News of Thursday, 24th September 2026
ભારે કરી...મનપાની જગ્યા પણ અસુરક્ષીત ! ૩૮૨ રિઝર્વ પ્લોટમાં દબાણો ખડકાયા
રીંગણા લઉં બે ચાર, લે ને દસ-બાર જેવો ઘાટઃ દબાણકારોને મોજે દરિયા : દબાણો કયારે દૂર કરશો? તંત્રનો ઉડાઉ જવાબラ‘જરૂર પડશે ત્યારે': અગાઉથી દબાણગ્રસ્ત જમીન મળ્યાનો બચાવ કરી ચોમાસાનું બહાનું આગળ ધર્યું

રાજકોટ, તા.૨૪: મહાનગરપાલિકાને વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમો હેઠળ જુદા-જુદા જાહેર હેતુઓ માટે કુલ ૧,૬૯૧ રિઝર્વ પ્લોટ મળ્યા છે. તેમાંથી ૩૮૨ પ્લોટ ઉપર દબાણો હોવા છતાં તેને દૂર કરવા માટે મનપા પાસે હાલમાં કોઈ નક્કર આયોજન કે સમયમર્યાદા નથી. દબાણગ્રસ્ત પ્લોટ કયારે ખાલી કરાવવામાં આવશે તેવા સીધા સવાલના જવાબમાં તંત્રએ ‘જરૂરિયાત ઊભી થશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે' તેવો જવાબ આપતાં મનપાની ભૂમાફિયાઓ સામેની નીતિ અંગે સવાલો ઊભા થયા છે.
તંત્રએ પોતાની નિષ્ક્રિયતાના બચાવમાં મોટાભાગની જમીનો ટીપી સ્કીમ અમલી બની તે પહેલાંથી જ દબાણગ્રસ્ત હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત હાલમાં ચોમાસું ચાલી રહ્યું હોવાથી દબાણો દૂર કરવાની કામગીરીમાં મર્યાદાઓ હોવાનું બહાનું પણ આગળ ધર્યું છે.
શહેરમાં રસ્તા, શાળા, બગીચા, આરોગ્ય કેન્દ્ર, આવાસ સહિતના મોટા વિકાસ પ્રોજેક્ટ માટે જમીનની જરૂરિયાત રહેતી હોય છે. જમીન ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી અનેક પ્રોજેક્ટનું આયોજન પણ આગળ વધી શકતું નથી. આમ છતાં જાહેર હેતુ માટે અનામત રાખવામાં આવેલા ૩૮૨ પ્લોટ ઉપરનાં દબાણો દૂર કરવા મનપાએ કોઈ સમયબદ્ધ કાર્યયોજના બનાવી નથી.
તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકના પ્રશ્નકાળમાં શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરે પૂછયું હતું કે રાજકોટની તમામ ટીપી સ્કીમોમાં મનપાને કુલ કેટલા પ્લોટ મળ્યા છે, કેટલા પ્લોટ ખાલી છે, કેટલા પ્લોટ ઉપર દબાણ છે અને આ દબાણગ્રસ્ત પ્લોટ કયારે ખાલી કરાવવામાં આવશે?
મનપાએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મંજૂર થયેલી પ્રારંભિક અને આખરી નગર રચના યોજનાઓ મળીને કુલ ૪૨ ટીપી સ્કીમો આવેલી છે. આ યોજનાઓ હેઠળ જુદા-જુદા જાહેર હેતુઓ માટે મનપાને કુલ ૧,૬૯૧ અનામત પ્લોટ મળ્યા છે.
તંત્ર દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ અલગ-અલગ શ્રેણીના ૩૦૩, ૩૦૪ અને ૧,૦૮૪ મળીને કુલ ૧,૬૯૧ પ્લોટ છે. તેમાંથી ૭૨, ૭૦ અને ૩૯૨ મળીને કુલ ૫૩૪ પ્લોટ ખાલી છે. જ્યારે ૧૦૨, ૬૧ અને ૨૧૯ મળીને કુલ ૩૮૨ પ્લોટ ઉપર દબાણો છે.
મનપાના જવાબ મુજબ રિઝર્વ પ્લોટ ઉપર રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક સહિત વિવિધ પ્રકારનાં દબાણો છે. તેમાં સૌથી વધુ દબાણો રહેણાંક પ્રકારના હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે. તંત્રનો દાવો છે કે મોટાભાગનાં દબાણો ટીપી સ્કીમ અમલી બની તે પહેલાંથી અસ્તિત્વમાં છે.
મનપાએ જણાવ્યું છે કે દબાણો દૂર કરવાની કામગીરી સતત ચાલતી પ્રક્રિયા છે. જાહેર જનતાની રજૂઆત, જાહેર હિત અને વિકાસકામ માટે જમીનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
મનપાના જણાવ્યા મુજબ ટીપી સ્કીમ હેઠળ મળેલા રસ્તાઓ ઉપરનાં દબાણો દૂર કરવાની કામગીરીને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારબાદ રિઝર્વ પ્લોટ ઉપરનાં દબાણો દૂર કરવામાં આવશે. જોકે, ૩૮૨ દબાણગ્રસ્ત પ્લોટ કઈ સમયમર્યાદામાં ખાલી કરાવવામાં આવશે તેનો કોઈ સ્પષ્ટ જવાબ તંત્રએ આપ્યો નથી. એક તરફ શહેરમાં વિકાસકામો માટે જમીનની અછત દર્શાવવામાં આવે છે અને બીજી તરફ મનપાની કરોડો રૂપિયાની રિઝર્વ જમીન દબાણગ્રસ્ત હોવા છતાં ‘જરૂર પડશે ત્યારે' કાર્યવાહી કરવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. પરિણામે મનપાની રિઝર્વ જમીનોની સુરક્ષા અને દબાણો સામેની કાર્યવાહી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.(૨.૨૦)
(2:53 PM IST)










