<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

જિલ્લા પંચાયતમાં તહેવારોનો માહોલ પૂરો થયો ત્‍યાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની આચારસંહિતાના પડધમ

સમિતિઓની બેઠક અને સામાન્‍ય સભા હવે ૨૦૨૭માં જ મળવાના એંધાણ

રાજકોટ, તા.૨૦: જિલ્લા પંચાયતમાં દિવાળીના તહેવારોનો માહોલ પૂરો થયો ત્‍યાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની આચાર સહિતના પડઘમ સંભળાવવા લાગ્‍યા છે. હવે ૨૦૨૭ પ્રારંભે જ જુદી જુદી સમિતિઓને બેઠકો અને સામાન્‍ય સભા મળે તેવા એંધાણ વર્તાય છે. રાજકોટ જિલ્લાની ૫૯૦ જેટલી ગ્રામ પંચાયતો પૈકી ૫૪૦ જેટલી પંચાયતોમાં ચૂંટણી આવી રહી છે. આચાર સંહિતાની સીધી અસર પંચાયતોના વિકાસ કામો પર પડશે. આચારસંહિતા દરમિયાન સમિતિની બેઠકો બોલાવવાનો નિષેધ નથી હોતો પણ તેમાં ગામડાઓ માં સીધી અસર કરે તેવા વિકાસ કામો મંજૂર કરી શકાતા નથી.

જિલ્લા પંચાયતમાં છેલ્લે સામાન્‍ય સભા ૨૧ સપ્‍ટેમ્‍બરે મળેલ સામાન્‍ય રીતે દર ત્રણ મહિને સામાન્‍ય સભા બોલાવવાની હોય છે તે મુજબ ડિસેમ્‍બરમાં બોલાવવા પાત્ર છે પરંતુ ગ્રામ પંચાયતોની ચૂંટણી આજ અરસામાં છે તેથી શાસકો તે સમયમાં સમિતિઓની બેઠકો કે સામાન્‍ય સભા બોલાવવા માગતા નથી.

જિલ્લા પંચાયતમાં સામાન્‍ય રીતે પહેલા અન્‍ય સમિતિઓની બેઠકો અને પછી કારોબારી સમિતિની બેઠક મળે છે ત્‍યારબાદ સામાન્‍ય સભા બોલાવવાની પ્રણાલીકા છે. પંચાયતોની ચૂંટણીની આખરી મતદાર યાદી તારીખ ૨૭મી એ પ્રસિદ્ધ થનાર છે તે પછી ગણતરીના દિવસોમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થશે ડિસેમ્‍બરમાં મતદાન થવાની શકયતા છે શાસકો હવે પછી ગામડાઓના વિકાસને લગતી નિર્ણાયક બેઠકો ગ્રામ પંચાયતોની ચૂંટણી પછી છે સંભવત જાન્‍યુઆરી ૨૭માં બોલાવવા માંગે છે. ત્‍યાં સુધી પંચાયતોનું તંત્ર આચારસંહિતામાં ન આવતા હોય તેવા કામો જ હાથ પર લેશે. ચૂંટાયેલા સભ્‍યો ગ્રામીણ ચૂંટણીમાં વ્‍યસ્‍ત થશે તેથી ફરી જિલ્લા પંચાયતનો રાજકીય માહોલ શુષ્‍ક થઇ જશે.

(3:43 PM IST)