News of Monday, 19th October 2026
ગ્રામ પંચાયતોની ચૂંટણી નજીક છે, વહીવટી તંત્રની ગતિ વધારવા જિલ્લા પંચાયતના સભ્યોનો પોકાર
પ્રમુખ સાથેની સંકલન બેઠકમાં અમુક સભ્યોનો આક્રોશ : ટુંક સમયમાં અધિકારીઓ અને સભ્યોની સંયુકત બેઠક યોજાશે : યોગ્ય પગલા લેવડાવવાનું સંજય પીપળિયાનું આશ્વાસન

રાજકોટ, તા ૧૯: જિલ્લા પંચાયતના સભ્યોની અવિધિસરની સંકલન બેઠક આજે પ્રમુખ સંજય પીપળીયાની હાજરીમાં તેમની ચેમ્બરમાં મળેલ. જેમાં કેટલાક સભ્યોએ પોતાના પ્રજાલક્ષી કામો અધિકારીઓ દ્વારા થતા ન હોવાનો કચવાટ વ્યક્ત કરેલ. બેઠકમાં સભ્યો અથવા સભ્ય પ્રતિનિધિ સહિત ૧૫ જેટલા અગ્રણીઓની હાજરી હતી .પ્રમુખે સભ્યોની વાતને ગંભીરતાથી લઈ ટૂંક સમયમાં યોગ્ય પગલાં લેવડાવવાનું આશ્વાસન આપ્યું હતું.
જિલ્લા પંચાયતમાં ભાજપના ૩૪ તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એક એક સભ્ય ચૂંટાયેલા છે. આજે સોમવાર હોવાથી મોટાભાગના સભ્યો પંચાયતમાં આવતા હોય છે .કેટલાક ચેરમેન સહિતના સભ્યો આજે પ્રમુખને મળેલા અને પોતાના વિસ્તારના પ્રશ્નો તથા વહીવટી તંત્ર દ્વારા રજૂઆતને મળતા પ્રતિસાદની વાત કરેલ. અમુક અધિકારીઓ અપેક્ષા મુજબ ઝડપથી કામ કરતા ન હોવાની વેદના વ્યક્ત કરી હતી .પ્રમુખે સભ્યોને સાંભળી ટૂંક સમયમાં અધિકારીઓ સાથે સભ્યોની સંયુક્ત બેઠક યોજવાનો નિર્દેશ કર્યો હતો. ગ્રામ પંચાયતો અને સરપંચોની ચૂંટણી દિવાળી પછી તરત આવી રહી છે .જો પ્રજાકીય કામોમાં વિલંબ થાય તો તેની અસર જન માનસ પર પડે તેવી લાગણી સભ્યોએ વ્યક્ત કરી જિલ્લા પંચાયતના વહીવટી તંત્રને વધુ દોડતું કરવા રજૂઆત કરી હતી .શાસક પક્ષના અમુક સભ્યોનો અસંતોષ સૂચક છે .સમગ્ર મામલો પ્રમુખે હાથ પર લીધો છે .હવે શું થાય છે તે ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત પ્રમુખે ગયા મંગળવારે ગાંધીનગર રૂબરૂ જઈ જિલ્લા પંચાયતમાં ખાલી પડેલ સંખ્યાબંધ જગ્યા ઉપર ભરતી કરવા સરકારમાં રજૂઆત કરી હતી
(3:31 PM IST)










