તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
એ માથું બંગાળના મજુર બાળકનું હોવાની પુરી શક્યતાઃ ઠેકેદાર શંકાના દાયરામાં આવતાં તપાસ
૧૮મી ડીસેમ્બર-૨૦૧૮ના રોજ રૂખડીયાપરા-ભગવતીપરા વચ્ચે નદીમાંથી મળ્યું હતું માથું : ગત જુન મહિનામાં બેડીનાકા વિસ્તારમાંથી એસઓજીએ બંગાળથી ગેરકાયદેસર રીતે લાવી મજુરીમાં જોતરી દેવાયેલા ૧૯ બાળકોને મુક્ત કરાવ્યા તેમાંથી એક બાળક ગૂમ હતું: તેની તપાસ થતાં બંગાળ જેલમાં બંધ ક્રુર ઠેકેદાર શંકાના દાયરામાં આવ્યોઃ ડીએનએ રિપોર્ટ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશેઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની રાહબરીમાં ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

રાજકોટ તા. ૪: શહેરના ભગવતીપરા અને રૂખડીયાપરાની વચ્ચે બેઠા પુલ પાસે આજી નદીના કાંઠા પરથી આજથી ૮ વર્ષ પહેલા ૧૮ ડીસેમ્બર-૨૦૧૮ના રોજ એક બાળકનું માથુ વાઢીને ફેંકી દેવાયેલુ મળ્યું હતું. આ ઘટનાને પગલે હાહાકાર મચી ગયો હતો. આ માથુ કોનુ છે? ઘટના શું બની હશે? એ સવાલોના જવાબો શોધવા જે તે વખતે ક્રાઇમ બ્રાંચ, બી-ડિવીઝનની ટીમોએ ભારે મહેનત કરી હતી પરંતુ ભેદ ખુલ્યો નહોતો. દરમિયાન હવે આ ખળભળાટ મચાવતી ઘટના ઉકેલાઇ જવાની શક્યતા છે. એ માથુ બંગાળના એક મજુર બાળકનું હોવાનું બહાર આવી રહ્યું છે. બાળકનું રાજકોટમાં બંગાળી બાળકો સાથે મજુરી વખતે મોત થયુ હતુ. કાળી મજુરી દરમિયાન બાળકનું મોત થતાં પાપ છુપાવવા બંગાળી ઠેકેદારે ધડ-માથુ નોખા કરી નદીમાં ફેંકી દીધાની પ્રાથમિક શંકાએ પોલીસે તપાસ શરૂ કરી છે.
ગેરકાયદેસર રીતે બંગાળથી મજુરી માટે રાજકોટ લાવવામાં આવેલો બાળક કલાકોની મજુરી અને સિતમને કારણે બેભાન થઇ ગયા બાદ તેનું મોત થયું હતું. આ પછી પોતાનું પાપ છુપાવવા ઠેકેદારે બાળકના ધડ-માથુ નોખા કરી નદીમાં વહાવી દીધાની પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે. ક્રુર ઘટનાને અંજામ આપનાર ઠેકેદાર હાલ બંગાળ જેલમાં હોઇ ડીએનએ પ્રક્રિયા પુરી થયા બાદ રાજકોટ પોલીસ તેનો ત્યાંથી કબ્જો મેળવ્યા બાદ આગળ કાર્યવાહી કરશે.
જાણવા મળ્યા મુજબ ૨૦૧૮ની ૧૮મી ડીસેમ્બરે નદી કાંઠેથી એક બાળકનું માથુ મળી આવતાં હત્યાની શંકાએ તપાસ શરૂ થઇ હતી. જે તે વખતે બી-ડિવીઝન પીઆઇ પીઆઇ આર. એસ. ઠાકર, પી.એસ.આઇ. એમ. એમ. ડામોર, એએસઆઇ સુધાબેન પાદરીયા, વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, એભલભાઇ બરાલીયા, હરપાલસિંહ વાઘેલા, મહેશભાઇ મંઢ, મહેશભાઇ ચાવડા, નિશાંતભાઇ પરમાર સહિતનો કાફલો પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમો પણ કામે લાગી હતી. પરંતુ આ માથુ કોનું છે? ઘટના શું બની તેની કોઇ કડી મળી નહોતી. માથાની ફોરેન્સિક નિષ્ણાંતોએ પરિક્ષણ કર્યુ હતું અને જામનગર એફએસએલ દ્વારા પણ રી-પોસ્ટમોર્ટમ કરાવાયુ હતું. જો કે ભેદ ખુલ્યો નહોતો.
દરમિયાન ગયા વર્ષે જુન મહિનામાં રાજકોટ શહેર એસઓજી સહિતની ટીમોએ બંગાળથી ગેરકાયદેસર રીતે રાજકોટ લાવી ઇમિટેશનની મજુરીના કામમાં જોતરી દેવાયેલા ૧૯ બાળકોને મુક્ત કરાવ્યા હતાં. જે તે વખતે બંગાળી ઠેકેદાર વિરૂધ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી. બંગાળમાં પણ ઠેકેદાર સામે ગુનો હોઇ ત્યાંની પોલીસને સોંપાતા તે ત્યારથી ત્યાંની જેલમાં છે. જે તે વખતે પાસમાં ખુલ્યું હતું કે ૧૯ બંગાળી બાળકો તો તેના પરિવારને મળી ગયા હતાં. પરંતુ એક બંગાળી પરિવારનો બાળક તેમને મળ્યો નહોતો. આ બાળકને પણ ઠેકેદાર ત્યાંથી રાજકોટ લાવ્યો હતો. આ બાળક ક્યાં ગયો? તેની પુછતાછ શરૂ થતાં અંતે શૈતાન સમાન ઠેકેદાર પ્રાથમિક રીતે શંકાના દાયરામાં આવ્યો છે. જે બાળકનું માથું રાજકોટની નદીમાંથી મળ્યું હતું એ બાળક જ આ ગૂમ થનાર બાળક હોવાની પુરી શક્યતા સાથે તપાસ આગળ વધારવામાં આવી છે. ઠેકેદાર બંગાળી બાળકો પર અમાનુષી ત્રાસ ગુજારી સવારથી રાત સુધી મજુરી કરાવતો હતો. જે પૈકી એક બાળકનું મોત નિપજતાં પાપ છુપાવવા ઠેકેદારે શરીરના ટુકડા કરી ધડ-માથુ અલગ કરી આજી નદીમાં ફેંકી દીધાની પ્રાથમિક શક્યતા સામે આવી હોઇ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ભયાનક કૃત્યને અંજામ આપનારા ઠેકેદાર સામે ડીએનએ રિપોર્ટ બાદ આગળ કાર્યવાહી થશે. હાલ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની રાહબરીમાં ટીમો વિશેષ કાર્યવાહી કરી રહી છે. ડીએનએ રિપોર્ટ સ્પષ્ટ થયા બાદ જ આગળ કાર્યવાહી થશે. હજુ પણ આ બાળક કોણ છે તે પુરેપુરૂ સ્પષ્ટ થઇ શક્યું નથી.
(2:47 PM IST)










