તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
‘પોર્ટલ પર વિગતો ભરવી ખૂબ સરળ, મેં સેલ્ફ એન્યુમરેશન કરી દીધું છે, નાગરિકો ગુજરાતીમાં પણ વિગતો ભરી શકે છેઃ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ
વસ્તીગણતરી માટે સ્વ-ગણના પોર્ટલ પર વિગતો ભરવા તથા સ્ટાફને સહયોગ આપવા જિલ્લા કલેક્ટરની અપીલ : વસ્તીગણતરી માટે રાજકોટ મહાનગર-જિલ્લામાં કુલ ૭,૬૧૦ ગણતરીદારો-સુપરવાઇઝર્સ નિયુક્ત

રાજકોટ તા.૩૦: રાજકોટ જિલ્લાના નાગરિકોને સ્વ-ગણના પોર્ટલ પર વિગતો ભરવા તથા આગામી દિવસોમાં ગણતરી માટે ઘરે આવનારા ગણતરીદારોને સહયોગ આપવા જિલ્લા કલેક્ટર અપીલ કરી છે. રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશે ે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયા અંતર્ગત રાજ્યમાં વસ્તીગણતરીની કામગીરી શરૂ થનાર છે. વસ્તીગણતરી એ મહત્વનું રાષ્ટ્રીય કાર્ય છે. જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે, જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યોના આયોજન અને અમલીકરણ માટે ખૂબ જ ઉપયોગી બને છે. રાજકોટમાં વસ્તીગણતરીની કામગીરીને સુચારુ રૂપે સંપન્ન કરવા માટે વિશાળ ટીમની નિમણૂક કરવામાં આવી છે, જેમાં રાજકોટ ગ્રામ્ય તથા નગરપાલિકાઓમાં કુલ મળીને ૩,૪૭૬ લોકોનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે. જેમાં ૨,૯૮૨ ગણતરીદારો અને ૪૯૪ સુપરવાઈઝર્સનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૩,૫૨૮ ગણતરીદારો અને ૬૦૬ સુપરવાઈઝર્સ મળીને કુલ ૪,૧૩૪ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવશે. આમ, મહાનગર-જિલ્લામાં ૬,૫૧૦ ગણતરીદારો અને ૧,૧૦૦ સુપરવાઈઝર્સ મળીને કુલ ૭,૬૧૦ સભ્યો આ કામગીરી કરશે. જિલ્લા કલેક્ટરકહ્યું હતું કે, પોર્ટલ પર વિગતો ભરવી ખૂબ જ સરળ છે. મેં પોતે પણ વિગતો સરળતાથી ભરી દીધી છે. કોઈપણ નાગરિક ગુજરાતી ભાષામાં પણ તેને સરળતાથી ભરી શકે છે. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, તમામ નાગરિકો આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય રીતે સહભાગી બને અને સાચી તથા સંપૂર્ણ માહિતી આપે. જનગણના અંતર્ગત પ્રાપ્ત થતી તમામ માહિતી જનગણના અધિનિયમ મુજબ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તથા વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે. જિલ્લા વહીવટીતંત્ર તમામ નાગરિકોને અનુરોધ કરે છે કે, નાગરિકો જનગણના અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપે અને વસ્તીગણતરી-૨૦૨૭ને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપે.
(4:05 PM IST)










