News of Friday, 24th April 2026
વોર્ડ-૭માં હર્ષ સંઘવીનો રણટંકારઃ મુખ્ય બજારોમાં રોડ-શો દ્વારા ઉમેદવારો માટે માંગ્યું જનસમર્થન
હર્ષભાઇ ખુલ્લી જીપમાં હતા અને પાછળ જ આ વોર્ડના ઉમેદવારોની જીપનો કાફલો દોડતો હતો

રાજકોટઃ રાજયના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઇ સાંજે ભવ્ય રોડ-શો યોજીને ચૂંટણી પ્રચારને નવી ગતિ આપી હતી. આ રોડ-શોનો મુખ્ય ઉદ્દેશ્ય વોર્ડ નંબર ૭ ના ઉમેદવારોને જનતાની વચ્ચે લઈ જવાનો અને મતદારો સાથે સીધો સંવાદ કરવાનો હોવાનું જાણવા મળે છે.
હર્ષ સંઘવી ખુલ્લી જીપમાં સવાર થઈને આગળ વધી રહ્યા હતા, અને તેમની પાછળ વોર્ડ નંબર ૭ ના તમામ ઉમેદવારો નેહલ શૂકલ, દર્શન પેંગ્યાતર, વર્ષાબેન પાંધી અને ખ્યાતિબેન ગોહેલ જીપ રાખવામાં આવી હતી. આ વ્યૂહરચનાનો હેતુ ઉમેદવારોને પ્રચારના કેન્દ્રમાં રાખવાનો અને મતદારો સુધી તેમનો પરિચય પહોંચાડવાનો હતો. તેઓએ આ વોર્ડમાં મહત્તમ સમય ફાળવ્યો હતો એક તબકકે અન્ય વોર્ડમાંથી રોડ શો પસાર થાય તેવા પ્રયાસ તેવા થયેલ પણ તેને સફળતા મળી ન હતી તેમ જાણવા મળે છે.
હર્ષ સંઘવીના પ્રચારનો મુખ્ય ઉદ્દેશ્ય વોર્ડના મુખ્ય બજાર વિસ્તારમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો હતો.
બજારના વિવિધ માર્ગો પરથી પસાર થયેલા આ રોડ-શોને સ્થાનિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. લાંબો સમય બજાર વિસ્તારમાં પસાર કરીને હર્ષ સંઘવીએ ઉમેદવારો માટે વાતાવરણને ધમધમતું કર્યું હતું અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો સંચાર કર્યો હતો.
વોર્ડ નં.૭ના પૂર્વ કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ, શહેર ભાજપ ઉપપ્રમુખ કૌશીકભાઇ ચાવડા અને કાર્યકરોની ટીમ દ્વારા સમગ્ર વોર્ડને પણ આકર્ષક શણગારવામાં આવ્યો હતો.
(3:47 PM IST)










