News of Saturday, 9th May 2026
રાજકોટમાં ગરમીનો પ્રકોપ: ૪૩.૭ ડિગ્રી સાથે પારો આસમાને, આગામી ૨ દિવસ હજુ આકરા રહેશે
હજુ આકરા તાપ માટે તૈયાર રહેજો, પશુ પક્ષીઓની હાલત પણ દયનિય

રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં આજે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મે મહિનાના આકરા તડકામાં આજે રાજકોટવાસીઓએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મહત્તમ તાપમાન ૪૩.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે ચાલુ સીઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન છે.
સવારના ૧૧ વાગ્યાથી જ સૂર્યનારાયણે આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું હતું. બપોરે ૧ થી ૪ વાગ્યાના સમયગાળા દરમિયાન તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર કરી જતાં રાજકોટના મુખ્ય માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને રેસકોર્સ વિસ્તારમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું, જ્યારે ટુ-વ્હીલર ચાલકો મોઢે રૂમાલ અને ચશ્મા બાંધીને નીકળતા જોવા મળ્યા હતા.
*
વધતી જતી ગરમી અને હીટવેવની આશંકાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
* પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહી લેવા જણાવાયું છે.
* બપોરના સમયે સીધા તડકામાં જવાનું ટાળવા અને સુતરાઉ કપડાં પહેરવા સલાહ અપાઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૪૮ કલાક દરમિયાન ગરમીનો પારો હજુ પણ ઊંચો જઈ શકે છે. પવનની દિશા બદલાતા અને સૂકા પવનો ફૂંકાવાને કારણે લૂ (Heat Wave) લાગવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટની સાથે સાથે અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ પારો ૪૩ ડિગ્રીની આસપાસ રહ્યો હતો.
(6:23 PM IST)










