<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

કુવાડવા રોડ સાત હનુમાન પાસે ‘હિટ એન્‍ડ રન': રસ્‍તો ઓળંગી રહેલા આધેડનું મોત

મુળ યુપીના મોહનસિંહ અમદાવાદથી ટ્રક લઇને આવ્‍યા હતાં: કુવાડવા પોલીસે મૃતકના ભત્રીજા કોૈશલેન્‍દ્રસિંહ ઠાકુરની ફરિયાદ પરથી અજાણ્‍યા વાહન ચાલક સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૪:  કુવાડવા રોડ પર સોખડા ચોકડીથી સાત હનુમાન તરફ જતા રોડ પર રાત્રે એક ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અજાણ્‍યા વાહન ચાલકે પગપાળા જઈ રહેલા આધેડને ઠોકરે ચડાવતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્‍યું છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ મુળ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના અને હાલ અમદાવાદ દાયમા લોજીસ્‍ટીક ટ્રાન્‍સપોર્ટ સરખેજ ખાતે રહેતાં કૌશલેન્‍દ્રસિંહ ગોપાલસિંહ ઠાકુરે કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં અજાણ્‍યા વાહન ચાલક વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાવ્‍યો છે. ફરિયાદીના કાકા મોહનસિંહ અંતરસિંહ  (ઉ.વ.૪૫) જેઓ દાયમા લોજિસ્‍ટિક ટ્રાન્‍સપોટમાં ડ્રાઇવિંગનું કામ કરતા હતા, તેઓ ગત ૧૨/૯ રોજ ગાડી લોડ કરીને રાજકોટ આવ્‍યા હતા. રાત્રિના આશરે દસેક વાગ્‍યાના સુમારે તેઓ સોખડા ચોકડીથી સાત હનુમાન તરફ જવાના રોડ પર પગપાળા જઈ રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્‍યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્‍માતમાં મોહનસિંહને માથાના ભાગે ગંભીર અને મુંઢ ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે તાત્‍કાલિક રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં સારવાર દરમિયાન તેમનું  મોત નીપજ્‍યું હતું. અકસ્‍માત સર્જી અજાણ્‍યો વાહનચાલક પોતાનું વાહન લઈને સ્‍થળ પરથી નાસી છૂટયો હતો. હિટ એન્‍ડ રનના આ બનાવ અંગેની જાણ થતાં મળતકના ભત્રીજા કૌશલેન્‍દ્રસિંહ તથા અન્‍ય સગા-સંબંધીઓ રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે પહોંચ્‍યા હતા અને મળતદેહની ઓળખ વિધિ  કરી હતી. પીએસઆઇ આર. કે. સામુદ્રેએ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

(2:11 PM IST)