News of Friday, 29th May 2026
વૈશ્વિક માતા-પિતા દિવસઃ માત્ર ઉજવણી કે જીવનભરની કાળજી?
સંબંધ, સંસ્કાર અને જવાબદારીને યાદ કરાવતો એક મહત્વપૂર્ણ દિવસ

દર વર્ષે ૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ‘‘વૈશ્વિક માતા-પિતા દિવસ''ઉજવવામાં આવે છે. માતા-પિતા માત્ર સંતાનના જન્મદાતા નથી, પરંતુ તેના જીવનના પ્રથમ ગુરુ, માર્ગદર્શક, સંસ્કારદાતા અને નિઃસ્વાર્થ પ્રેમનું સાક્ષાત્ સ્વરૂપ છે. આજના આધુનિક અને અતિ ઝડપી જીવનમાં જ્યાં ભૌતિક સુખ-સગવડો વધતી જાય છે, ત્યાં લાગણી, સમય અને સંબંધોની ઉષ્ણતા ધીમે ધીમે ઓછી થતી દેખાઈ રહી છે. આવા સમયમાં આ દિવસ માત્ર ઔપચારિક ઉજવણી પૂરતો નથી, પરંતુ પરિવાર, જવાબદારી અને માનવ મૂલ્યોને ફરી જીવંત કરવાનો સંદેશ આપે છે.
ઇતિહાસ અને વર્ષ ૨૦૨૬ની થીમ
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ૨૦૧૨માં ૧ જૂનને ‘‘Global Day of Parents'' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વના માતા-પિતાના સંતાનો પ્રત્યેના નિઃસ્વાર્થ સમર્પણ, ત્યાગ અને જીવનભરના પ્રેમને સન્માન આપવાનો છે. સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે સંતાનના સર્વાંગી વિકાસ માટે 'પરિવાર' એ સૌથી મહત્વપૂર્ણ સંસ્થા છે અને માતા-પિતા તેના મજબૂત આધારસ્તંભ છે.
વર્ષ ૨૦૨૬ની થીમ, માતા-પિતા માટે સૌ સાથે રાખેલ છે, આ થીમનો મુખ્ય સંદેશ એ છે કે બાળકના ઉજ્જવળ ભવિષ્ય અને વડીલોના સન્માન માટે માત્ર માતા-પિતા જ નહીં, પરંતુ સમગ્ર સમાજ, શાળા, સરકાર અને સામાજિક વ્યવસ્થાઓએ પણ સાથે મળીને સહયોગ આપવો અનિવાર્ય બન્યો છે.
વર્તમાન સમયમાં આ દિવસ કેટલો સાર્થક?
આજના સમયમાં આ દિવસની જરૂરિયાત ભૂતકાળ કરતાં કદાચ ઘણી વધી ગઈ છે. ટેકનોલોજી, સોશિયલ મીડિયા અને વ્યસ્ત જીવનશૈલીના કારણે પરિવારોમાં 'લાગણીશીલ સંવાદ' ઓછો થતો જાય છે. એક જ ઘરમાં રહેતા લોકો વચ્ચે પણ ડિજિટલ અંતર વધી રહ્યું છે. જે માતા-પિતા સંતાન માટે આખું જીવન સમર્પિત કરે છે, તેમને જ વૃદ્ધાવસ્થામાં ઘણી વખત એકલતા, અવગણના અને અસુરક્ષાનો સામનો કરવો પડે છે.
આજે વધી રહેલા વૃદ્ધાશ્રમો એ પ્રશ્ન ઊભો કરે છે કે, શું આધુનિકતાની દોડમાં માનવતા પાછળ છૂટી ગઈ છે? શું ભૌતિક સફળતા મેળવવા માટે આપણે સંબંધોની ઉષ્મા ગુમાવી રહ્યા છીએ? આ દિવસ આપણને આ જ ગંભીર પ્રશ્નો પર આત્મમંથન કરવા પ્રેરિત કરે છે.
આજના મુખ્ય સામાજિક પડકારો
૧. વ્યસ્ત જીવનશૈલી-આજના સમયમાં માતા-પિતા અને સંતાન બંને પોતાના કામ અને કારકિર્દીમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પરિવાર સાથે બેસીને દિલ ખોલીને વાત કરવાનો સમય પણ મળતો નથી.
૨.મોબાઇલ અને સોશિયલ મીડિયાનો અતિરેક- ઘણા પરિવારોમાં મોબાઇલ સંબંધો કરતાં વધુ મહત્વનો બની ગયો છે. ઘરનું વાતાવરણ સંવાદથી નહીં પણ નોટિફિકેશનના અવાજથી ભરાઈ ગયું છે.
૩. સંસ્કારોનું ક્ષય અને એકલ વાયુ જીવન- પહેલાંના સમયમાં સંયુક્ત કુટુંબમાં બાળકો દાદા-દાદી પાસેથી જીવનમૂલ્યો અને સંસ્કાર શીખતા હતા. હવે વિભક્ત (એકલ) કુટુંબ વ્યવસ્થામાં આ પરંપરા નબળી પડી રહી છે.
