News of Sunday, 17th May 2026
રાજકોટમાં રવિવારે પણ અગનવર્ષા: બપોરે પારો 43.2 ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત
રજાના દિવસે પણ ગરમીનો હાહાકાર યથાવત; બપોરે માર્ગો સુમસામ બન્યા, આકરા તાપથી લોકો ત્રાહિમામ

રાજકોટ:સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. આજે રવિવારે રજાના દિવસે પણ સૂર્યદેવતાએ આકરો મિજાજ દેખાડ્યો હતો. બપોરે બરાબર 2:30 વાગ્યે શહેરનું તાપમાન 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા સમગ્ર રાજકોટ જાણે ભઠ્ઠીની જેમ શેકાયું હતું. અસહ્ય લૂ અને બફારાના કારણે લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા હતા.
બપોરે કર્ફ્યુ જેવો માહોલ, પંખા-એસી પણ ફેલ
સામાન્ય રીતે રવિવારે બજારો અને જાહેર સ્થળો પર લોકોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આજે સ્થિતિ તદ્દન ઉલટી હતી. બપોરના સમયે આકાશમાંથી વરસી રહેલી અગનજ્વાળાઓ અને ગરમ પવનોના કારણે શહેરના રાજમાર્ગો પર એકદમ સુમસામ ભાસતા હતા અને અઘોષિત કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. ઘરોમાં પણ પંખા અને એસી જાણે ગરમ હવા ફેંકતા હોય તેવો અહેસાસ થતો હતો.
તરબૂચ-શેરડીના રસના ચીંચોડા પર ભીડ
આકરા તાપથી રાહત મેળવવા માટે નાગરિકોએ ઠંડા પીણાંનો આશરો લીધો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં શેરડીનો રસ, તરબૂચ, છાશ અને આઈસ્ક્રીમની દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
(3:19 PM IST)










