્શનાર્થીઓ ઉમટયા : જલારામ જન્‍મોત્‍સવની પાવનકારી ઉજવણી : રાજકોટ : અન્નદાનનો મહિમા બતાવી જનાર શ્રી જલારામ બાપાની આજે રર૭મી જન્‍મ જયંતિની રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર ભરમાં ઉજવણી ચાલી રહી છે. ઠેરઠેર શોભાયાત્રા અને વિવિધ કાર્યક્રમોના આયોજનો થયા છે. ત્‍યારે અહીંના ભીલવાસ ખાતે આવેલ ઐતિહાસિક શ્રી જલારામ મંદિરે પણ જલારામ જન્‍મોત્‍સવનું રૂડુ આયોજન કરાયુ છે. એમ કહેવાય છે કે રાજકોટનું આ મંદિર ૧૯૭૦માં પાકિસ્‍તાનના કરાંચીથી આવેલા શ્રી તુલસીભાઇ અને શ્રી ભાનુબેન તુલસીદાસ કકકડે નિર્માણ કરાવ્‍યુ હતુ. તેમને શ્રી જલારામ બાપા ઉપર અટલ શ્રધ્‍ધા હતી. ભાગલા પહેલા પાકિસ્‍તાન ભારત સાથે જોડાયેલું હતું. એ સમયે કરાચીમાં રહેતા સ્‍વ. ભાનુમાએ માનતા રાખેલી હતી અને માનતા પુરી થતા વિરપુર દર્શન કરવા આવ્‍યા. ત્‍યાર બાદ વર્ષ ૧૯૭૦માં એવા જ ભાવથી  રાજકોટ ખાતે ભીલવાસમાં શ્રી જલારામ પ્રાર્થના મંદિરનું નિર્માણ કરાવ્‍યુ. બાદમાં ગોંડલ રોડ પર પણ શ્રી જલારામ બાપાનું મંદિર બંધાવ્‍યુ. આ બન્ને સ્‍થળે જલારામ જયંતિ નિમિતે મહાઆરતી અને મહાપ્રસાદના આયોજનો થાય છે. ત્‍યારે આજે જલારામ જયંતિ હોય અહીં પૂ. જલારામ બાપાના ચરણ પાદુકા દર્શનાર્થે મુકવા સાથે વિશેષ આરતી પૂજન અને ધર્મભક્‍તિ સભર કાર્યક્રમોના આયોજનો કરાયા છે. આ મંદિરનું સંચાલન હાલ મમ્‍મીબાઇ ભવાનજી સોમૈયા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા થઇ રહ્યુ છે. તેમ શ્રી દિલીપભાઇ કકકડ (મો.૯૯૮૦૬ ૮૨૭૧૭) અને શ્રી કોકીલભાઇ કકકડ (મો.૯૮૯૮૪ ૯૦૫૨૮)ની યાદીમાં જણાવાયુ છે. તસ્‍વીરમાં શ્રી જલારામ બાપાની દિવ્‍ય પ્રતિમા અને દર્શનાર્થે ઉમટેલ ભાવિક સમુદાય નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) (૧૬.૧)

 રાજકોટઃ સંત શિરોમણી પૂજ્‍ય જલારામ બાપાની આજે ૨૨૭મી જન્‍મજયંતી છે. નિમિત્તે આ શહેરભરમાં સંખ્‍યાબંધ સંખ્‍યાબંધ સ્‍થળોએ ધુન ભજન, પ્રસાદ, અન્નકોટના આયોજનો થયા છે. રાજકોટ શહેર જલારામ મય બન્‍યું છે. ત્‍યારે શ્રી જલારામ જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા ભવ્‍ય શોભાયાત્રા નીકળી હતી. કારતક સુદ સાતમના પવિત્ર અવસરે યોજાયેલી આ ભક્‍તિમય શોભાયાત્રામાં ધર્મ, સંસ્‍કૃતિ અને સેવાભાવનો અનોખો સંગમ જોવા મળ્‍યો હતો. શોભાયાત્રાના પ્રારંભ પૂર્વે પૂજન તથા દીપ પ્રાગટ્‍ય કરવામાં આવ્‍યું હતું અને સવારે ૧૦ કલાકે ચૌધરી હાઈસ્‍કૂલના પટાંગણ ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.

શોભાયાત્રા હરિહર ચોક, સરદાર બજાર, નવરંગ સ્‍ટોર, કક્કડ બ્રધર્સ, જય અંબે સીઝન સ્‍ટોર, રાધવજી એન્‍ટરપ્રાઇઝ, વિનોદ બેકરી, આશાપુરા પાન, નેમિનાથ એન્‍ટરપ્રાઇઝ, જનસત્તા ચોક, અકિલા પ્રેસ ચોક, જવાહર રોડ, એસબીએસ જિમખાના બ્રાન્‍ચ, ગેલેક્‍સી કોમ્‍પ્‍યુટર સેન્‍ટર, આલ્‍ફ્રેડ હાઈસ્‍કૂલ, જૂની શાકમાર્કેટ, સેન્‍ટ્રલ બેંક, પરા બજાર, ધર્મેન્‍દ્ર રોડ, સાંગણવા ચોક સહિતના મુખ્‍ય માર્ગો પરથી પસાર થઈ પંચનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી.

શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક, સામાજિક, સેવાકીય અને સાંસ્‍કૃતિક સંસ્‍થાઓના આકર્ષક ફલોટ્‍સ, ભક્‍તિમય ઝાંખીઓ તથા ભજન-કીર્તનના કાર્યક્રમોએ વિશેષ આકર્ષણ જમાવ્‍યું હતું. માર્ગમાં ઠેરઠેર ભક્‍તોએ શોભાયાત્રાનું સ્‍વાગત કરી જલારામ બાપાનાં દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર માર્ગ પર 'જય જલારામ'ના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્‍યું હતું.

બપોરે પંચનાથ મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રાને વિરામ આપવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જલારામ બાપાના જીવનમાંથી પ્રેરણા લઈને માનવસેવા, પરોપકાર અને ભક્‍તિના માર્ગે આગળ વધવાનો સંદેશ આ જન્‍મોત્‍સવની ઉજવણી દ્વારા આપવામાં આવ્‍યો હતો.

(11:19 AM IST)