News of Wednesday, 11th November 2026
સૌરાષ્ટ્રના રાજકીય અને જાહેર જીવનના ભીષ્મપિતામહ સમાન પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરીયાનું નિધન
ભાજપના પાયાના સંગઠક, ખેડૂતોના હિતરક્ષક અને કન્યા કેળવણીના પ્રખર હિમાયતીની વિદાયથી ક્યારેય ન પુરાય તેવી ખોટ : સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનિષ ભટ્ટે છેલ્લી મુલાકાતનાં સંભારણાં વાગોળ્યાં

રાજકોટ : રાજકોટના પૂર્વ સાંસદ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી અને સૌરાષ્ટ્રના રાજકીય તથા જાહેર જીવનમાં આગવું સ્થાન ધરાવતા શિવલાલભાઈ વેકરીયાનું આજરોજ લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં શોકની લાગણી પ્રસરી છે. તેમના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતાં રાજકોટ મહાનગરપાલિકાની સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન અને કોર્પોરેટર મનિષ ભટ્ટે જણાવ્યું હતું કે, શિવલાલભાઈ વેકરીયાની વિદાયથી ભારતીય જનતા પાર્ટીએ એક કુશળ સંગઠક અને સૌરાષ્ટ્રના જાહેર જીવનએ એક સમર્થ, નીડર અને સેવાભાવી લોકનેતા ગુમાવ્યા છે.
મનિષ ભટ્ટે જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થ શિવલાલભાઈ વેકરીયા વર્ષ 1989 અને 1991માં એમ બે વખત રાજકોટ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે લાંબા સમય સુધી રાજકોટ નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટર, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી તેમજ રાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓનું સફળતાપૂર્વક વહન કર્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના સંગઠનને રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રના ગામડે ગામડે પહોંચાડવામાં શિવલાલભાઈ વેકરીયાનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે. ભાજપના સંગઠનના પાયાને મજબૂત બનાવવા તેમણે જીવનભર અથાગ પરિશ્રમ કર્યો હતો. અનેક લોકઆંદોલનોનું સફળ નેતૃત્વ કરીને તેમણે સંઘર્ષશીલ, નિર્ભય અને પ્રજાના પ્રશ્નો માટે સતત લડનારા નેતા તરીકે આગવી ઓળખ ઊભી કરી હતી.
મનિષ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, શિવલાલભાઈ વેકરીયા માત્ર રાજકીય નેતા જ નહોતા, પરંતુ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ તેમનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ હતું. ખાસ કરીને કન્યા કેળવણીના પ્રખર હિમાયતી અને કુશળ કેળવણીકાર તરીકે તેમણે શિક્ષણના પ્રસાર માટે નોંધપાત્ર કામગીરી કરી હતી. ખેડૂતોના પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવી તેમના હિતોની રક્ષા કરવા તેઓ હંમેશાં અગ્રેસર રહેતા હતા.
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના સંગઠનને મજબૂત બનાવવામાં અને કાર્યકરોની નવી પેઢી તૈયાર કરવામાં શિવલાલભાઈ વેકરીયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની સંગઠનશક્તિ, સાદગી, નિષ્ઠા અને પ્રજાલક્ષી અભિગમ રાજકીય કાર્યકરો માટે પ્રેરણારૂપ બની રહેશે.
સ્વર્ગસ્થ શિવલાલભાઈ વેકરીયા સાથેના પોતાના અંગત સંસ્મરણો વાગોળતાં મનિષ ભટ્ટે જણાવ્યું હતું કે, શિવલાલભાઈ સાથેની તેમની છેલ્લી મુલાકાત આજે પણ સ્મૃતિપટ પર અંકિત છે. તેમની સાથેની મુલાકાતો, માર્ગદર્શન અને જાહેર જીવન પ્રત્યેનો સેવાભાવ હંમેશાં યાદ રહેશે. તેમની સાથે વિતાવેલી ક્ષણો હવે જીવનભરનાં અમૂલ્ય સંભારણાં બની રહેશે.
મનિષ ભટ્ટે જણાવ્યું હતું કે, શિવલાલભાઈ વેકરીયાના નિધનથી ભારતીય જનતા પાર્ટીને એક અનુભવી અને કુશળ સંગઠકની, જ્યારે સૌરાષ્ટ્રના જાહેર જીવનને કન્યા કેળવણીના હિમાયતી, કુશળ કેળવણીકાર અને ખેડૂતોના પ્રશ્નો માટે લડનારા સમર્થ તથા નીડર નેતાની ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.
સ્વર્ગસ્થ શિવલાલભાઈ વેકરીયાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં મનિષ ભટ્ટે જણાવ્યું હતું કે, પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન ભોળાનાથ તેમના દિવ્ય આત્માને ચિરશાંતિ અને મોક્ષગતિ પ્રદાન કરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું.
(1:11 AM IST)










