News of Monday, 18th May 2026
અલ્તાફ ઉર્ફે છ આંગળી ગેંગના ૬ સાગરીતો સામે ગુજસીટોક
ધાક ઉભી કરવા પ્રાણઘાતક હથિયારો વડે ખુન, ખુનની કોશીશ, ધમકી, લુંટ જેવા ગુના આચરતી સંગઠીત ટોળકી સામે કાયદાની તલવાર વિંઝતા ડીસીપી જગદીશ બાંગરવાઃ ૯ વર્ષમાં ૪૬ ગુના આચર્યા હતાઃ ૫ ઝડપાયા, ગેંગ લીડરની શોધખોળ

અલ્તાફ ગેંગના ૬ સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી જેની માહિતી ડીસીપી બાંગરવાએ પ્રેસ કોન્ફરન્સમાં આપી ત્યારે ક્રાઇમબ્રાંચના સાથી અધિકારીઓ અને ઝડપાયેલા ૫ ગુનેગારો નજરે પડે છે.(ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા.૧૮: ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C) નો કાયદો ગુજરાત રાજયમાં અમલમાં છે જેનો ઉદ્દેશ સંગઠીત ગુના આચરતી ટોળકીના સભ્યો સામે કડક કાયદાકીય પગલાનો છે. આ અંતર્ગત આજે રાજકોટમાં સક્રીય અલ્તાફ ઉર્ફે છ આંગળી ગેંગના ૬ સભ્યો સામે ગુનો નોંધી જેલમાં ધકેલવાની કાર્યવાહી રાજકોટ ક્રાઇમબ્રાંચ દ્વારા કરવામાં આવી હતી.
આ અંગે ડીસીપી (ક્રાઇમ) શ્રી જગદીશ બાંગરવાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, શહેરના ‘‘અલ્તાફ ૬ આંગળી'' ગેંગ ના સાગરીતો દ્રારા ખૂન, ખુનની કોશિશ, ધમકીઓ, લુંટ કરવી, બગાડ કરવો, ગે,કા, મંડળી રચી હુમલા કરવા તેમજ સરકારી અધિકારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવા, ગે.કા. હથીયાર તેમજ દારૂ જેવા ગંભીર ગુનાઓ આચરી આમ નાગરીકોમાં ભયનું વાતાવરણ ઉભું કરવાનો બદઇરાદો અવાર-નવાર પાર પાડતા હોય આ ગેંગને નિયંત્રણમાં લેવા શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય મંડલીક દ્વારા સુચના આપવામાં આવી હતી. જે અન્વયે નાયબ પોલીસ કમિશનરશ્રી (ક્રાઇમ) જગદીશ બાંગરવા સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ મદદનીશ પોલીસ કમિશનરશ્રી (ક્રાઇમ) ભરત.બી.બસીયા તથા ડી.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા એમ.એલ.ડામોર સી.એચ.જાદવ તથા પો.સબ.ઇન્સ સી.બી.જાડેજા નાઓએ ડી.સી.બી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ મારફતે અતિ ગુપ્ત રાહે આવા ગુના આચરતી ટોળી બાબતે માહિતી મેળવી તેઓ વિરુધ્ધ દાખલ થયેલ ગુનાઓની વિગત મેળવવામા આવેલ.
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી અલ્તાફ ઉર્ફે છ આગળી હનીફભાઇ થઇમ રહે. અનમોલ પાર્ક શેરી નં. ૨ તુકીબાપુની દર્ગાની બાજુમા આજીડેમ ચોકડી પાસે રાજકોટ શહેર વાળો રાજકોટ શહેર વિસ્તારમાં તથા રાજકોટની આજુબાજુમાં આવેલ જીલ્લાઓમાં પોતાની ગુનાહીત પ્રવળતિ ચલાવવા માટે પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને ગુનાઓ આચરવા માટે સંગઠીત ગુના આચરતી ટોળી બનાવેલ. જે ‘‘અલ્તાફ ૬ આંગળી ગેંગ'' તરીકે ઓળખાય છે. આ ગેંગ દ્વારા સને ૨૦૧૬ થી સને ૨૦૨૬ દરમ્યાન રાજકોટ શહેરમાં ૪૬ ગુના આચરવામાં આવ્યા હતા.
આ ટોળકીના આરોપી- (૧) તોસીફ ઉર્ફે બાધો અસીમભાઇ ઉમરેઠીયા રહે. રહે,સાગર સોસાયટી શે.નં.૨, વારીસ મકાન, ઉર્દુમાં લખાણ વાળુ, જંગ્લેશ્વર, કોઠારીયા રોડ રાજકોટ (૨) ઇમરાન ગુલાબભાઇ બેલીમ રહે. જંગલેશ્વર શેરી નં.૨૬ મુન્નાભાઇના મકાનમાં ભાડેથી રાજકોટ શહેર (૩) અશોક ગોવિંદભાઇ સીંધવ રહે. મહાત્મા ગાંધી સોસાયટી શેરી નં ૧ દેવપરા પાસે નીલકંઠ પાર્ક મેઇન રોડ, રાજકોટ શહેર તથા આંબેડકર નગર આસ્થાના ગેઇટની સામે ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ શહેર (૪) ભરત માધાવજી વાસુર રહે. નવા થોરાળા વિજયનગર શેરી નં. ૯ હાલ તથાગતનગર વાવડી રાજકોટ ( ૫) ઇકબાલભાઇ કરીમભાઇ વડાવરીયા (રહે મોરબી ભારતપરા મ.પરા એચ.પી.ના પેટ્રોલપંપ સામે ઘરના મકાનમાં મોરબી)ને આજે ઝડપી લેવાયા હતા જયારે મુખ્ય આરોપી અલ્તાફ ઉર્ફે છ આંગળીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી નાયબ પોલીસ કમિશનરશ્રી (કાઇમ ્રૂ સ્પેશયલ) જગદીશ બાંગરવા સાહેબની સુચના હેઠળ રાજકોટ શહેરના મદદનીશ પોલીસ કમિશનરશ્રી (ક્રાઇમ) ભરત.બી. બસીયા સાહેબ તથા ડી.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, તથા ડી.સી.બી. પો.સ્ટે. પો.સબ ઇન્સ. સી.બી.જાડેજા, તથા એ.એસ.આઇ જનકભાઇ ફુગસીયા પોલીસ હેડ કોન્સ પ્રતિકસિંહ રાઠોડ તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આરોપીઓને પકડવા માટે રાજકોટ શહેર, ડી.સી.બી. પોલીસ સ્ટેશન ના પો.સબ ઇન્સ. વી.ડી.ડોડીયા, એ.એન.પરમાર, આર.કે.ગોહિલ, ડી.પી.ઝાલા, એસ.વી. ચુડાસમા તથા ડી.સી.બી. પો.સ્ટે. ની તમામ ટીમના માણસો દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી હતી.
(2:27 PM IST)










