<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

‘તારે પૈસા લેવા છે કે છરી લેવી છે?': વેપારી કિશન બોદરને બે લુખ્‍ખાની ધમકી

આટકોટ પોલીસમાં સામ-સામે ફરીયાદ નોંધાઇ આટકોટના જીવાપર ગામે પાનની દુકાનેથી વસ્‍તુ લીધા બાદ વેપારીએ પૈસા માંગતા ડખ્‍ખો કરી ધમકી આપી


 

રાજકોટ,  તા., ર : આટકોટમાં લુખ્‍ખાગીરીની વધુ એક ઘટના સામે આવી છે. જીવાપર ગામે પાનની દુકાને જઇ ચીજવસ્‍તુઓ લીધા બાદ વેપારીએ પૈસા માંગતા બે શખ્‍સોએ છરી બતાવી ગાળો દઇ ‘ગામમાં એકલો નિકળીશ તો તને જોઇ લઇશુ' કહી ધમકી આપતા આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

આ મામલે જીવાપર ગામે રહેતા અને વકીલાતનો અભ્‍યાસ કરતા જાન્‍વીબેન રમેશભાઇ બોદર (ઉ.વ.રર) એ તે જ ગામના મહેશ ભગાભાઇ રાઠોડ, કમલેશ ઉર્ફે ગોલી હેમાભાઇ દાફડા સામે આટકોટ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું કે, ગઇ તા ર૯ ના તે ઘર પાસે હતા ત્‍યારે કાકાએ કોલ કરી ‘દુકાને આવ, અહીં છોકરાઓ માથાકુટ કરે છે' કહેતા તે તત્‍કાલ તેની બજરંગ પાન નામની દુકાને ગયા હતા.

જયા હાજર બંને આરોપી તેના ભાઇ કિશન સાથે માથાકુટ કરતા હતા. આરોપીઓએ દુકાનેથી મોઢામાં વાસ ન આવે તેવી વસ્‍તુ અને વેફરના પેકેટ લીધા હોય તેના રૂા. ૩૦ કિશને માંગતા આરોપીઓએ ગાળો દઇ છરી પાનના ગલ્લે મુકી ‘તારે પૈસા લેવા છે કે છરી લેવી છે?  તારા ગલ્લામાં જે પૈસા છે તે મને આપી દે, તુ સ્‍કુલમાં એકલો જ ભણવા જાય છે ત્‍યાં તને જોઇ લઇશું' કહી ધમકી આપી બંને ત્‍યાંથી નિકળી ગયા હતા.

સામા પક્ષે મહેશ રાઠોડના પિતા ભગાભાઇ રાઠોડ (ઉ.વ.૬૬ રહે. જીવાપર) એ રમેશ બોદર અને કના બોદર સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્‍યું કે, તેનો પુત્ર મહેશ અને મિત્ર કમલેશ આરોપી રમેશની દુકાનેથી વેફર અને અન્‍ય વસ્‍તુ લીધી હોય જેના પૈસાની લેતી-દેતી બાબતે ઝઘડો કરી ગાળો દઇ છરીથી હુમલો કરી મહેશને ઇજા કરી હતી. આટકોટ પોલીસે સામ-સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(3:44 PM IST)