News of Wednesday, 7th October 2026
પીડીએમ કોલેજ પાસે એટીએમમાં ફ્રોડઃ ૧૧ ગ્રાહકોના રૂપિયા બઠ્ઠાવી લેવાયાઃ યુપીના બે ગઠીયા સકંજામાં
કેશ ડિસ્પેન્સર બોક્સમાં કાગળની પટ્ટી લગાવી દેતાં: ગ્રાહક કાર્ડથી પ્રોસેસ કરે તો ડેબીટનો મેસેજ આવતો પણ રકમ બહાર આવતી નહિઃ ગ્રાહક બહાર જાય ત્યારે ગઠીયા પટ્ટી હટાવી રોકડ કાઢી લેતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યોઃ ભરૂચ તરફ લોકેશન મળતાં ત્યાંની પોલીસે અટકાયતમા લઇ લીધા

રાજકોટ તા. ૭: શહેરનાગોંડલ રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ મશીનમાં ગ્રાહકો સાથે છેતરપિંડી અને ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સર બોક્સમાં કાગળની પટ્ટી લગાવીને ગ્રાહકોના નાણાં અટકાવી બાદમાં તે રકમ ચોરી જતી શાતિર ગેંગના બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ મોડસ ઓપરેન્ડી દ્વારા તસ્કરોએ કુલ ૧૧ ગ્રાહકોના રૂપિયા ૩૪,૫૦૦ ચોરી લીધા હોવાનું ખુલ્યું છે. આ ઠગાઇમાં યુપીના બે ગઠીયા સામેલ હોવાનું ખુલ્યું છે. બંનેને લોકેશનને આધારે ભરૂચ પોલીસને જાણ કરવામાં આવતાં ત્યાં સકંજામાં લઇ લેવાયા છે. કબ્જો મેળવી આગળ કાર્યવાહી કરવામાં આવશે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં માલવીયાનગર પોલીસે ક્રિસ્ટલ મોલ પાછળ ૨૪-કેરેટ એપાર્ટમેન્ટ ડી-૨૦૧માં રહેતાં મુળ ભુવનેશ્વર ઓડીસ્સાના વતની અનગોંડલ રોડ પર પી.ડી.એમ. પાસે આવેલી એસબીઆઇની બ્રાન્ચના મેનેજર દુર્ગાપ્રસન્ના પદ્મચરણ શેટ્ટી (ઉ. વ. ૪૨)ની ફરિયાદ પરથી બે અજાણ્યા સામે ગુનો દાખલ કરાયો છે. ફરિયાદ અનુસાર તા. ૩/૧૦ના રોજ બેંકના ગ્રાહક પ્રતાપભાઈ સોલંકીએ આવીને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તા. ૦૨/૧૦ના રોજ સવારે પોણા દસેક વાગ્યા આસપાસ તેમણે પીડીએમ કોલેજ શાખા પાસેના એટીએમમાંથી રૂા. ૯,૫૦૦ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમના બેંક એકાઉન્ટમાંથી રકમ ડેબિટ થઈ જવાનો મેસેજ મોબાઈલમાં આવ્યો હતો, પરંતુ એટીએમ મશીનમાંથી રોકડ રકમ બહાર આવી નહોતી.
બ્રાન્ચ મેનેજરે બેંકના કેશ ઓફિસર ગૌતમભાઈ સાંકળીયા અને સર્વિસ મેનેજર જીતેન્દ્રભાઈ પરમાર સાથે મળીને તા.૨ના સીસીટીવી ફૂટેજ ચેક કરતા માલુમ પડ્યું હતું કે સવારના આશરે પોણા સાતેક વાગ્યાના સુમારે બે શંકાસ્પદ શખ્સો એટીએમમાં પ્રવેશ્યા હતા. આ શખ્સોએ એટીએમ મશીનમાં જ્યાંથી રોકડ રકમ બહાર નીકળે છે તે કેશ ડિસ્પેન્સર બોક્સમાં અગાઉથી કાગળની પટ્ટી ચોંટાડી દીધી હતી.
ગ્રાહકો જ્યારે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે કાર્ડ સ્વાઇપ કરતા ત્યારે ખાતામાંથી રકમ કપાઈ જતી હતી, પરંતુ કાગળની પટ્ટીના કારણે રોકડ બહાર આવી શકતી નહોતી. ગ્રાહક બહાર જતો રહે કે તરત જ આ શંકાસ્પદ શખ્સો રૂમમાં આવીને કાગળની પટ્ટી હટાવી બોક્સમાંથી ગ્રાહકની રોકડ રકમ કાઢી લેતા હતા અને ફરીથી નવી પટ્ટી લગાવી દેતા હતા.
આ બંનેઅ ે આ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી અલગ-અલગ કુલ ૧૧ ગ્રાહકોના ૩૪,૫૦૦ રોકડા ઉપાડી લઈ ચોરી કરી હતી. આ અંગે બેંક મેનેજરની ફરિયાદના આધારે પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. ગાધેએ ગુનો દાખલ કરતાં ડી. સ્ટાફની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન બે શકમંદ ગઠીયાનું લોકેશન ભરૂચ તરફ મળતાં ત્યાંની પોલીસને જાણ કરવામાં આવતાં બંનેને અટકાયતમાં લઇ લેવાયાનું જાણવા મળ્યું છે.
(2:40 PM IST)










