News of Thursday, 28th May 2026
લોઠડામાં ‘હિટ એન્ડ રન': આટો મારવા નીકળેલા યુવાનનું કારની ઠોકરે મોત
મુળ બિહારનો ૨૮ વર્ષિય સોનાભાઇ યાદવ કંપનીમાં કામ કરતોઃ આવતા મહિને સગાઇ થવાની હતી

રાજકોટ તા. ૨૮: સરધારના લોઠડા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવાનનું મોત થયું છે. કારખાનામાં બુધવારની રજા હોઇ આ યુવાન સાંજે કંપનીની ઓરડીએથી આટો મારવા નીકળ્યો ત્યારે અજાણ્યો કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ લોઠડા ગામમાં ડાયમંડ એરીયા કંપનીની ઓરડીમાં રહેતો સોનાભાઇ ગોપાલભાઇ યાદવ (ઉ.વ.૨૮) નામનો યુવાન ગઇકાલે કારખાનામાં રજા હોઇ પોતાની ઓરડી પર હતો. સાંજે તે ચાલીને આટો મારવા નીકળ્યો ત્યારે લોઠડા ગામ પાસે અજાણ્યો કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
અહિ સારવાર દરમિયાન આજે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર સોનાભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટો અને અપરિણીત હતો. આગામી મહિને તેની સગાઇ થવાની હોઇ થોડા દિવસમાં વતન જવાનો હતો. મુળ બિહારના આ યુવાનના પિતા ખેત મજુરી કરે છે. બનાવથી પરિવારમાં સાથી કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:58 PM IST)










