News of Wednesday, 27th May 2026
ડૉ. રાજવી જિતેન્દ્ર અમલાણીને એમ.ડી. સાયકિયાટ્રીમાં ગોલ્ડમેડલ
રાજકોટ અને ગુજરાતનું નામ રાષ્ટ્રીયસ્તરે ગૌરવપૂર્ણ રીતે ઉજ્જવળ કર્યું

રાજકોટ : પ્રતિભાશાળી યુવા ડૉક્ટર ડૉ. રાજવી જિતેન્દ્ર અમલાણીએ દેશની અગ્રણી મેડિકલ સંસ્થા કસ્તુરબા મેડિકલ કોલેજ (KMC), મણિપાલ ખાતે એમ.ડી. સાયકિયાટ્રી અભ્યાસક્રમમાં ઉત્તમ પ્રદર્શન બદલ પ્રતિષ્ઠિત ‘‘બેસ્ટ આઉટગોઇંગ પોસ્ટ ગ્રેજયુએટ રેસીડન્ટ ઇન સાઇકીઆટ્રી'' ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમની આ સિદ્ધિએ રાજકોટ તથા સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ રીતે ઉજ્જવળ કર્યું છે.
ડૉ. રાજવી રાજકોટની શ્રી એસ. એન. કણસાગરા સ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી અને મહેનતુ રહેલ ડૉ. રાજવીએ સતત પરિશ્રમ, શિસ્ત અને સમર્પણના બળ પર આ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.
કેએમસી મણિપાલના સાયકિયાટ્રી વિભાગ દ્વારા આ ગોલ્ડ મેડલ તેમના ઉત્તમ અભ્યાસ, દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલ સેવા, અભ્યાસ દરમિયાનના શ્રેષ્ઠ પ્રદર્શન તેમજ સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં પણ ડૉ. રાજવી ગુજરાત માટે ગૌરવ બની હતી, જ્યારે તેઓ આર્મ્ડ ફોર્સીસ મેડીકલ કોલેજ (એએફએસસી), પુણેમાં પ્રવેશ મેળવનાર ગુજરાતની પ્રથમ ગુજરાતી દીકરી તરીકે સન્માનિત થઈ હતી. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
હવે એમ.ડી. સાયકિયાટ્રીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અપ્રતિમ સિદ્ધિ મેળવી છે. ડૉ. રાજવીએ પોતાની સફળતા પાછળ પરિવાર અને માર્ગદર્શકોના સતત સહયોગને મહત્વપૂર્ણ ગણાવી સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ડૉ. રાજવીની આ સફળતા મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ તથા ખાસ કરીને યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે.
(2:30 PM IST)










