News of Saturday, 19th September 2026
નરેન્દ્રભાઈના ૭૬મા જન્મદિન નિમિત્તે રાજકોટ ગુરુકુલમાં સમૂહ આરતી અને પ્રાર્થના

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન, ઢેબર રોડ ખાતે છાત્રાલય વિભાગ દ્વારા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિન નિમિત્તે વિશેષ સમૂહ આરતી, પ્રાર્થના અને ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરવાની સાથે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રહિતની ભાવના વધુ મજબૂત કરવાનો ભાવ વ્યકત થયો હતો. આ પ્રસંગે પૂજ્ય નારાયણપ્રસાદ સ્વામી, પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, પૂજ્ય હરિપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય જનમંગલદાસજી સ્વામી સહિત ૧૧થી વધુ સંતો, ૩૫થી વધુ વ્યવસ્થાપક ભાઈઓ તેમજ ૧૮૦૦થી વધુ છાત્રાલયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનપ્રસંગો, જાહેર જીવનની સફર અને દેશ માટે કરવામાં આવેલા વિવિધ કાર્યોની ઝલક આપતી ડોકયુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. આ અવસરે સંતો અને સંચાલકોએ વિદ્યાર્થીઓને ‘રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના સાથે જીવનમાં આગળ વધવા, દેશ પ્રત્યે પોતાની જવાબદારી સમજવા તથા આદર્શ અને જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા હતા. સાથે જ યુવાનો દેશના ભવિષ્યના ઘડવૈયા હોવાથી વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભૂમિકા ભજવવા માટે સતત પ્રયત્નશીલ રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ડિરેક્ટર ઘનશ્યામભાઈ વૈષ્ણવ, સંચાલક તીર્થભાઈ ગોહેલ તથા દિપકભાઈ દેવમુરારી સહિત વ્યવસ્થાપક ભાઈઓની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમના અંતે સંતોના આશીર્વચન સાથે દેશની સુખ-શાંતિ, પ્રગતિ અને જનકલ્યાણ માટે તેમજ નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી.
(2:46 PM IST)










