News of Friday, 26th June 2026
સર્વરમાં ટેક્નિકલ ખામી સર્જાતા અટકેલી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે શનિ-રવિવારે ટેસ્ટ લેવાશે: રાજકોટ RTOનો મોટો નિર્ણય
વેઇટિંગમાં રહેલા વાહનચાલકોની ડ્રાઈવિંગ ટેસ્ટ આગામી શનિવાર અને રવિવારની રજાના દિવસોમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો

રાજકોટ RTO ખાતે છેલ્લા સાત દિવસથી સર્વરમાં ટેક્નિકલ ખામી સર્જાતા ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ પડ્યો હતો. જેથી ટેસ્ટ આપવા માંગતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે ટેક્નિકલ ખામી દૂર થતાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં બંધ પડેલો ટ્રેક આખરે શરુ કરી દેવામાં આવ્યો છે.
રાજકોટ RTO ખાતે ગત 16 થી 22 જૂન દરમિયાન ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ કેમ્પમાં ટેક્નિકલ ખામી સર્જાતા વાહન ટેસ્ટની કામગીરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. જેના લીધે ટેસ્ટ માટે ફોર વ્હિલર અને ટુ વ્હિલરના 3 હજારથી વધારે અરજીકર્તાઓનું લાંબુ વેઇટિંગ લિસ્ટ ઉભું હતું, આ સમસ્યાને નિવારણ અને વાહનચાલકોને ટેસ્ટ સંબંધિત મુશ્કેલીને દૂર કરવા અંગે આ નિર્ણય લેવાયો છે.
વેઇટિંગમાં રહેલા વાહનચાલકોની ડ્રાઈવિંગ ટેસ્ટ આગામી શનિવાર અને રવિવારની રજાના દિવસોમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રાખવાનો નિર્ણય RTO અધિકારી ઇન્દ્રજીત ટાંક દ્વારા લેવાયો છે. આનાથી અરજદારોને વધારાના ધરમ ધક્કા ખાવાનો વારો નહીં આવે. તેમજ જૂનું વેઇટિંગ લિસ્ટ જલ્દીથી ક્લિયર થશે.
એપોઇન્ટમેન્ટ ચૂકેલા અરજદારો માટે પ્રથમ અને બીજા સ્લોટમાં નવું ટાઈમ ટેબલ રજૂ કરવામાં આવ્યું છે
- 18 જૂનના અરજદારોએ સવારના સમયે 8.30થી સાંજના સમયે 7.30 વાગ્યા સુધીની એપોઇન્ટ ધરાવતા વાહનચાલકોએ હવે 27 જૂને તેમના સમયે જ ટેસ્ટ આપવા માટે ટ્રેક પર હાજર રહેવું પડશે.
- પ્રથમ સ્લોટમાં 19 જૂનના અરજદારો: તા.27 જૂનના રોજ સવારના સમયે સાડા આઠથી બે વાગ્યાના સમય દરમિયાન RTO એ હાજર રહેવું પડશે.,
- બીજા સ્લોટમાં 19 જૂનના અરજદારો: RTO ખાતે ટેસ્ટ ટ્રેક પર બપોરે 2થી 7;30 ની એપોઈન્ટમેન્ટ ધરાવતા અરજદારોએ તા.27 જૂનના રોજ 7:30 વાગ્યા વચ્ચે ટેસ્ટ આપવાની રહેશે.
- 20 જૂનના અરજદારોએ સવારે સાડા આઠથી સાંજના સમયે 7:30 વાગ્યા સુધીની એપોઈન્ટમેન્ટ લેનારા અરજીકર્તાએ તા.28 જૂને આ જ સમયે ટેસ્ટ આપવા માટે RTO કચેરીએ પહોંચવાનું રહેશે.
(11:32 AM IST)










