News of Tuesday, 14th April 2026
રાજકોટના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે વોર્ડ નં.૭માં ભાજપના શિક્ષિત અને સેવાભાવી મહારથીઓ મેદાનમાં
ડો.નેહલભાઈ શુક્લ, વર્ષાબેન પાંધી, દર્શનભાઈ પેંગ્યાતર અને ખ્યાતિબેન ગોહેલની પેનલ દ્વારા જોરદાર પ્રચારઃ લોકસંપર્ક વધારતા ઉમેદવારો

રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વોર્ડ નં. ૭ માં ભારતીય જનતા પાર્ટીએ અનુભવી, ઉચ્ચ શિક્ષિત અને સામાજિક ક્ષેત્રે પાયાનું કાર્ય કરનાર મહારથીઓની પેનલને મેદાનમાં ઉતારી છે. રાજકોટનો કર્યો કાયાકલ્પ, ભાજપનો નથી કોઈ વિકલ્પના સૂત્ર સાથે ભાજપના ચારેય ઉમેદવારોએ મતદારોનો વિશ્વાસ જીતવા કમર કસી છે.
વોર્ડ નં. ૭ ના ઉમેદવાર ડો. નેહલભાઈ શુક્લ રાજકીય અને શૈક્ષણિક વારસો ધરાવે છે. સ્વ. ચીમનભાઈ શુક્લના પુત્ર અને પૂર્વ નગરસેવક કશ્યપભાઈના લઘુબંધુ એવા ડો. નેહલભાઈ ૨૫ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત છે. ગત ટર્મમાં નગરસેવક તરીકે તેમણે વોર્ડમાં અનેક વિકાસકામો કર્યા છે અને ૨૦૨૫-૨૬ની ગ્રાન્ટની ફાળવણી દ્વારા નબળા વિસ્તારોમાં પાયાની સુવિધાઓ શરૂ કરાવી લોકપ્રિયતા મેળવી છે.
શિક્ષિત રઘુવંશી પરિવારના પુત્રવધૂ વર્ષાબેન પાંધી છેલ્લા ૪૧ વર્ષથી કરણપરા ગરબી મંડળનું સંચાલન કરી રહ્યા છે. આરોગ્ય ક્ષેત્રે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા, બ્લડ ડોનેશન કેમ્પ અને ૫૦૦થી વધુ મહિલાઓને સિલાઈ મશીન આપી સ્વાવલંબી બનાવવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું છે. શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાતમંદ બાળકોને કિટ વિતરણ દ્વારા તેઓ છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે.
આદિવાસી ભીલ સમાજના સક્રિય નેતા દર્શનભાઈ પેંગ્યાતર લાંબા સમયથી સંગઠન સાથે જોડાયેલા છે. આર્ટસ ફેકલ્ટીમાં શિક્ષિત અને ગુજરાત પ્રદેશ ભાજપમાં કોષાધ્યક્ષ જેવી જવાબદારી સંભાળી ચૂકેલા દર્શનભાઈ સામાજિક સમરસતા માટે જાણીતા છે.
શ્રીમતી ખ્યાતિબેન ગોહેલ છેલ્લા ૫૦ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. તેમના સસરા સ્વ.જયેન્દ્રભાઈ અને પતિ કિરિટભાઈ ગોહેલ (એડવોકેટ અને નોટરી) વર્ષોથી જનસંઘ અને ભાજપના પાયાના કાર્યકર રહ્યા છે. પ્રથમ વખત ઉમેદવારી કરી રહેલા ખ્યાતિબેન પોતાના પરિવારના સેવાકીય વારસાને આગળ ધપાવી વોર્ડ નં. ૭ ના પ્રશ્નોના ઉકેલ માટે કટિબદ્ધ છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે વોર્ડ નં.૭ના ભાજપના ઉમેદવારો નેહલભાઈ શુક્લ, દર્શનભાઈ પેંગ્યાતર, ખ્યાતી કિરીટભાઈ ગોહેલ અને વર્ષાબેન કિરીટભાઈ પાંધી તેમજ કૌશીકભાઈ ચાવડા (રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ), દેવાંગભાઈ માંકડ (પૂર્વ કોર્પોરેઠર, શ્રી પંચનાથ ટ્રસ્ટ પ્રમુખ), રાજેન્દ્રસિંહ જાડેજા, કેતનભાઈ જરીયા, સંદિપ ડોડીયા, ગોપાલ બોરાણા, ઈશ્વરભાઈ જીતીયા, ચંદ્રેશ પરમાર, રાજુભાઈ મુંધવા, નિકુંજ વૈધ, કિર્તીભાઈ રાવલ, પ્રવિણભાઇ ચાપડા, અનિલ લીંબડ, દિલજીત ચૌહાણ, નિખલ મહેણ, જીતુભાઈ વાઘેલા, કિશોરસિંહજી જાડેજા, કૃણાલ કડવાતર, મીનાબેન સુચક નજરે પડે છે. (તસ્વીરઃ અભજીત બગથરીયા)
(2:52 PM IST)










