News of Wednesday, 11th November 2026
માનવ મંદિરમાં ભાઈબીજની લાગણીસભર ઉજવણી: નિરાધાર બહેનોના જીવનમાં ખીલ્યો પ્રેમ અને હૂંફનો નવો ઉજાસ
ભક્તિરામબાપુ બની રહ્યા છે પ૭ બહેનોના પાલક પિતા, મેઘના સંઘાણીએ પણ બહેનો વચ્ચે પહોંચી વહેંચી પર્વની ખુશીઓ

રાજકોટ : ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, લાગણી અને પારિવારિક હૂંફના પ્રતીક સમાન ભાઈબીજના પવિત્ર પર્વે માનવ મંદિર ખાતે એક અત્યંત ભાવુક અને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પરિવારના સાથ અને હૂંફ માટે ઝંખતી નિરાધાર બહેનોના જીવનમાં ખુશીઓના રંગ ભરવા માટે માનવ મંદિરના આંગણે ભાઈબીજનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં તમામ બહેનોએ એકબીજા સાથે પ્રેમ અને અપનાપણાની યાદગાર પળો વિતાવી હતી.
આ લાગણીસભર પ્રસંગે માનવ મંદિરમાં આશ્રય મેળવી રહેલી ૫૭ બહેનો માટે ભક્તિરામબાપુ સ્વયં પાલક પિતાની ભૂમિકા નિભાવીને તેમના વાલીપણાની પવિત્ર ફરજ અદા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૩૨ જેટલી મહિલાઓને પુનર્વસન દ્વારા નવું સન્માનજનક જીવન પૂરું પાડતા આ માનવ મંદિરમાં ભાઈબીજ નિમિત્તે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોના મુખ પર અનોખી ખુશી જોવા મળી હતી.
આ ઉજવણીમાં મેઘના સંઘાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે માનવ મંદિરની બહેનો વચ્ચે પહોંચીને તેમની સાથે ભાઈબીજની ખુશીઓ વહેંચી હતી. પોતાના સગા પરિવારથી દૂર રહેતી અને જીવનમાં અનેક વિષમતાઓ વેઠેલી આ બહેનો માટે આ પર્વ માત્ર ઉજવણી નહીં પરંતુ આત્મીયતા, સુરક્ષા અને પ્રેમનો અહેસાસ કરાવનારી એક અમૂલ્ય ક્ષણ બની રહી હતી.
ઉલ્લેખનીય છે કે માનવ મંદિર સંસ્થા ભૂતકાળથી જ માનસિક કે સામાજિક રીતે અસહાય અને ત્યજી દેવાયેલી મહિલાઓને આશ્રય આપીને તેમની સેવા-શુશ્રૂષા કરવાનું પ્રશંસનીય કાર્ય કરી રહી છે. હાલ આ સંસ્થામાં બહેનોને પુનઃ સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આગામી દિવસોમાં આવી વધુ નિરાધાર મહિલાઓનું પુનર્વસન થાય અને સંસ્થા દ્વારા આશ્રય મેળવતી મહિલાઓને સ્વાવલંબી બનાવવા તરફ યોગ્ય પગલાં ભરાય તે દિશામાં સમાજના અગ્રણીઓ અને તંત્ર સહયોગ આપી રહ્યા છે.
(11:09 PM IST)










