<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

રાજકોટના ગઢકામાં મંદિરે દર્શનાર્થે ગયેલા અમરેલીના વૃધ્‍ધાના ગળામાંથી ૩.૧૫ લાખનો સોનાનો ચેઇન ‘છૂ'

ગામમાં આવેલા દ્વારકાધીશ મંદિરે ધ્‍વજા મહોત્‍સવ-ધૂન-પ્રસાદના કાર્યક્રમ વખતે બનાવ : કિરણબેન આખજા ગઢકા જમાઇના ઘરે પતિ, દિકરા સહિતની સાથે આવ્‍યા હતાં: આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨: રાજકોટ તાલુકાના ગઢકા ગામે આવેલ દ્વારકાધીશ મંદિરે યોજાયેલા ધ્‍વજા મહોત્‍સવ દરમિયાન ભીડનો લાભ ઉઠાવી અજાણી મહિલાએ અહિ ધર્મોત્‍સવમાં સામેલ થયેલા અમરેલીના વૃધ્‍ધાના ગળામાંથી રૂપિયા ૩.૧૫ લાખની કિંમતનો ચેઇઇન સેરવી લેતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે અમરેલીમાં શામજીનગર શેરી નં. ૧ લાઠી રોડ પર રહેતાં કિરણબેન ચુનીલાલ આખજા-પટેલ (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. કિરણબેન પરિવાર સાથે રહે છે. તેમણે જણાવ્‍યું હતું કે તેમના જેઠની દિકરી વૈશાલીબેન રાજકોટના ગઢકા ગામે સાસરે છે. પોતે ૨૮/૦૮ના રોજ ગઢકા જમાઈ કલ્‍પેશભાઈ ગીરધરભાઈ કલોલાના ઘરે આવ્‍યા હતા. ગઢકા ગામે આવેલ દ્વારકાધીશ મંદિરે ધ્‍વજા આરોહણ, ધૂન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હોઇ કિરણબેન તેમના પતિ, પુત્ર દીપકભાઇ અને પરિવારજનો એમ બધા મંદિરે દર્શનાર્થે ગયા હતા.

મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં મોટો જનમેદની એકઠી થઈ હતી. બપોરે આશરે એક વાગ્‍યે કાર્યક્રમ પુર્ણ થયા બાદ પરિવાર ગાડી તરફ જઈ રહ્યો હતો ત્‍યારે કિરણબેનના નણંદ લીલીબેનની નજર તેમના ગળા પર પડતા સોનાનો ચેઇન ગાયબ હોવાનું માલુમ પડયું હતું. કિરણબેને ગળામાં પહેરેલ અઢી તોલા આશરે પચ્‍ચીસ ગ્રામ વજનનો સાંકળીવાળો સોનાનો ચેઇન રૂપિયા ૩,૧૫,૦૦૦નો કોઇએ ભીડનો લાભ ઉઠાવી સેરવી લીધો હતો. આ અંગે કિરણબેને પોતાના પુત્ર સાથે આજીડેમ પોલીસ સ્‍ટેશન પહોંચી જાણ કરતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ અશોકભાઇ બી. કલાલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(1:13 PM IST)