<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

હનુમાન મઢી પાસે શિવપરાના હરેશભાઇ મૈયડને ફરિયાદ પાછી ખેંચી લેવા કહી ઓન ધ સ્પોટ ગોળી મારી દેવાની ધમકી આપી

પિયુષ અને રવિ સામે ગાંધીગ્રામમાં ગુનો: પાડોશીના પારિવારિક વિવાદમાં વચ્ચે પડતા મામલો બિચક્યો

રાજકોટ: રૈયા રોડ પર આવેલી શિવપરા સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા હરેશભાઈ નાથાભાઈ મૈયડ (ઉ.વ.૩૫)ના પાડોશી રેખાબેન રાઠોડના તેમના પતિ જયેશ પરમાર સાથે છૂટાછેડા થયા હતા. ગત ૧૭ જુલાઈના રોજ જયેશે દવા પી લેતા રેખાબેને હરેશભાઈને ફોન કર્યો હતો. હરેશભાઈએ ૧૦૮ બોલાવવાની સલાહ આપી હતી. જો કે જયેશના સાળા રવિ કિરીટભાઈ જીવરાજાની અને ભાણેજ પિયુષે હરેશભાઈના કારણે જ જયેશે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરી ઝઘડો કર્યો હતો. 

આ મામલે હરેશભાઈએ અગાઉ બંને સામે પોલીસમાં અરજી કરી હતી. આ અરજીનો ખાર રાખી આરોપીઓએ હરેશભાઈને ફોન પર ગાળો આપી ધમકીઓ આપી હતી. આરોપી પિયુષે ફોન કરીને કહ્યું હતું કે, "તારાથી થાય તે કરી લેજે, મારામાં તારા ઘરે આવીને મારી નાખવાની ત્રેવડ છે. મને જે દિવસે છૂટ મળી ગઈ તે દિવસે ઓન ધ સ્પોટ તારા પર ફાયર કરીશ."

પોલીસ ચોકીએ કેમ ગયો હતો તેમ કહી પોતાના પર અગાઉ ચાર કેસ બોલતા હોવાનો રોફ ઝાડી ધમકી આપતા આખરે હરેશભાઈએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પિયુષ અને રવિ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:16 AM IST)