News of Saturday, 19th September 2026
ગીતાબેનની હત્યા આગ્રાના બે સગા ભાઇઓએ કરી ૪૦ હજાર રોકડા લૂંટયા'તાઃ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલ્યો
ક્રુર હત્યાનો ભેદ ખુલ્યોઃ કેટરીંગના કામ માટે સરપંચ પાસેથી લીધેલી બે લાખની લોનના હપ્તા ચડી જતાં ચોરી-લૂંટનો પ્લાન ઘડયો'તો : ગીતાબેનના ઘરની બરાબર પાછળ જ રહેતાં રામનરેશ જાટવ અને સની જાટવએ તેણીને જ સોફટ ટારગેટ બનાવી હત્યા કરી હતીઃ બંનેની અટકાયતઃ લોહીવાળા કપડા પોતે રહે છે એ જ અગાસીએ સળગાવ્યા'તાઃ કેટરીંગમાં શાક સુધારવામાં વપરાતી મોટી ચોરસ આકારની છરીથી હત્યા કરી હતી : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ અને ટીમોએ ભેદ ઉકેલ્યો : હત્યામાં પોતે સામેલ નથી એવુ દેખાડવા હત્યા-લૂંટ બાદ બંને ભાગ્યા નહિ પણ પોલીસ તપાસ વખતે સતત નજર સામે રહ્યા હતાં: શંકાસ્પદ ગતિવિધિ નજરે ચડી અને બંનેને દબોચી પુછતાછ કરતાં કબુલાત આપીઃ રામનરેશ યુપીમાં પોક્સો, ચોરીઓમાં સામેલ

હત્યાના ગુનાનો ભેદ ઉકેલાતાં વિગતો જણાવી રહેલા એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા અને પીઆઇ એમ. એલ. ડામોર (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
હત્યામાં ઝડપાયેલા આગ્રાના વતની બે ભાઇઓ રામનરેશ જાટવ અને શની જાટવ
રાજકોટ તા. ૧૯: શહેરના કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ બાપા સિતારામનગરમાં રહેતાં બ્યુટી પાર્લરના સંચાલીકા ગીતાબેન કિશોરભાઇ વાજાની ક્રુર હત્યાનો ભેદ અંતે ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખ્યો છે. મહિલાના ઘરની એક જ દિવાલે પાછળ જ રહેતાં મુળ આગ્રાના બે સગા ભાઇઓને ઝડપી લીધા છે. હત્યા બાદ તેણે ૪૦ હજારની લૂંટ કરી હતી. કેટરીંગનો ધંધો કરવા વતનમાં સરપંચ પાસેથી બે લાખની લોન લીધી હોઇ તેના હપ્તા ચડી ગયા હોઇ ગીતાબેન તેના ઘરની બરાબર પાછળ રહેતાં હોઇ અને પોતાની અગાસી પરથી તે ગીતાબેનના ઘરમાં જોઇ શકતાં હોઇ તેને ત્યાં ચોરી-લૂંટનો પ્લાન ઘડી અમલમાં મુક્યો હતો. કેટરીંગના કામમાં વપરાતી મોટી છરીનો હત્યામાં ઉપયોગ કર્યો હતો. હત્યા લૂંટ બાદ ભાગી જવાને બદલે પોલીસની નજર સામે જ છેક સુધી રહ્યા હતાં. પોલીસે છરી, હત્યા બાદ સળગાવી દેવાયેલા લોહીવાળા કપડા શોધી કાઢયા છે.
રહસ્યના આટાપાટા સર્ર્જતી હત્યાની આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસે હત્યાનો ભોગ બનેલા ગીતાબેનના પતિ કિશોરભાઇ રવજીભાઇ વાજા-વાળંદ (ઉ.વ.૫૦-રહે. બાપાસીતારામ પાર્ક પ્લો ટ નં.૮૩, મટુકી રેસ્ટોરન્ટની પાછળ મધુરમ ઓટો ગેરેજની બાજુમાં કાલાવડ રોડ, મુળ મોટા કાદલીયારા ગામ પાદરમાં તા. વંથલી જી. જુનાગઢ)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. કિશોરભાઇ અને તેનો દિકરો આશિષ અલગ સલૂન-દૂકાનમાં રહે છે. જ્યારે ગીતાબેન એકલા રહેતાં હતાં. તેનો એક દિકરો જીતુ વડોદરા રહે છે. આશિષ હત્યાની આગલી રાતે માતા ગીતાબેન પાસેથી ટીફીન લઇ ગયો હતો. બીજી સવારે ખાલી ટીફીન દેવા ઘરે આવ્યો ત્યારે માતાની હત્યા કરાયેલી લાશ મળી હતી.
યુનિવર્સિટી પોલીસની સાથે એલસીબી ઝોન-૨ અને ક્રાઇમ બ્રાંચની ટીમો કામે લાગ્યા હતાં. આ દરમિયાન ક્રાઇમ બ્રાંચે માહિતીને આધારે હત્યાનો ભોગ બનેલા ગીતાબેનના ઘરની પાછળ એક જ દિવાલે રહેતાં યુપી આગ્રાના બે સગા ભાઇઓ રામનરેશ હસમુખ જાટવ અને સની હસમુખ જાટવને સકંજામાં લઇ વિસ્તૃત પુછતાછ કરી હતી. પહેલા તો તેણે પોતે અજાણ છે અને ગીતાબેન તો પાછળના ઘરમાં જ રહેતાં હોઇ પાડાશી હતાં, અમે કંઇ જાણતાં નથી એવુ રટણ ચાલુ રાખ્યું હતું. પરંતુ પોલીસને પાક્કી માહિતી મળી હતી કે આ બંને કંઇક છુપાવી રહ્યા છે. આને આધારે વિશીષ્ટ ઢબની તપાસ યથાવત રાખતાં અંતે બંને ભાઇઓએ લૂંટ હત્યાની કબુલાત આપી હતી.
