તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Monday, 26th October 2026
પોપટપરામાં સેટીંગથી ક્વાર્ટર અપાવવાના નામે દિલીપે વધુ રૂા. ૩ાા લાખ ખાઇ ગયોઃ ત્રીજો ગુનો
પોપટપરાના સેન્ટીંગ કામના કારીગર ઉમરભાઇ સધવાણીએ મામી મારફત જાણ થતાં રકમ ચુકવીઃ બાદમાં ઠગાઇ થયાની ખબર પડીઃ પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી : ફર્નિચરનું કામ કરતાં દિલીપ વડગામાએ મહાપાલિકામાં મોટા અધિકારીઓ સાથે સેટીગ હોવાનું કહી એક ખાલી ક્વાર્ટર પણ ઉમરભાઇને બતાવી દીધુ હતું!

રાજકોટ તા. ૨૬: શહેરમાં આવાસ યોજનાના મકાનો સસ્તામાં કે સેટિંગથી અપાવવાના નામે સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી આચરવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આવો જ એક તાજો કિસ્સો પોપટપરા વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં પોપટપરા સ્મશાન સામે નવા બનેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં મકાન અપાવવાની લાલચ આપી એક શ્રમિક પરિવાર પાસેથી ૩.૫૦ લાખ રૂપિયા પડાવી લેનાર દિલીપ ઉર્ફે કિરીટ કાંતીલાલ વડગામા સામે સતત ત્રીજો ગુનો દાખલ થયો છે.
પોપટપરા વિસ્તારમાં શેરી નં. ૧૪માં રહેતા અને સેન્ટિંગ કામ કરતા ઉમરભાઈ સુલેમાનભાઈ સધવાણી (ઉ.વ. ૪૪) નામના શ્રમિકે નોંધાવેલી ફરિયાદ મુજબ આશરે અઢી મહિના પહેલા તેમની મામી નસીમબેને તેમને જણાવ્યું હતું કે દિલીપ વડગામા નામના વ્યક્તિની પોપટપરા આવાસ યોજનામાં સારી ઓળખાણ છે અને તેઓ સેટિંગથી ક્વાર્ટર અપાવવાનું કામ કરે છે.
જેથી ઉમરભાઈએ મામી મારફતે દિલીપનો સંપર્ક કર્યો હતો. મુલાકાત દરમિયાન આરોપી દિલીપે મહાનગર પાલિકાના મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું અને અગાઉ ઘણા લોકોને ક્વાર્ટર અપાવ્યા હોવાનું જણાવી વિશ્વાસ કેળવ્યો હતો. આરોપીએ ફરિયાદીને ખાલી ક્વાર્ટર બતાવીને બૂકિંગ માટે સાડા ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ પછી તા. ૨૨/૦૮/૨૦૨૬ના રોજ ઉમરભાઈએ પોતાની મહેનતની રકમ ભેગી કરી હતી અને મામી નસીમબેનની રૂબરૂમાં દિલીપને રૂા. ૩,૫૦,૦૦૦ રોકડા આપ્યા હતા. ત્યારબાદ આરોપીએ ટૂંક સમયમાં ફાઈલ તૈયાર થઈ જશે તેમ કહી રવાના કર્યા હતા.
પણ થોડા દિવસો પછી ઉમરભાઈએ ફોન કરી પૂછપરછ કરતા આરોપી અલગ અલગ બહાના બતાવી સમય કાઢતો હતો. દરમિયાન ઉમરભાઈ બીમાર પડ્યા હતા અને સારવારમાં રોકાયા હતાં. ત્યારબાદ તેમને ખબર પડી કે આ જ દિલીપએ રૂખડીયાપરા અને અન્ય વિસ્તારના લોકો સાથે પણ આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે લાખો રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી છે. પોતાની સાથે પણ ઠગાઈ થયાનું ધ્યાને આવતા ઉમરભાઈએ ફયિરાદ દાખલ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે દિલીપ વડગામા સામે અગાઉ પણ આવા જ પ્રકારના અન્ય બે ગુનાઓ નોંધાઈ ચૂકયા છે. પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં હેડકોન્સ. અન. કે. વાળાએ ગુનો દાખલ કર્યો છે. વધુ તપાસ પી. આર. કોટડ ચલાવી રહ્યા છે.
(2:37 PM IST)