૪. વૃદ્ધોની અવગણના-ઘણા વડીલોને સંતાનો તરફથી પૂરતું માન, સમય અને લાગણી મળતા નથી. આ આર્થિક નહીં પણ માનસિક ગંભીર સમસ્યા છે, જેના કારણે વડીલો મજબૂરીમાં કે દુઃખી થઈને વૃદ્ધાશ્રમ તરફ વળે છે.
કાયદો અને સંતાનોની કાનૂની જવાબદારી
ભારતમાં માતા-પિતાના અધિકારો અને સુરક્ષા માટે માતા-પિતાની સંભાળ અને વડીલોના કલ્યાણ માટેનો કાયદો- ૨૦૦૭ બનાવવામાં આવ્યો છે. તેમની
મુખ્ય જોગવાઈઓ મુજબ
૧. કાનૂની ફરજ-સંતાનો માટે માતા-પિતાની સંભાળ રાખવી અને તેમની જરૂરિયાતો પૂરી કરવી એ કાનૂની રીતે ફરજિયાત છે.
૨. ભરણપોષણનો અધિકાર- ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે.
૩. ટ્રિબ્યુનલ નો આશરો- સંતાનો દ્વારા અવગણના થાય તો વડીલો કાનૂની ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી શકે છે.
૪. મૂળભૂત જરૂરિયાતો- ખોરાક, રહેઠાણ, તબીબી સારવાર અને આવશ્યક સુવિધાઓ આપવાની જવાબદારી સંતાનોની ગણાય છે.
આ કાયદો માત્ર કાનૂની વ્યવસ્થા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિના ‘‘માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ'' જેવા મૂળભૂત મૂલ્યોને સુરક્ષિત રાખવાનો એક પ્રયાસ છે. પરંતુ યાદ રાખવું ઘટે કે માત્ર કાયદાથી સંબંધો ક્યારેય જીવંત રહી શકતા નથી. સંબંધોને પ્રેમ, લાગણી, સમય અને સમજણનું ખાતર જોઈએ. માતા-પિતાનું સન્માન કાયદાના ડરથી નહીં, પણ હૃદયના આદર અને કર્તવ્યભાવથી થવું જોઈએ.
સંબંધોની ઉષ્મા જાળવી રાખવા માટેના માર્ગદર્શન
૧. 'ડિજિટલ ડિટોક્સ' અને ક્વોલિટી ટાઈમ- દરરોજ રાત્રે થોડો સમય મોબાઇલ બાજુ પર મૂકીને પરિવાર સાથે ગુણવત્તાસભર સમય વિતાવો.
૨. વૃદ્ધોના અનુભવનો આદર- માતા-પિતાની સલાહ અને અનુભવ જીવનની મોટી મૂડી છે. તેમને પરિવાર પર 'બોજ' નહીં પરંતુ ‘આશીર્વાદ' માનો.
૩. નવી પેઢીમાં સંસ્કાર સિચન- બાળકોને નાનપણથી જ વડીલોનું સન્માન અને સેવા કરવાના સંસ્કાર આપો, કારણ કે બાળકો આપણું વર્તન જોઈને જ શીખે છે.
૪. ભાવનાત્મક હૂંફ- વડીલોને ઉંમરના આ પડાવ પર માત્ર પૈસા કે દવાઓની નહીં, પરંતુ તમારા પ્રેમ, સ્નેહ અને સાથની સૌથી વધુ જરૂર હોય છે.
૫. સામાજિક અને સરકારી સહયોગ- સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય સેવાઓ વધુ સુલભ અને બને ત્યાં સુધી નિઃશુલ્ક થવી જોઈએ, જેથી આર્થિક તણાવ ઓછો થઈ શકે.
પ્રેરણાદાયી સંદેશ
વૈશ્વિક માતા-પિતા દિવસ આપણને યાદ અપાવે છે કે સંબંધો વગરની ભૌતિક સફળતા સાવ ખાલી છે. દુનિયામાં જો કોઈ નિઃસ્વાર્થ પ્રેમ હોય, તો તે માતા-પિતાના હૃદયમાં છે. ટેકનોલોજી અને પૈસા જીવનને સગવડ આપી શકે, પણ સાચી શાંતિ અને ખુશી તો માતા-પિતાના પ્રેમથી જ મળે છે.
આવો, આ દિવસથી આપણે માત્ર સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકીને શુભેચ્છા પાઠવવાની ફોર્માલિટી બંધ કરીએ. તેના બદલે, માતા-પિતાને આપણો ‘સમય' આપવાનો, તેમની લાગણીઓને સમજવાનો અને આજીવન તેમનો આદર કરવાનો સાચો સંકલ્પ કરીએ. કારણ કે જે ઘરમાં માતા-પિતા રાજી હોય છે અને તેમના આશીર્વાદ હોય છે, ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપમેળે આવીને વસે છે.(૪૦.૩૬)
પ્રાસંગિક
બાબુભાઇ મેનપરા
મો.૯૪૨૬૨૨૭૮૮૮
(2:31 PM IST)










