<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

સોની બજારના ૪ વેપારીઓનું ૭.૭૭ કરોડનું સોનુ-રોકડ લઇ ભાગેલા હસુ લોઢીયાની ધરપકડ

રેસકોર્ષ રીંગ રોડ પર બીગ બાઇટ પાછળ કલ્યાણ સોસાયટીમાં રહેતાં અને મારૂતિ જ્વેલર્સ નામે પેઢી ચલાવતાં હસમુખભાઇ ઉર્ફે હસુભાઇ લોઢીયાના રીમાન્ડ મેળવી પુછતાછ : ચાર વેપારીઓ સાથે ઠગાઇનો ગુનો દાખલ થયો હતો ઍ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયા અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

રાજકોટ તા. ૪ : શહેરના સોની બજારમાં ચાર વેપારીઓ સાથે રૂ. ૭ કરોડ ૭૭ની ઠગાઇના ગુનામાં વેપારી હસમુખ ઉર્ફે હસુ લોઢીયાની ઍ-ડિવીઝન પોલીસ ધરપકડ કરી રીમાન્ડ મેળવી વિશેષ તપાસ હાથ ધરી છે. ચાંદીના સટ્ટામાં રકમ હારી ગયાનું જણાવતાં પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

આ બનાવમાં ઍ-ડિવીઝન પોલીસે પ્રહલાદ પ્લોટ શેરી નં. ૫૧ ચામુંડા કૃપા ખાતે રહેતાં અને સોની બજાર જુની ગધીવાડમાં ક્રિષ્ના ચેમ્બર્સમાં રમેશચંદ્ર ઍન્ડ સન્સ નામે સોનાની દુકાન ચલાવતાં જતીનભાઇ ઉર્ફે કાનાભાઇ રમેશભાઇ પાટડીયા-સોની (ઉ.વ.૪૯)ની ફરિયાદ પરથી રેસકોર્ષ રીંગ રોડ બીગ બાઇટની પાછળ કલ્યાણ સોસાયટીમાં રહેતાં અને સોની બજારમાં મારૂતિ જ્વેલર્સ નામે વેપારી પેઢી ચલાવતાં હસમુખભાઇ ઉર્ફે હસુભાઇ શાંતિલાલ લોઢીયા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદ મુજબ જતીનભાઇ ઉર્ફે કાનાભાઇ પાટડીયા છેલ્લા પંદરેક વર્ષથી સોની બજારમાં સોની કામ કરે છે. આરોપી હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ શાંતિલાલ લોઢિયા સાથે તેઓ છેલ્લા દોઢ-બે વર્ષથી ઓળખાણ ધરાવતા હતા.

હસમુખભાઈની સોની બજાર ગઢની રાંગની શેરીમાં મારૂતી જ્વેલસ નામે વેપારી પેઢી આવેલી છે, તે બજારમાં બુલિયન તરીકે વેપાર ધંધો કરતા હોવાથી ફરિયાદી જતીનભાઈ તેને કમિશનથી સોનું આપતા હતા. આ રીતે લાંબા સમયના વેપારથી હસમુખભાઈઍ સોની વેપારીઓના પુરેપુરો વિશ્વાસ કેળવી લીધો હતો.

દરમિયાન ગઈ તારીખ ૨૬/૧૦ના રોજ બપોરના બારેક વાગ્યે હસમુખભાઈઍ ફરિયાદી જતીનભાઈને ફોન કરીને પૂછ્યું કે તમારી પાસે સોનું પડેલું છે ને? જતીનભાઈઍ હા પાડતા હસમુખભાઈઍ જણાવ્યું કે હું જે માણસને મોકલું તેને ફોન કરીને સોનું આપી દેજો. ત્યારબાદ બપોરે સવા બારથી પાંચ વાગ્યા દરમિયાન હસમુખભાઈઍ વિજયભાઈ મેણંદભાઈ કુગસિયા (રહે. ગોપાલ નગર શેરી નં. ૦૨, ગાંધીગ્રામ, વેલનાથ ચોક પાસે)ને ત્રણ વાર રૂબરૂ મોકલ્યા હતા. હસમુખભાઈ સાથે મોબાઈલ પર વાતચીત થયા બાદ તેમના કહેવાથી વિજયભાઈને કટકે કટકે આખા દિવસ દરમિયાન કુલ ૪ કિલો ફાઈન સોનું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બીજું ૧ કિલો ફાઈન સોનું હસમુખભાઈના કહેવાથી પાર્થ ગોલ્ડ પેઢીના માલિક હિરેનભાઈ રાજેશભાઈ પાટડીયા (રહે. કેવડાવાડી શેરી નં. ૯/૧૫ નો ખુણો, ઍલિગન્સ ઍપાર્ટમેન્ટ) ને આપવામાં આવ્યું હતું. આમ, ૨૬મીઍ  ઍક જ દિવસમાં કુલ ૫ કિલો ફાઈન સોનું હસમુખભાઈને જતીનભાઇ દ્વારા આપવામાં આવ્યું હતું.

બુલિયન ધંધાના નિયમ મુજબ સોનું લીધાના ૨૪ કલાકની અંદર પરત આપવાનું હોય છે. આ ૫ કિલો સોનાની હાલની બજાર કિંમત આશરે રૂપિયા ૭,૨૫,૦૦,૦૦ (સાત કરોડ પચીસ લાખ) થાય છે. આ સોનું પરત મેળવવા માટે જતીનભાઈઍ તારીખ ૨૭/૧૦ના રોજ બપોરે બારેક વાગ્યે હસમુખભાઇના મોબાઈલ નંબર પર ફોન કરતા હસમુખભાઈઍ જણાવેલ કે-તું ચિંતા ન કર, તારું સોનું તને સાંજના પાંચ વાગ્યા સુધીમાં પરત મળી જશે. ત્યારબાદ તે ગાયબ થઇ ગયેલ. બીજા ત્રણ વેપારીઓ સાથે પણ ફ્રોડ થયું હતું. કુલ ૭ કરોડ ૭૭ લાખની ઠગાઇમાં આરોપી હસુ લોઢીયા હાજર થતાં ધરપકડ કરી રીમાન્ડ મેળવી પુછતાછ શરૂ કરવામાં આવી છે. સટ્ટામાં રકમ હારી ગયાનું તેણે રટણ કર્યુ હતું. પીઆઇ જ.ે વી. વાઢીયા, ભરતસિંહ ગોહિલ સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(4:39 PM IST)