<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

બાંધકામ સાઇટ પર પડી જતાં અઢાર વર્ષના આદિત્‍ય, બાવન વર્ષના જલંધરભાઇના મોત

મવડી-કણકોટ રોડ અને એસ્‍ટ્રોન સોસાયટી પાસે બનાવ મુળ યુપીનો યુવાન અગીયારમા માળેથી અને ઓરિસ્‍સાના પ્રોૈઢ પહેલા માળેથી પટકાતાં જીવ ગયોઃ પરિવારજનો, સાથી મજુરોમાં શોક

રાજકોટ તા. ૨૫: બાંધકામની સાઇટ પર કામ કરતી વખતે અકસ્‍માતે પડી જવાને કારણે બે અલગ અલગ બનાવમાં એક યુવાન અને એક પ્રોૈઢ વયના મજુરોના મૃત્‍યુ થતાં તેમના પરિવારજનોમાં સાથી મજૂરોમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ મવડી-કણકોટ રોડ પર પાણીના ટાંકા નજીક બાંધકામની સાઇટ ચાલુ હોઇ અહિ મજૂરી કરતો અને ત્‍યાં જર હેતો મુળ યુપીનો આદિત્‍ય રામનારાયણ કુમાર (ઉ.વ.૧૮) ગઇકાલે નવા બની રહેલા આ બિલ્‍ડીંગના અગીયારમા માળે સેન્‍ટીંગ કામ કરતો હતો ત્‍યારે અકસ્‍માતે પગ લપસતાં નીચે પટકાતાં ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવ સ્‍થળે જ તે લોહીલુહાણ થઇ બેભાન થઇ જતાં બીજા મજૂરો અને બાંધકામ કોન્‍ટ્રાકટર સહિતના લોકો એકઠા થઇ ગયા હતાં. તુરત જ ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તેના તબિબે આદિત્‍યને મૃત જાહેર કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. આદિત્‍ય તેના મોટા ભાઇ સાથે રહી મજૂરી કરતો હતો.

બીજી આવી ઘટના એસ્‍ટ્રોન સોસાયટી નજીક બાંધકામની સાઇટ પર બની હતી. અહિ જમૂરી કરી રહેલા મુળ ઓરીસ્‍સાના જલંધરભાઇ ભીકારામ હરપાલ (ઉ.વ.૫૨) અકસ્‍માતે પહેલા માળેથી પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(2:22 PM IST)