<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

ઘરના ઘરનું સ્વપ્ન થશે સાકાર :રાજકોટ મનપા 348 કરોડના ખર્ચે 1 BHK અને 2 BHK ના 2679 ફ્લેટનું કરશે નિર્માણ

કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1,50,000 અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 2,50,000ની સબસિડી અપાશે :સરકારી સહાય બાદ લાભાર્થીએ 1-BHK માટે માત્ર રૂ. 7,00,000 અને 2-BHK માટે રૂ. 9,00,000 ચૂકવવાના રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામાન્ય શહેરીજનોને પરવડે તેવા ભાવે મકાન પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ) અંતર્ગત વેસ્ટઝોનના વિવિધ વિસ્તારોમાં નવા 2679 આવાસો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સિટી એન્જિનિયર પરેશ અઢિયાના જણાવ્યા અનુસાર, આ  પ્રોજેક્ટ પાછળ રાજકોટ મહાનગરપાલિકા અંદાજે રૂ. 348.75 કરોડથી વધુનો ખર્ચ કરશે, અને આ માટેના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. આ યોજના થકી હજારો મધ્યમવર્ગીય પરિવારોનું ઘરનું સ્વપ્ન સાકાર થશે, કારણ કે આવાસની કિંમત 1-BHK માટે અંદાજે રૂ. 7 લાખ અને 2-BHK માટે રૂ. 9 લાખ સુધી રાખવામાં આવે તેવી શક્યતા છે.

આ યોજનાનો લાભ વાસ્તવિક જરૂરિયાતમંદોને મળે તે માટે સરકારે પારદર્શક આવક મર્યાદા અને સબસિડીના ધોરણો નક્કી કર્યા છે:

  • EWS-1 (1-BHK): 30 ચોરસ મીટરના આ મકાન માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ. 3,00,000 સુધીની હોવી જોઈએ.
  • EWS-2 (2-BHK): 40 ચોરસ મીટરના ફ્લેટ્સ માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ. 5,50,000 નક્કી કરાઈ છે.

આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1,50,000 અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 2,50,000ની સબસિડી આપવામાં આવશે. આ સરકારી સહાય બાદ લાભાર્થીએ 1-BHK માટે માત્ર રૂ. 7,00,000 અને 2-BHK માટે રૂ. 9,00,000 ચૂકવવાના રહેશે.

રાજ્ય સરકાર દ્વારા 30,000 આવાસોનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જેમાંથી પ્રથમ તબક્કામાં આ 2679 આવાસોના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ આવાસો રાજકોટના પશ્ચિમ વિસ્તારના મોકાના સ્થળો પર બનશે.

તમામ આવાસોમાં રોડ-રસ્તા, ડ્રેનેજ અને પાણી સહિતની સુવિધા હશે. વધુમાં, ફ્લેટની અંદર 1 અથવા 2 બેડરૂમ (કેટેગરી મુજબ), 1 લિવિંગ રૂમ, 1 કિચન, બાથરૂમ, ટોયલેટ, બાલ્કની, વોશિંગ માટેની જગ્યા અને RCC ટાઇલ્સ ફિટિંગ જેવી આધુનિક સુવિધા પૂરી પાડવામાં આવશે. 

આ પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની જગ્યા સાથે 9 થી 14 માળ સુધીની ગગનચુંબી ઇમારતો આકાર લેશે. જેમાં કમર્શિયલ દુકાનો પણ બનાવવામાં આવશે જેથી સ્થાનિકોને રોજિંદી વસ્તુઓ સરળતાથી મળી રહે. રાજકોટ મહાનગરપાલિકાની આ યોજના મધ્યમ વર્ગીય પરિવારો માટે એક આશીર્વાદરૂપ પગલું સાબિત થશે.

(3:53 PM IST)