News of Sunday, 8th November 2026
રાજકોટમાં હાઇરાઇઝ આગની વિકટ દુર્ઘટનામાં જીવનું જોખમ ખેડી વૃદ્ધને બચાવ્યા ફાયર જવાન મૌલિકભાઈ ચણિયારાનો હાથ ફ્રેક્ચર છતાં ફરજ પ્રત્યે અદ્ભુત નિષ્ઠા
આગની જ્વાળાઓ વચ્ચેથી વૃદ્ધ નાગરિકને સુરક્ષિત બહાર કાઢતી વખતે ઘાયલ થયા ફાયર ઓપરેટર મૌલિકભાઈ

રાજકોટ: શહેરમાં તાજેતરમાં બનેલી એક હાઇરાઇઝ એપાર્ટમેન્ટની ગંભીર આગની દુર્ઘટના સમયે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર અનેક નાગરિકોના જીવ બચાવીને સાચા અર્થમાં 'હીરો' સાબિત થયા છે. આ વિકટ પરિસ્થિતિમાં ફાયર ઓપરેટર શ્રી મૌલિકભાઈ ચણિયારાએ દાખવેલું અદમ્ય સાહસ અને માનવસેવાની ભાવના સમગ્ર રાજકોટ માટે ગર્વની બાબત બની રહી છે.
મળતી માહિતી મુજબ, આગની આ ઘટના એટલી ભયાનક હતી કે ચારે બાજુ ધુમાડો અને અફરાતફરીનો માહોલ હતો. આ જોખમી પરિસ્થિતિ વચ્ચે ફાયર ઓપરેટર મૌલિકભાઈ ચણિયારાએ પોતાના પ્રાણની પરવા કર્યા વગર એક ફસાયેલા વૃદ્ધ નાગરિકને સુરક્ષિત રીતે બહાર કાઢીને તેમનો અમૂલ્ય જીવ બચાવી લીધો હતો. આ બહાદુરીભર્યા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાનની ક્ષણો પ્રેસ મીડિયાના કેમેરા અને ફોટોગ્રાફ્સમાં પણ કેદ થઈ છે, જે આજે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ છે.
આ કામગીરી દરમિયાન આગની ગરમી અને અફરાતફરી વચ્ચે મૌલિકભાઈને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનો હાથ ફ્રેક્ચર થયો હતો. તેમ છતાં, પીડાની પરવા કર્યા વગર તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જનસેવાની ભાવના અવિરત રહી હતી. ફાયર વિભાગના જવાનો માત્ર આગ બુઝાવવાનું કામ જ નથી કરતા, પરંતુ સંકટના સમયે પોતાના જીવના જોખમે નાગરિકોની રક્ષા કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ મૌલિકભાઈએ પૂરું પાડ્યું છે.
(5:26 PM IST)










