News of Tuesday, 22nd September 2026
ફોટોગ્રાફર નીલ સાથે કારના સોદામાં મિત્ર આદેશની ૩.૨૮ લાખની ઠગાઇ
સત્ય સાઇ રોડ પર ફુલવાડી પાર્કમાં રહેતાં નીલએ ડાઉન પેમેન્ટ સહિતની રકમ ચુકવી દીધી પછી મિત્ર બીજી ચાવીથી કાર લઇ ગયોઃ તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૨: શહેરના સત્યસાઇ રોડ વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા યુવક સાથે સેકન્ડ હેન્ડ કાર ખરીદીના નામે તેના જ મિત્રએ રૂપિયા ૩.૨૮ લાખની ઠગાઇ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કાશમાં આવ્યો છે. ભોગ બનનાર યુવકે પોતાના જ મિત્ર સામે કાર અને ભરેલા નાણાં હડપ કરી લેવા અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં સત્ય સાઇ રોડ પર ફુલવાડી પાર્ક સોસાયટીમાં રહેતાં અને ફોટોગ્રાફીનું કામ કરતાં નીલ સુરેશભાઇ રાબડીયા (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી તાલુકા પોલીસે તેના જ મિત્ર આદેશ લક્ષમણભાઇ બુસા વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે.
નીલ રાબડીયા પરિવાર સાથે રહે છે. તેણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેણે પોતાના મિત્ર આદેશ ભુસા પાસેથી સ્કોડા સ્લાવિયા કાર રૂ.૮,૮૦,૦૦૦માં ખરીદવાનું નક્કી કર્યું હતું. તેમજ જો કાર ન ફાવે તો ફર્સ્ટ ઓનરમાંથી જ વેંાવે દેશે તેવુ આદેશએ કહ્યું હતું અને કારનો સોદો નક્કી થયા બાદ નીલએ કાર પોતાના નામે જ રાખી હતી. આ પછી નીલે પોતાના પિતા અને મિત્રના ગૂગલ પે મારફતે રૂ. ૨,૮૦,૦૦૦ ડાઉનપેમેન્ટ પેટે આદેશને ચુકવી આપ્યા હતા. આ ઉપરાંત કારમાં સાઉન્ડ સિસ્ટમ ફિટ કરાવવાના ૧૧,૦૦૦ તેમજ લોનના બે હપ્તા ૨૦,૪૦૦ અને ૧૬,૮૦૦ મળી કુલ ૩,૨૮,૨૦૦ની ચુકવણી કરી હતી. કારની બાકીની રકમ આદેશના નામે ચાલતી લોન મારફતે ભરપાઈ કરવાનું નક્કી થયું હતું અને આ અંગે વકીલ પાસે નોટરી લખાણ પણ કરવામાં આવ્યું હતું. નોટરી લખાણ બાદ આદેશએ કારનો કબ્જો મિત્ર નિલને સોંપ્યો હતો. પણ થોડા દિવસો બાદ આદેશ મિત્ર નીલના ઘરે આવ્યા હતા અને પોતાની પાસે રહેલી કારની બીજી ચાવી લગાવીને કાર લઈ ગયો હતો. નીલએ તેમને સમજાવવાનો પ્રયાસ કરવા છતાં તે માન્યો નહોતો.
બાદમાં રૂબરૂ મુલાકાત દરમિયાન નીલએ કાર પોતાના નામે કરી આપવા અથવા તો પોતે ચુકવેલા ડાઉનપેમેન્ટ, સાઉન્ડ સિસ્ટમ અને લોનના હપ્તાના મળી કુલ રૂ. ૩,૨૮,૨૦૦ પરત આપી કાર પાછી લઈ લેવા જણાવ્યું હતું. પરંતુ આદેશએ કાર કે એક પણ રૂપિયો પરત નહીં મળે તેમ કહી સ્પષ્ટ ના પાડી દીધી હતી. પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જણાતા નીલએ તાલુકા પોલીસમાં જાણ કરતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્સ. એમ. બી. ઠાકરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:16 PM IST)










