News of Wednesday, 4th November 2026
દિવાળીમાં આગના જોખમ સામે ફાયર વિભાગનો એક્શન પ્લાનઃ શહેરમાં ૮ સ્થળે હંગામી ફાયર સ્ટેશન બનાવાશે
રેસકોર્સ, નાના મવા, ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં ત્રણ દિવસ ફાયર ટીમો તૈનાત રહેશેઃ ગત વર્ષે ૬૦૦ ફટાકડા સ્ટોલ સામે આ વર્ષે માત્ર ૩૭૩ અરજીઃ ૨૯૯ને મંજૂરી, ૬૭ પેન્ડિંગ અને ૭ અરજી નામંજુર

રાજકોટ, તા.૪: દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના કારણે આગ લાગવાના સંભવિત બનાવોને પહોંચી વળવા રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. શહેરના જુદા જુદા આઠ વિસ્તારોમાં ત્રણ દિવસ માટે હંગામી ફાયર સ્ટેશન ઊભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ ફટાકડાના વેચાણ માટે આ વર્ષે કડક નિયમો અમલમાં મૂકાતા ગત વર્ષની સરખામણીએ સ્ટોલની અરજીઓમાં મોટો ઘટાડો નોંધાયો છે.
રાજકોટમાં દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાના કારણે આગ લાગવાના બનાવો સર્જાવાની શકયતા રહેતી હોય છે. આવા સંજોગોમાં આગની ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો ઝડપથી ઘટનાસ્થળે પહોંચી શકે તે માટે ફાયર વિભાગ દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના રેસકોર્સ, નાના મવા, સોરઠીયાવાડી, ધર્મેન્દ્ર રોડ, પંચાયત ચોક, સ્પીડવેલ પ્લોટ, સદર અને સંત કબીર રોડ સહિતના આઠ સ્થળોએ ત્રણ દિવસ માટે હંગામી ફાયર સ્ટેશન કાર્યરત કરવામાં આવશે.
આ હંગામી ફાયર સ્ટેશનોના માધ્યમથી દિવાળીના તહેવારો દરમિયાન આગના બનાવો સામે તાત્કાલિક કામગીરી કરી શકાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ફટાકડાના સ્ટોલની
અરજીમાં મોટો ઘટાડો
બીજી તરફ રાજકોટમાં ફટાકડાના સ્ટોલ માટે ફાયર વિભાગ દ્વારા આ વર્ષે કડક નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. ગત વર્ષે શહેરમાં આશરે ૬૦૦ ફટાકડા સ્ટોલ હતા, જેની સામે આ વર્ષે માત્ર ૩૭૩ અરજીઓ જ નોંધાઈ છે. આ અરજીઓ પૈકી ૨૯૯ને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ૬૭ અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી છે અને ૭ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ બાકી રહેલી અરજીઓ અંગે સ્થળ તપાસ અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. ફટાકડાના વેચાણ માટે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થાય તે બાબતને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
શહેરમાં દિવાળીના તહેવારો નજીક આવતા વિવિધ વિસ્તારોમાં ફટાકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. જોકે કેટલાક સ્ટોલની ફાયર સેફ્ટી સંબંધિત મંજૂરી પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. આવા સંજોગોમાં ફાયર વિભાગ દ્વારા નિયમોની ચકાસણી અને અરજીઓના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ફાયર સ્ટેશનવાર અરજીઓની સ્થિતિ
કનક રોડ ફાયર સ્ટેશનમાં કુલ ૪૩ અરજીઓ નોંધાઈ હતી, જેમાંથી ૩૬નો નિકાલ કરવામાં આવ્યો છે અને ૫ અરજીઓ પ્રક્રિયામાં છે. કાલાવડ રોડ ફાયર સ્ટેશનમાં ૫૬ અરજીઓ નોંધાઈ હતી, જેમાંથી ૩૯નો નિકાલ થયો હોવાનું જણાવાયું છે, જ્યારે ૨૨ અરજીઓ પ્રક્રિયામાં હોવાનું દર્શાવાયું છે.
કોઠારિયા રોડ ફાયર સ્ટેશનમાં ૨૯ અરજીઓમાંથી ૨૪નો નિકાલ થયો છે અને ૩ અરજીઓ પ્રક્રિયામાં છે. મવડી ફાયર સ્ટેશનમાં ૫૬ અરજીઓમાંથી ૪૨નો નિકાલ થયો છે અને ૯ અરજીઓ પ્રક્રિયામાં છે. જ્યારે રામાપીર ચોક ફાયર સ્ટેશનમાં ૪૬ અરજીઓમાંથી ૩૬નો નિકાલ કરવામાં આવ્યો છે, ૨ અરજીઓ પ્રક્રિયામાં છે અને ૫ અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે.
ગત વર્ષે રાજકોટમાં ૬૦૦ જેટલા ફટાકડા સ્ટોલ હતા, જ્યારે આ વર્ષે માત્ર ૩૭૩ અરજીઓ નોંધાતા ૨૨૭નો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે ગત વર્ષની સ્ટોલ સંખ્યાની સરખામણીએ આ વર્ષની અરજીઓ આશરે ૩૮ ટકા ઓછી છે. ફાયર સેફ્ટીના કડક નિયમોને આ ઘટાડાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. દિવાળીના તહેવારોમાં આગના જોખમને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા સલામતીના નિયમોનું પાલન કરાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે
(3:34 PM IST)










