News of Friday, 26th June 2026
જિલ્લા પંચાયતના નવા શાસકોની પ્રથમ સામાન્ય સભા ૯ જુલાઇએઃ સમિતિઓ રચાશે
ચૂંટણી પૂરી થયાના અઢી મહિના પછી સમિતિઓની રચના કરવાનું ‘મૂહુર્ત' નીકળ્યું: સમિતિઓના અધ્યક્ષોની વરણી તા. ૧૬ થી ૨૦ વચ્ચેઃ ખાસ બેઠક હોવાથી પ્રશ્નોતરી નહિ

રાજકોટ, તા.૨૬: જિલ્લા પંચાયતમાં સામાન્ય ચુંટણી પુરી થયા પછી ૭૪ દિવસે કારોબારી સહિત વિવિધ સમિતિઓની ચૂંટણી થાય તેવુ મૂહુર્ત નીકળ્યુ છે પંચાયતના નવા પ્રમુખ તરીકે સંજય પીપળિયાએ તા.૨૬ મે એ કાર્યભાર સંભાળ્યા પછી તા. ૯ જુલાઇએ ગુરૂવારે પ્રથમ સામાન્ય સભા બોલાવવાનુ નક્કી થયાનું અને તેનો સતાવાર એન્જડા સોમ કે મંગળવારે પ્રસિધ્ધ થનાર હોવાનું જાણવા મળેલ છે સમિતિઓની રચના પછી તા. ૧૬ થી ૨૦ જુલાઇ વચ્ચે જે તે સમિતિના અધ્યક્ષની વિધિવત ચૂંટણી થાય તેવા સંજોગો છે. જુલાઇ ઉતરાધમાં ચૂંટાયેલી પાંખ પૂર્ણપણે કાર્યરત થઇ જશે. પ્રથમ સામાન્ય સભા ખાસ હોવાથી તેમાં પ્રશ્નોતરીને સ્થાન રહેશે નહિ. પ્રમુખ ઇચ્છે તો પ્રશ્નોતરી કે અન્ય મુદાથી ચર્ચા માટે પરવાનગી આપી શકે છે.
જિલ્લા પંચાયતમાં કારોબારી, આરોગ્ય, શિક્ષણ, સિંચાઇ, બાંધકામ, સામાજિક ન્યાય, સહકાર અને સિંચાઇ, મહિલા અને બાળ વિકાસ સહિત ૭ સમિતિઓની રચના કરવાની થાય છે. અપીલ સમિતિમાં હોદાની રૂએ જિલ્લા પંચાયત પ્રમુખ અધ્યક્ષ હોય છે સામાજિક ન્યાય સમિતિમાં અધ્યક્ષ સહિત તમામ સભ્યો અનૂસૂચિત જાતિ અને અનૂસૂચિત જનજાતિના હોય છે. કારોબારી અને શિક્ષણ સમિતિમાં ૭ થી૯ સભ્યો અને બાકીની સમિતિઓમાં ૩ થી ૫ સભ્યોને સ્થાન મળે છે. સમિતિની રચના પછી જે તે સમિતિની બેઠકમાં સમિતિના અધ્યક્ષની ચૂંટણ થાય છે. તેના એજન્ડાની પ્રસિધ્ધ પછી ઓછામાં ઓછામાં ૬ દિવસનો સમયગાળો રાખવાનો હોય છે. હાલ નક્કી થયા મુજબ તા. ૯ જુલાઇએ ખાસ સામાન્ય સભા થઇ જાય અને પધ્ધતિમાં કોઇ ફેરફાર ન થાય તો તા.૧૬ થી ૨૦ વચ્ચે સમિતિઓના અધ્યક્ષોની વરણી થઇ શકે છે.
શાસક ભાજપે કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે નરશીભાઇ સોજીત્રાનું નામ જાહેર કરી દીધું છે. કારોબારી સમિતિના સભ્યોના નામ તેમજ વિવિધ સમિતિઓના અધ્યક્ષમાં નામ સામાન્ય સભા વખતે જાહેર થશે. કોઇ સભ્યને એકથી વધુ સમિતિમાં પણ સ્થાન મેળવી શકે છે.
કારોબારી સમિતિમાં સભ્યો હોય તેને અન્ય કોઇ સમિતિમાં અધ્યક્ષ ન બનાવવા તેવી ભાજપની પ્રણાલિકા રહી છે. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને સભ્યો, પક્ષના નેતા, દંડક તેમજ અન્ય સમિતિઓના અધ્યક્ષે મળી ભાજપના કુલ ૩૪ પૈકી ૧૯ જેટલા સભ્યોને પ્રથમ અઢી વર્ષની ટર્મમાં ૪ વરણીનો લાભ મળી જશે. નવા પદાધિકારીઓની પસંદગીમાં પ્રદેશ ભાજપની ભૂમિકા નિર્ણાયક રહેશે. જ્ઞાતિ, ભૂગોળ, ક્ષમતા વગેરે બાબતો ધ્યાને લેવામાં આવશે.
(2:51 PM IST)










