News of Wednesday, 4th November 2026
હરિદ્વારમાં ગંગા મૈયાના પાવન સાનિધ્યમાં સદ્દગુરૂ જીવરાજબાપુની ભવ્ય તર્પણવિધિ સંપન્ન
સર્વપિતૃ અમાસના પવિત્ર પર્વે સંતો-મહંતો અને વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં ધાર્મિક અનુષ્ઠાન : સાધુ-સંતોને ભેટપૂજા, ફળ વિતરણ અને બ્રહ્મભોજન સાથે મહાપ્રસાદનું આયોજન સતાધારના પૂર્વ મહંત પૂજ્ય જીવરાજબાપુની સમાધિને ૬ વર્ષ પૂર્ણ થતાં આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ શાષાોક્ત વિધિથી ગુરૂતર્પણ કર્યું : મુંડન અને પંચકેશ ઉતારી જલાંજલિ અર્પણ

હરિદ્વાર : વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ હરિદ્વારમાં પવિત્ર ગંગા મૈયાના કિનારે બ્રહ્મઘાટ ક્ષેત્રે ભાદરવા વદ સર્વપિતૃ અમાસના પાવન પર્વે સતાધાર ધામના પૂર્વ મહંત પરમ પૂજ્ય શ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુની આત્માની ચિરશાંતિ અર્થે ભવ્ય ધાર્મિક અનુષ્ઠાન યોજાયું હતું. શ્રી આપાગીગાના ઓટલાના મહંત અને પૂજ્ય જીવરાજબાપુના અનન્ય શિષ્ય શ્રી નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુએ વિદ્વાન બ્રાહ્મણોના વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સંપૂર્ણ શાષોક્ત તર્પણવિધિ સંપન્ન કરી હતી.
સમગ્ર ભારતવર્ષ ઉપરાંત વિદેશમાં પણ વિશાળ ભક્તસમુદાય ધરાવતા સતાધાર જગ્યાના પૂર્વ મહંત પરમ પૂજ્ય શ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુના દેહવિલય બાદ સતાધાર ધામ ખાતે પરંપરાગત ધાર્મિક વિધિ અનુસાર હજારો સાધુ-સંતો અને સેવકગણની ઉપસ્થિતિમાં તેમને સમાધિ આપવામાં આવી હતી.
પૂજ્ય નરેન્દ્રબાપુ તથા સંતો-સેવકોએ આ સમાધિવિધિમાં ભાગ લીધો હતો. પૂજ્ય જીવરાજબાપુની સમાધિને ૬ વર્ષ પૂર્ણ થતાં સંવત ૨૦૮૨ના ભાદરવા વદ સર્વપિતૃ અમાસના પવિત્ર દિવસે હરિદ્વાર ખાતે વિશેષ ગુરુતર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત નરેન્દ્રબાપુએ ગુરુપરંપરાની ધાર્મિક ભાવના અનુસાર પોતાનું મુંડન કરાવ્યું હતું તેમજ પંચકેશ ઉતારી ગંગા મૈયાના પવિત્ર જળમાં જલાંજાલિ અને સંપૂર્ણ તર્પણવિધિ કરી હતી.
વિદ્વાન બ્રાહ્મણોના માર્ગદર્શન હેઠળ વેદોક્ત અને શાષોક્ત મંત્રોચ્ચાર સાથે પિતૃઓ તથા પરમ પૂજ્ય ગુરુવર્યના આત્માની ચિરશાંતિ અને મોક્ષની પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે હરિદ્વાર ક્ષેત્રના સ્થાનિક અખાડાઓના સાધુ-સંતો, મહાપુરુષો, બ્રાહ્મણો તથા અભ્યાગતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
તર્પણવિધિ પૂર્ણ થયા બાદ મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુએ ઉપસ્થિત સાધુ-સંતોને આદરપૂર્વક વંદન કરી ભેટપૂજા અને દક્ષિણા અર્પણ કરી તેમના મંગલ આશીર્વાદ મેળવ્યા હતા. સાધુ-સંતો, વિદ્વાન બ્રાહ્મણો અને અભ્યાગતોને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત સૌના માટે બ્રહ્મભોજન અને વિશાળ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સાધુ-સંતોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર ધાર્મિક પ્રસંગ દરમિયાન ગંગા કિનારે ગુરુભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો ભાવસભર માહોલ સર્જાયો હતો. (૩૭.૬)
સંતો-મહંતોને ભેટપૂજા અને બ્રહ્મભોજન : ગંગા કિનારે ભક્તિમય માહોલ
* પવિત્ર તર્પણ પ્રસંગે સંતસમાજની વિશેષ ઉપસ્થિતિ.
* હરિદ્વારના અખાડાઓના સાધુ-સંતો પધાર્યા.
* મહંત નરેન્દ્રબાપુએ સંતોને આદરપૂર્વક વંદન કર્યા.
* તમામ સાધુ-સંતોને ભેટપૂજા અને દક્ષિણા અર્પણ કરી.
*સંતો, બ્રાહ્મણો અને અભ્યાગતોને ફળ વિતરણ થયું.
* ઉપસ્થિત સૌ માટે બ્રહ્મભોજનની વ્યવસ્થા કરાઈ.
* વિશાળ સંતભંડારા અને મહાપ્રસાદનું આયોજન થયું.
*મોટી સંખ્યામાં સંતોએ પ્રસાદ ગ્રહણ કર્યો.
*સંતોના આશીર્વાદથી ધાર્મિક પ્રસંગ સંપન્ન થયો.
ગુરૂભક્તિનું અનુપમ ઉદાહરણ : નરેન્દ્રબાપુએ મુંડન કરાવી પંચકેશ ઉતાર્યા
હરિદ્વારના પવિત્ર બ્રહ્મઘાટ ખાતે મહંત શ્રી નરેન્દ્રબાપુએ ગુરુઋણ અદા કર્યું. પરમ પૂજ્ય જીવરાજબાપુની સ્મૃતિમાં વિધિપૂર્વક મુંડન અને પંચકેશ ઉતાર્યા. ગંગા મૈયાના પાવન જળમાં જલાંજલિ આપી. વિદ્વાન બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા. ગુરુવર્યની આત્મશાંતિ માટે પ્રાર્થના કરી. શાષનોક્ત રીતે સંપૂર્ણ તર્પણવિધિ સંપન્ન થઈ. ગુરુ-શિષ્ય પરંપરાનો અનોખો મહિમા ઉજાગર થયો.
(3:21 PM IST)










