News of Monday, 18th May 2026
બાળપણ અને દોસ્તીના સંબંધોને પડદા ઉપર જીવંત બનાવતી ફિલ્મ ‘‘ ભમરડો'': ૨૨મીએ થશે રીલીઝ
અઢી કલાકની ફિલ્મમાં ગ્રામીણ જીવનને બતાવવાનો સરસ પ્રયાસ : ધર્મેશ જોષી અને બાળ કલાકારો હીતાર્થ યાદવ તથા જશ ત્રાળાએ વર્ણવી રસપ્રદ વિગતોઃ ભમરડાની કોમ્પીટીશન દર્શકોને રોમાંચક બનાવશેઃ કોમેડી અને અને તળપદી ભાષાનો ભરપૂર ઉપયોગ

રાજકોટ : તા.૧૬: ગ્રામીણ જીવન અને દોસ્તીના સંબંધોના દાખલા દઇ શકાય તેવુ નિર્માણ પામેલ ગુજરાતી ફિલ્મ ‘‘ભમરડો'' આગમી તા.૨૨ મેના ગુજરાતભરના સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.
‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા બાળ કલાકારો હિતાર્થ યાદવ અને જશ ત્રાળા તથા ડોકટરના પાત્રને ન્યાય આપના ધર્મેશ જોશીએ જણાવાયુ હતુ કે આ પૂરી ફિલ્મ લાગણીના તાણાવાણાઓથી વણાયેલી છે. ખાસ કરીને આજે બધા ગામડા છોડીને શહેર તરફ દોડી રહ્યા છે ત્યારે સાચી મજા તો ગામડાના જીવનમાં જ છે તેવો મૂક સંદેશ આપવા આ ફિલ્મના માધ્યમથી સરસ પ્રયાસ થયો છે.
ખાસ કરીને ગામડાની રમતો જેમ કે ભમ્મરડો, નારગોલ જેવી રમતોને પણ જીવંત બનાવવામાં આવી છે. ફિલ્મની અંદર ભમ્મરડાની કોમ્પીટીશન જામે છે તે ખૂબ રોમાચંક બની રહે છે.
વાર્તા થીમ જોઇએ તો બાળ કલાકાર જશ ‘‘રામ''ના પાત્રમાં અને હિતાર્થ યાદવ ‘‘શ્યામ''ના પાત્રમાં છે. બન્ને પાકા મિત્રો હોય છે. રામને ડોકટર બનવુ હોવાથી તે હંમેશા ડોકટરના સંપર્કમાં રહે છે અને તેમની પાસેથી નવી નવી વાતો જાણવા સતત ઉત્સુક રહે છે. ફિલ્મમાં ડોકટરના પાત્રને ધર્મેશ જોષીએ નિભાવ્યું છે.
ફિલ્મના બે ગીતો ‘‘ફેરફૂદરડી ભમરડો'' અને ‘‘આપણો ડંકો વાગે'' ટેલર ટીલીઝ થતા જ લોકોના હૈયે ચઢી ગયા છે. મોટાભાગનું શુટીંગ ભાવનગરના કરજાળા ગામમાં કરવામાં આવ્યું છે. એક ડાયલોગ ‘‘અમારી દોસ્તી એવી કે જેમ ભાખરી ઉપર માખણનો લોંદો'' ખૂબ જમાવટ કરે છે.
મ્યુઝીક ડીરેકટર જયદીપ રાવલે અને ડીરેકટર -પ્રોડયૂસર -રાઇટર તરીકે શૈલેષભાઇ પડસારા તથા કો.પ્રોડયુસર તરીકે નિલેશભાઇ પડસારાએ સેવા આપી છે. એકઝીક્યુટીવ પ્રોડયુસર નિતિન જોશી અને એસો. ડાયરેકટર પ્રદીપસિંહ જાડેજા છે. ક્રિએટીવ હાર્દીક ભટ્ટ છે.
અભિનયમાં ધર્મેશ જોષી, હિતાર્થ યાદવ, જશ ત્રળા ઉપરાંત રાહુલ રાવ, વિનિતા જોષી, કલ્પના ગાગડેકર, ભાવીની જાની, હેતલ પૂનીવાલા, શ્રીદિનેશ તારપરાએ પ્રાણ પૂર્યા છે.
એકંદરે સહપરિવાર માણી શકાય તેવુ આ કોમેડી ફિલ્મ છે. તળપદી ભાષાનો ઉપયોગ સોૈને પોતીકાપણાનો ભાવ જગાવે છે. જાણે પોતાનું જ બાળપક્ષ પડદા ઉપર ખડુ થતુ હોય તેવો અહેશાસ દર્શકોને કરાવવાનો પ્રયાસ થયો છે.
ટૂંકમાં કહીએતો ‘‘ભમરડો'' ફિલ્મ એવી છે જેમાં ગુજરાતી માટીની સુગંધ, બાળપણની નિર્દોષતા અને પરિવારની લાગણીઓને જીવંત કરવા સુપેરે પ્રયાસ થયો છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કલાકારો ધર્મેશ જોષી, હિતાર્થ યાદવ, જશ ત્રાળા,એકઝી. પ્રોડયુસર નિતિન જોષી, એસો. ડાયરેકટર પ્રદીપસિંહ જાડેજા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(11:38 AM IST)










