તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Sunday, 3rd May 2026
શિક્ષિત પરિણીતા પર સાસરિયાઓનો સિતમ: પ્રોફેસર પતિ સહિત ૫ સામે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
હાલ જયરામ પાર્કમાં રહેતા તૃપ્તિબેન ટાંકની જૂનાગઢ રહેતા સાસુ-સસરા અને પતિ સામે ફરિયાદ: 'ચડામણી' કરી મારકૂટ કરતા હોવાનો આરોપ

રાજકોટ: શહેરના કોઠારીયા મેઈન રોડ પર રહેતા ૩૫ વર્ષીય તૃપ્તીબેને જૂનાગઢમાં રહેતા સાસરિયા પક્ષના સભ્યો દ્વારા અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે આ મામલે સાવન ટાંક (પતિ)
દિવાળીબેન અને પ્રેમજીભાઈ (સાસુ-સસરા, જૂનાગઢ)
જાગૃતીબેન અને હિરલ (નણંદ-નણદોયા, રાજકોટ) વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. એમ.કોમ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરનાર તૃપ્તીબેને આક્ષેપ કર્યો છે કે નજીવી બાબતોમાં ઝઘડા કરી તેને હેરાન કરવામાં આવતી હતી.
તૃપ્તીબેનના લગ્ન ૨૦૧૭માં સાવન ટાંક સાથે થયા હતા. લગ્ન પછી સંયુક્ત પરિવારમાં રહેતા હતા ત્યારે સાસુ દિવાળીબેન ઘરકામ અને નાની વાતોમાં સતત કકળાટ કરતા હતા. દરમિયાન ૨૦૨૨માં પતિને ગાંધીનગર ખાતે પ્રોફેસરની નોકરી મળતા તેઓ ત્યાં સ્થાયી થયા હતા, પરંતુ સાસરિયાઓનો હસ્તક્ષેપ ચાલુ રહ્યો હતો.
વર્ષ ૨૦૨૪માં પુત્રીના જન્મ બાદ જ્યારે તૃપ્તીબેન પિતાના ઘરે હતા, ત્યારે પતિ કે સાસરિયાઓ તેને તેડવા આવ્યા ન હતા. આખરે મહિલા પોલીસની મદદથી સમાધાન થયું અને પતિએ અલગ મકાન રાખવાની ખાતરી આપી ૨૦૨૫ના અંતમાં તેને સાથે રહેવા લઈ ગયા હતા. જોકે, અલગ રહેવા છતાં સાસરિયાઓ ફોન પર પતિને ચડામણી કરતા હોવાથી ઘરમાં ક્લેશ યથાવત રહ્યો હતો. દરમિયાન ગત ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ પતિએ કોઈ બાબતે ઝઘડો કરી ગાળો ભાંડી ઢોર માર માર્યો હતો. આ હુમલાથી ગભરાઈને તૃપ્તીબેન પ્રથમ તેમની બહેનના ઘરે અને ત્યારબાદ રાજકોટ પિયરમાં આવી ગયા હતા. સાસરિયાઓના અમાનવીય વર્તનથી કંટાળીને અંતે તેમણે ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.
(9:54 AM IST)