એકાદ મહિના પહેલા જ આ બંને યુપી આગ્રાથી અહિ કેટરીંગનું કામ કરવા માટે આવ્યા છે. તેણે પોતાના ગામના સરપંચ પાસેથી કેટરીંગના ધંધા માટે બે લાખની લોન લીધી હોઇ તેના હપ્તા ચડત થઇ ગયા હોઇ રૂપિયાની જરૂર હતી. આથી તેણે પાછળના ઘરમાં જ રહેતાં ગીતાબેન વાંજાને ત્યાં ચોરી કે લૂંટ કરવાનો પ્લાન ઘડયો હતો. આ બંને વંડી ઠેંકે તો સીધા જ ગીતાબેનના નવેળામાં ઉતરે શકે એ રીતે મકાન છે. ગીતાબેન એકલા જ રહે છે એ જાણતાં હોઇ આ ઘરમાં ચોરી-લૂંટ સરળતાથી થઇ શકે તેવુ લાગતાં ૧૭મીની રાતે ત્રાટક્યા હતાં. અવાજ થતાં ગીતાબેન જાગી જતાં તેની પાસે રૂપિયા માંગ્યા હતાં. પણ ન દેતાં કેટરીંગના કામમાં શાકભાજી સુધારવામાં વપરાતી મોટી ચોરસ છરીથી હુમલો કરી ગળા સહિતના ભાગે ઘા ઝીંકી હત્યા કરી હતી અને ઘરમાં પડેલા રોકડા ૪૦ હજાર લૂંટી લીધા હતાં.
હત્યા બાદ બંને નિરાતે પોતાના ઘરમાં જતાં રહ્યા હતાં અને કપડા પર લોહી ઉડયું હોઇ આ કપડા પોતે રહે છે એ ઘરની અગાસી પર સળગાવી દીધા હતાં. હત્યામાં વપરાયેલી છરી છુટપાવી દીધી હોઇ તે પણ પોલીસે શોધી કાઢી હતી. બે ભાઇઓ પૈકી રામનરેશ અગાઉ ચોરી-ચપાટી-પોક્સો જેવા ગુનામાં યુપીમાં પકડાઇ ચુક્યો હતો. બંને હત્યા કરી ભાગી જાય તો પોલીસ શંકા કરે અને પીછો કરે એવી ખબર હોઇ જેથી પોતે આમાં સામેલ નથી એવુ દેખાડવા પોલીસ કાર્યવાહી માટે આવી ત્યારે સતત પોલીસની સામે જ હાજર રહ્યા હતાં અને પાછળ જ પોતે રહે છે એ સહિતની વિગતો પોલીસને જણાવી હતી. જો કે બાદમાં પોલીસને અમુક શંકાસ્પદ ગતીવિધી નજરે ચડી હોઇ આ બંને ભાઇઓને ઉઠાવી લઇ આકરી પુછતાછ કરતાં હત્યા કબુલી લીધી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ તથા પીએસઆઇ ડી.પી. ઝાલા, એ. એન. પરમાર, વી. ડી. ડોડીયા, વી.ડી. રાવલીયા, એસ. એમ. રાણા, એએસઆઇ યશવંતભાઇ ભગત, વિજયરાજસિંહ જાડેજા, મહેશભાઇ સોલંકી, દિગપાલસિંહ જાડેજા, અમિતભાઇ અગ્રાવત, ભાવેશભાઇ પરમાર, સમીરભાઇ શેખ, સંજયભાઇ દાફડા, હેડકોન્સ. જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ, કૃષ્ણદેવસિંહ ઝાલા, અનુજભાઇ ડાંગર, મોહીલરાજસિંહ ગોહિલ, અર્જુનભાઇ ડવ, રાહુલભાઇ ગોહેલ, રાજેશભાઇ જળુ, સાગરભાઇ માવદીયા, મુકેશભાઇ સબાડ, તુલસીભાઇ ચુડાસમા, અમિતભાઇ ટુંડીયા, કરણભાઇ કોઠીવાળ, સંજયભાઇ અલગોતર, દિપકભાઇ ચોૈહાણ, ભાનુશંકારભાઇ ધાંધલા, દિપકભાઇ ડાંગર, ધારાભાઇ વાનરીયા, રાજદિપભાઇ પટગીર, લાલજીભાઇ હાગડરડા, યજુર્વેન્દ્રસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, ગોપાલભાઇ બોળીયા, જયરાજભાઇ કોટીલા, કોન્સ. મહાવીરસિંહ જાડેજા, કિશનભાઇ પાંભર, સંજયભાઇ ખાખરીયા, જીલુભાઇ ગરચર, નિકુંજભાઇ મારવીયા, અરવિંદભાઇ ફતેપરા, ધર્મેશભાઇ ખાડેખા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રસિંહ રાણા, મયુરધ્વજસિંહ જાડેજા, રાજેશભાઇ રંગાણી, ગોપાલભાઇ પાટીલ, પૃથ્વીરાજસિંહ ચોૈહાણ, પોપટભાઇ ગમારા, મનીષભાઇ ચાવડા, અશ્વીનભાઇ પંપાણીયા તેમજ એલસીબી ઝોન-૨ના પીએસઆઇ એસ. વી. ચુડાસમા તથા તેમની ટીમ અને યુનિવર્ર્સિટી પોલીસના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. એન. સ્યોરા અને તેમની ટીમોએ આ ભેદ ઉકેલ્યો હતો.
(3:37 PM IST)










