News of Thursday, 7th May 2026
જીલ્લાભરની કચેરીઓ- જાહેરસ્થળો- પ્રવાસન સ્થળો સ્કુલો- બાંધકામ સાઇટ પર છાંયડો- પાણી- દવાઓ રાખો
હીટવેવ સામે સાવચેતી રાખવા એડી.કલેકટરના આદેશોઃ કોઇ મોત થાય તો તાકીદે જાણ કરો

રાજકોટ તા. ૭: હાલમાં આકરી ગરમી પડી રહી છે અને સમયાંતરે હીટવેવની આગાહીઓ વ્યક્ત કરવામાં આવે છે, ત્યારે નાગરિકોને તકલીફ ન પડે તે માટે સરકારી કચેરીઓ કે જાહેર સ્થળો પર છાંયડો, પાણી સહિતની વ્યવસ્થાઓ કરવા જિલ્લા કલેક્ટર તંત્ર તરફથી વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી છે.
હીટવેવ એક્શન પ્લાન અંગેની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એન. કે. મુછાર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, વિવિધ તાલુકાઓમાં આવેલી સરકારી કચેરીઓ સહિત, જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, પ્રવાસન સ્થળો, શાળાઓ, બાંધકામ સાઇટ વગેરે તમામ જગ્યા પર પીવાનું પાણી, જરૂરી દવાઓ, ઓ.આર.એસ. તથા છાંયડો વગેરે વ્યવસ્થા કરવી. પશુઓ માટે પણ ઠંડી છત અને છાંયડો, પાણી વગેરે સુવિધા પૂરી પાડવી.
ઉપરાંત સ્થાનિક દાતાઓ, એન.જી.ઓ. દ્વારા કામદારોને છાશ, લીંબુ પાણી વિતરણ કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવા તેમજ હીટવેવની આગાહી કે તે અંગે જારી થતી સૂચનાઓ મુજબ જરૂરી પગલાં લેવા જણાવાયું હતું.
મનરેગા સાઇટ તેમજ બાંધકામ સાઇટ્સ પર મજૂરી કામમાં રોકાયેલા તમામ કામદારો માટે આરામના શેડ્સ, પીવાનું સ્વચ્છ પાણી, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, સમર કેપ્સ પૂરી પાડવા, ગરમીની મોસમમાં મળત્યુના તમામ કારણો અને હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ પર દેખરેખ રાખવા ખાસ સૂચના અપાઈ હતી.
મહત્વનું છે કે, હીટવેવ દરમિયાન ફૂડ પોઇઝનિંગના કેસો પણ વધતા હોય છે. આથી જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવા, કામકાજના સ્થળોએ મજૂરોને જરૂરી હેલ્થ ચેકઅપ સહિતની વ્યવસ્થા પૂરી પાડવા જણાવાયું હતું. હીટવેવના કારણે કોઈ માનવ મળત્યુ નોંધાય તો તે અંગે અત્રેની કચેરીના કંટ્રોલ રૂમ પર તાત્કાલિક જાણ કરવા જણાવાયુંહતું.
(11:37 AM IST)










